ભાગ્યના ભેદ:એકમુખી રુદ્રાક્ષ સત્તા, પાવર, ધન-સંપત્તી અને એક હત્થું શાસન આપે છે; સાથે-સાથે જીવનનો અંત પણ વિચિત્ર અણધારી રીતે આપે છે

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

ભગવાન શિવ અને રુદ્રાક્ષ એકબીજાના અભિન્ન અંગ છે. રુદ્રાક્ષ એટલે રુદ્ર (શિવ) + અક્ષ(આંખ) અર્થાત ભગવાન શિવની આંખ. શિવપુરાણ, પદ્મપુરાણ, લીંગપુરાણ અને મહાકાલ સંહિતા અનુસાર રુદ્રાક્ષને ભગવાન શિવના આંસુ પણ કહે છે. એક પૌરાણિક કથા અનુસાર ત્રિપુરાસુર રાક્ષસનો વધ કરવા ભગવાન શિવને અઘોર વિદ્યાનો ઉપયોગ કરવો પડેલો અને આ કઠીન વિદ્યાનો પ્રયોગ કરતી વખતે પૃથ્વી અને બ્રહ્માંડ પર વિચરતા જીવોને હાનિ થયેલી. આ દૃશ્ય જોઈ ભોલેનાથની આંખમાંથી આંસુ ટપકેલા અને તે પૃથ્વીના વિભિન્ન ભાગમાં પડેલા. સમયકાળે આ આંસુ રુદ્રાક્ષના છોડમાં પરિવર્તિત થયેલા. નિર્ણય સિંધુ સાગર ગ્રંથ અનુસાર 1 થી 108 મુખી રુદ્રાક્ષ આ જગત પર અસ્તિત્વ ધરાવે છે પરંતુ સામાન્ય રીતે 1 થી 14 મુખના રુદ્રાક્ષનું ચલણ વધારે જોવા મળે છે. નેપાળ, ભારત, જાવા, સુમાત્રા, બર્મા અને ઇન્ડોનેશિયા વગેરે દેશમાં રુદ્રાક્ષ સૌથી વધારે પ્રાપ્ત થાય છે. આજે આ લેખમાં કેટલાક અગત્યના રુદ્રાક્ષની અનકહી-અનસુની વાતો લખવામાં આવી છે કે જે તમે ભાગ્યે જ વાંચી કે સાંભળી હશે.

આવો શરૂઆત કરીએ એવા રુદ્રાક્ષની વાતથી કે જેના પર સ્વયં ભગવાન શિવ અને માતા પાર્વતીના આશીર્વાદ છે. આ રુદ્રાક્ષનું નામ છે ગૌરી શંકર રુદ્રાક્ષ. ગૌરી શંકર રુદ્રાક્ષ બે રુદ્રાક્ષનું એક દુર્લભ નૈસર્ગિક જોડું છે. દ્વિમુખી રુદ્રાક્ષની બરોબર વચ્ચે બે નાના ભાગ ઉપસેલા હોય છે કે જેને શિવ અને પાર્વતીનું સ્વરૂપ કહેવામાં આવે છે. જે જાતકની કુંડળીમાં સૂર્ય અને ચંદ્ર દુષિત થયેલાં હોય અને લગ્ન જીવન સાવે ખાડે ગયેલું હોય તેવા જાતકો શ્રાવણ માસ દરમિયાન ગૌરી શંકર રુદ્રાક્ષ ધારણ કરે તો તેમના દાંપત્યજીવનને શિવ પાર્વતીના આશીર્વાદ મળે છે અને પતિ પત્નીના આત્મા (સૂર્ય )અને મન (ચંદ્ર)બળવાન બને છે.

હવે વાત કરીએ એક અલભ્ય અને દુર્લભ રુદ્રાક્ષની. આ રુદ્રાક્ષનું નામ છે એકમુખી. એકમુખી રુદ્રાક્ષમાં સૂર્યની સૌર શક્તિ, મંગળનું નેતૃત્વ અને ગુરુનું જ્ઞાન સાથે-સાથે શનિ –રાહુની ક્રુરતા અને તાનાશાહી પણ સામેલ છે. પ્રાચીન સમયમાં એકમુખી રુદ્રાક્ષનું ફળ એક વર્ષમાં માત્ર એક વાર જ પ્રાપ્ત થતું હતું જો કે હવે એકમુખી રુદ્રાક્ષ દરેક જગ્યાએ સરળ રીતે મળે છે. એકમુખી રુદ્રાક્ષ મસલ પાવર, સત્તા, ધન અને પ્રસિદ્ધિ સાથે એક હત્થું શાશન આપે છે. 1966ની સાલમાં નેપાળના રાજાએ ભારતના એક્સ પ્રાઈમ મિનિસ્ટર સ્વ.ઇન્દિરા ગાંધીને ભેટ આપેલો. એકમુખી રુદ્રાક્ષની અસલી તાકાત અને શિવની શક્તિએ ઇન્દિરાજીને વડાપ્રધાન પદ સાથે અદ્દભુત નેતૃત્વ, રાજકીય મોનોપોલી આપેલી. પરંતુ ઓક્ટોબર 1984માં તેમના અંગ રક્ષકો દ્વારા તેમની રાજકીય હત્યા (એસેસીનેસન)થયેલી. અમેરિકાના એક્સ પ્રેસિડેન્ટ સ્વ. કેનેડીને પણ ઇન્ડોનેશિયાના પ્રમુખ તરફથી 1961માં એક મુખીરુદ્રાક્ષ ભેટ આપેલો. એકમુખી રુદ્રાક્ષના કારણે કેનેડી ખુબ જ લોકપ્રિય બનેલા અને હીરો મટેરીયલ ધરાવતા અમેરિકાના આ પ્રેસિડેન્ટ તેના યુગના એક બેજોડ યુગ પુરુષ બનેલા પરંતુ આપ સૌ જાણો છો તે પ્રમાણે 22 નવેમ્બર 1963ના રોજ આ ઉમદા અમેરિકન પ્રેસિડેન્ટ અને સાચા માનવતાવાદીની રાજકીય હત્યા થયેલી. કહેવાય છે કે ભારતના ભૂતપૂર્વ કેબીનેટ રેલ મિનિસ્ટર સ્વ. લલિત નારાયણ મિશ્રાને પણ નેપાળના રાજાએ 1971ની સાલમાં એકમુખી રુદ્રાક્ષ ભેટ આપેલો અને 3 જાન્યુઆરી 1975ના રોજ સમસ્તીપુર બોમ્બ બ્લાસ્ટમાં તેમનું નિધન થયેલું. ઉપરના તમામ ઉદાહરણ દ્વારા એક વાત ચોક્કસ ફલિત થાય છે કે એકમુખી રુદ્રાક્ષ સત્તા, પાવર, ધન, સંપત્તી અને એક હત્થું શાસન આપે છે પણ સાથે-સાથે જીવનનો અંત પણ વિચિત્ર અણધારી રીતે આપે છે. તમે કોઈ પણ મુખી રુદ્રાક્ષ ધારણ કરો પણ ક્યાંક દુઃખી ના થવાય તેનું પણ ધ્યાન રાખજો.

નવ મુખી રુદ્રાક્ષ ધર્મ અને આધ્યાત્મવાદ સાથે જોડાયેલો છે. નવ મુખી રુદ્રાક્ષ ધારણ કરનાર પર નવ ગ્રહોના આશીર્વાદ અને કૃપા ઉતરે છે. હિંદુ સંસ્કૃતિ અને સંસ્કાર અનુસાર નવનો અંક નવરાત્રિ, નવકાર અને નવગ્રહ સાથે જોડાયેલો છે. નવ મુખી રુદ્રાક્ષ પર નવ દુર્ગાના આશીર્વાદ અને નવ ચંડીની શક્તિનો સમન્વય હોય છે. મંગળ ગ્રહ નવ મુખી રુદ્રાક્ષ પર આધિપત્ય ધરાવે છે. જે આ રુદ્રાક્ષ ધારણ કરે તેમનામાં સાહસ, શૌર્ય, નીડરતા, ધર્મ અને નવ ગ્રહોની શક્તિનો અદ્દભુત સંચાર થાય છે.

3 મુખી રુદ્રાક્ષ પર બ્રહ્મા– વિષ્ણુ અને શિવના આશીર્વાદ હોય છે. આ રુદ્રાક્ષ પર ગુરુ ગ્રહનું પ્રભુત્વ છે. ત્રણ મુખી ધારણ કરનારને ધન સંપત્તિ અને વૈભવની ખોટ રહેતી નથી. એવું કેહવાય છે 3 મુખી રુદ્રાક્ષ ધારણ કરનાર પર લક્ષ્મી –સરસ્વતી અને મા કાલી દ્વારા ધન, વિદ્યા અને સાહસ જેવા અપ્રતિમ ગુણોની ભેટ મળે છે.

અંતમાં વાત કરીશું અતિ મહત્ત્વના રુદ્રાક્ષ 10 મુખીની કે જેના માટે રાવણ સંહિતા, પાર્વતી સંહિતા અને લિંગ પુરાણમાં અનોખો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. દસ મુખી રુદ્રાક્ષ સ્વયં રાવણ પણ ધારણ કરતા હતા અને એવી વાયકા છે કે દસ મુખી રુદ્રાક્ષના કારણે રાવણમાં અભિમાન અને અહમ આવી ગયેલા. ફળ સ્વરૂપ રાવણે સોનાની લંકા, કુટુંબ અને જીવ ગુમાવેલા. દસ મુખી રુદ્રાક્ષમાં ગજબની પોઝિટિવિટી પણ છે. આ રુદ્રાક્ષ ધારણ કરનાર જ્ઞાની, મુત્સદી અને સત્તાધીશ બને છે. સંપત્તિ અને સ્વર્ગનો માલિક બને છે. તેની રજુઆતમાં દસ ગણો પ્રભાવ હોય છે. દસ મુખી ધારણ કરનાર વ્યક્તિની હાજરી માત્રથી જ લોકો તેના પ્રભાવમાં આવી જાય છે.

રુદ્રાક્ષની આચારસંહિતા અને નિયમોના ભાગ રૂપે સંભોગ સમયે, સ્મશાનમાં જતાં અને ઘરમાં જયારે કોઈ સ્ત્રીને માસિક આવે ત્યારે તેને ઉતારી પૂજાની જગ્યાએ મૂકી દેવો જોઈએ અન્યથા એવા જાતકને શિવ દોષ લાગે છે. રુદ્રાક્ષને ધારણ કરતા પહેલા 7 દિવસ ગાયના ઘીમાં પલાળી રાખવો ત્યારબાદ 11 લઘુ રુદ્રી પાઠ કરી પંચામૃતથી સ્નાન કરાવવું જોઈએ. ગંગાજળથી ધોઈ રેશમી વસ્ત્રથી સાફ કરી સોમવારના દિવસે સોનું, ચાંદી, કાળા કે લાલ દોરામાં ધારણ કરવો જોઈએ.

આ લેખમાં માત્ર મહત્ત્વના અને માનવ જાત માટે કલ્યાણકારી રુદ્રાક્ષની જ માહિતી આપવામાં આવી છે.

(રુદ્રાક્ષ પરનો આ માહિતીસભર લેખ drpanckaj@gmail.com એડ્રેસ હેઠળ પ્રસિદ્ધ કર્યો છે.)