2023માં ગ્રહોનું સરવૈયું:વર્ષ દરમિયાન દેશ-દુનિયાનું રાજકારણ, હવામાન, આર્થિક સ્થિતિ અને બારેય રાશિનું ફળકથન

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

ઈશ્વરનું સંવત હોય કે ઈશુનું ઈસવીસન હોય પરંતુ ગ્રહો તો ધર્મનિરપેક્ષ(સેક્યુલર)હોય છે. ગ્રહો માત્ર એક જ પરિબળને ઓળખે છે અને આ પરિબળનું નામ છે પંચ મહાભૂત. આ જગત પર જે જે જીવ પંચ મહાભૂતમાંથી નિર્માણ પામ્યા છે તેના પર ગ્રહોની સારી કે નરસી અસરો હોય છે. જીવમાં માનવજીવ એ સૌથી મોટું બુદ્ધિશાળી પ્રાણી છે અને આ પ્રાણીનું પાણી માપવાનું કામ ગ્રહો કરે છે. ગત વર્ષોમાં ઈ.સ.2020 અને 2021ના ઇતિહાસનું દરેકે દરેક પાનું માનવજાતિ અને પૃથ્વીવાસીઓ માટે કાળમુખી કોરાનાની વિષાણુ શ્યાહીથી રંગાઈ ગયું. ઈ.સ. 2022 રશિયા યુક્રેન યુદ્ધ, ભારે વર્ષા, આગજની/અકસ્માતો અને અત્યાચારો/બળાત્કારોમાં વીતી ગયું. ઈ.સ.2023 દરમિયાન ગ્રહો કોના માટે શાંતા ક્લોઝ રહી તેમની ઈચ્છાઓ પૂર્ણ કરે છે અને કોનાથી દૂર રહી તેમની શાંતિમાં લોસ કરે છે? આવો જોઈએ ગ્રહોનું સરવૈયું દેશ અને દુનિયા, અમારા અને તમારા માટે કેવો સંકેત લાવે છે. આવો વિચારીએ ઇ.સ.2023 દરમિયાન દેશ-દુનિયાનું રાજકારણ, હવામાન, આર્થિક સ્થિતિ અને રાશિવાર ફળકથન.

2023ના ભવિષ્ય કથન પહેલાં ગ્રહ દર્શન તરફ એક મીટ માંડીએ તે અત્યંત જરૂરી છે. ISTના મુખ્ય આધાર અલ્હાબાદની વહેલી પરોઢ ૦6.48 સૂર્યોદયની ગ્રહ સ્થિતિ અનુસાર 1/1/2023ના રોજ સૂર્ય-બુધ ધન રાશિમાં, ચંદ્ર મેષ રાશિમાં, મંગળ વૃષભ રાશિમાં, ગુરુ મીન રાશિમાં, શુક્ર-શનિ-પ્લુટો મકરમાં, રાહુ મેષમાં અને કેતુ તુલામાં હશે. અન્ય ગ્રહ સ્થિતિમાં હર્ષલ મેષમાં(વક્રી) નેપ્ચ્યૂન કુંભ રાશિમાં ભ્રમણ કરશે. 1.1.2023ની વહેલી સવારે ધન લગ્નમાં સૂર્ય-બુધ(વક્રી)ની યુતિ હોઈ તેમજ અશ્વિની નક્ષત્ર અર્થાત કેતુની દશામાં ઈસવીસનની શરૂઆત સખત સંઘર્ષ સાથે સફળતા તરફ લઈ જનારી હોય તેવું લાગે છે. વર્ષની શરૂઆત કેતુના અશ્વિની નક્ષત્રમાં થશે આથી ઈ.સ.2023 દરમિયાન ભારત દેશની વિસ્તૃતીકરણ અને વિકાસની ગતિ ધીમી હશે તે વાત પણ નિશ્ચિત છે. અહીં એક વાતનો ખાસ ઉલ્લેખ કરીશું કે કેતુના નક્ષત્રમાં વર્ષની શરૂઆત કોઈ કોરોના કે કોરોના જેવા વાઇરસથી દેશ વાસીઓને નાની મોટી મુશ્કેલીમાં મુકશે. શનિ કુંભમાં 17 જાન્યુઆરીએ પ્રવેશ કરશે અને શનિ વાયુ તત્વનો ગ્રહ હોઈ દેશ વાસીઓએ 17/1/23થી 23/4/23 દરમિયાન કોરોનાના વાઇરસથી ખુબ જ સાવધાન રહેવું પડશે. અલબત્ત કોરોનાનો આ પ્રહાર 2020/21 જેટલો ઘાતક નથી આથી કોઈ માનસિક ગભરાટ રાખવાની જરૂર નથી. ધન લગ્નની કુંડળીનો ભાગ્યેશ સૂર્ય કેન્દ્રના સ્વામી બુધ સાથે દેહ સ્થાનમાં અને લગ્નેશ ગુરુ મીન રાશિમાં ચોથે હશે આથી શ્રીમોદીજી ભારે સંઘર્ષ સાથે દેશને સફળતાની ચરમ સીમાએ લઇ જશે તે વાત ચોક્કસ છે. શ્રી મોદીજીને ઈ.સ.2023 દરમિયાન માનપાન, સન્માન અને સફળતા મળશે. આ કોલમમાં તા.26/10/23ના લેખમાં અમે સ્પષ્ટ જણાવેલું કે ગુજરાતમાં બીજેપી બહુમતી સાથે આવશે અને શ્રીભુપેન્દ્રભાઈ જ પુનઃ સત્તા આરૂઢ થશે. તે આગાહી અક્ષરશ:સાચી પડી છે.

રાહુ ઓક્ટોબર સુધી મેષ રાશિમાં હોઈ ઇ.સ.2023 અન્ન અને એગ્રીકલ્ચર પેદાશોની અછત વર્તાશે. પેટ્રોલના દામ અને અનાજ પાણીના ભાવ વધશે. સોનામાં રોકાણ સૌને ન્યાલ કરે તેવું લાગે છે. ઇ.સ. 2023 દરમિયાન રાહુલ ગાંધી, સોનિયા ગાંધીની ભારે રાજકીય પીછેહઠ થશે અને સોનિયા ગાંધીની કુંડળી અનુસાર તેઓ કોઈ અસાધ્ય રોગના ભોગ પણ બની શકે છે. નવજોત સિદ્ધુ, શત્રુઘ્ન સિન્હા, મમતા બેનર્જી, ઉદ્ધવ ઠાકરે, સીએમ ગેહલોત સામે રાજકીય/સામાજિક અસ્તિત્વનો પડકાર આવશે. પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાનખાનનો સિતારો પુનઃચમકે અને પાકિસ્તાનમાં તેમનું વર્ચસ્વ સ્થપાય તેવા યોગ છે. રશિયા અને યુક્રેનના યુદ્ધનો અંત 21/04/2023 પછી નક્કી જ છે.

પૃથ્વી પરના વાતાવરણ અને કુદરતની વિચારણા કરીએ તો મીનનો ગુરુ જળ તત્વમાં એપ્રિલ માસ સુધી ગરમીમાં રાહત આપશે પણ મે અને જુનમાં ગુરુ મેષ(અગ્નિ તત્વ)રાશિમાં આવતા ભયંકર ગરમી અને ગરમ પવન ફૂંકાવાના યોગ છે. ગુરુ સમગ્ર વર્ષ એપ્રિલ સુધી મીન અને પછી મેષમાં હોઈ પૃથ્વી પર પૂર્ણ જળાભિષેક થશે. પૃથ્વી તૃપ્ત થશે અને સમગ્ર પૃથ્વી પર ગ્રીનરી(હરિયાળી)પથરાશે. પરંતુ ગત વર્ષની માફક અતિ વૃષ્ટિના યોગ નથી. શનિનું કુંભમાં ભ્રમણ ઇન્ડોનેશિયા,ચીન, નેપાળ, ઈરાક અને જાપાનમાં તેમજ ભારતના ઉત્તરીય ખંડમાં ધરતીકંપની સંભાવના ઊભી કરશે. તેમજ પ્લુટોનું મકર રાશિમાં ગોચર ભ્રમણ અમેરિકા, ઈંગ્લેન્ડ, કેનેડા અને અલાસ્કા જેવા ઠંડા પ્રદેશોમાં પણ ગરમીનું પ્રમાણ વધારશે. આ ગ્રહ યોગ અમેરિકા, સીરિયા, ઈરાક વચ્ચે યુદ્ધ અને પાકિસ્તાનના શાસનમાં અણધાર્યો ફેરફાર લાવશે.

એપ્રિલ 2023 પછી મેષના ગુરુ અને રાહુ જોડાણમાં આવશે આ યોગ ભારતની અર્થવ્યવસ્થામાં તેમજ શેરબજારમાં ગરબડ કરશે. ઓક્ટોબર 2023 બાદ દેશની વ્યપાર નીતિ ભારતના નામને વિશ્વના નકશા પર પ્રસિદ્ધિ અને નામના આપશે. કેટલાક આર્થિક નિર્ણયો ભારતને સદ્ધર બનાવશે અને સાથે-સાથે વૈજ્ઞાનિક ક્રાંતિ ક્ષેત્રે ભારત નામના મેળવશે. રમત જગત ક્ષેત્રે ભારત ઇ.સ.2023 દરમિયાન હોકી અને ખાસ કરીને ક્રિકેટમાં વિશ્વ પ્રસિદ્ધિ સાથે અનોખી સિદ્ધિ પ્રાપ્ત કરશે. કોહલી, બુમરાહ, ચહલ, રોહિત શર્મા અને હાર્દિક પંડ્યા, સૂર્યકુમાર યાદવ નવા રેકોર્ડસનું સર્જન કરી ભારતને નામના અપાવશે. કોહલી નવા રેકોર્ડ સર કરી પ્રશંશાને પાત્ર બનશે. આશા પારેખ, વહીદા રેહમાન, માલાસિંહા ઉપરાંત શ્રીઅમિતાભ બચ્ચને તબિયત અને તંદુરસ્તીનું ખાસ ધ્યાન રાખવું પડશે. ખાન બંધુઓનો પરફોર્મન્સ અને એક્ટિંગનો સિતારો ઝાંખો પડશે સાથે સાથે અનુપમ ખેર, આયુષ્માન ખુરાના, અક્ષયકુમાર, અનિલકપૂર, રણવીરકપૂર, રણબીરસિંહ, જીમી શેરગીલ, પંકજ ત્રિપાઠીનો સિતારો બુલંદી પર હશે.

અંક શાસ્ત્રની દૃષ્ટીએ વિચારીએ તો 2023નો સરવાળો 7 અર્થાત નેપ્ચ્યુનનો અંક ગણાય અને તેના પરિણામો 2022 કરતાં વધારે સારા હશે. હવે 2023નું વર્ષ સાતના અંક અર્થાત નેપ્ચ્યુનના અંક સાથે પ્રવેશ કરશે એટલે અસુરી તત્વથી આપણે દેવત્વના સુર તરફ આગળ વધીશું. બુધ ઉદિત થયેલી કુંડળીમાં કેન્દ્ર અધિપતિ અને સૂર્યના નક્ષત્રમાં છે આથી શુભત્વનો સ્વાદ પૃથ્વીવાસીઓને ચાખવા મળશે. અસ્તો બુધા: સૂર્ય નક્ષત્રે શ્રેષ્ઠ ફલમ પ્રદાનમ જૈમીનીના આ સૂત્ર અનુસાર બુધ ભલે અસ્ત રાશિમાં હોય પણ સૂર્ય સાથે સૂર્યના નક્ષત્રમાં હોઈ 2023માં નવ સર્જન કરી નિજાનંદની તક આપશે.

રાશિ અનુસાર જાતકોનો વિચાર કરીએ તો
મેષ રાશિના જાતકો માટે કુંભના શનિનું ભ્રમણ અનેરા લાભ અને સ્ત્રી મિત્રોથી લાભ આપશે. એપ્રિલ 2023થી બારમો ગુરુ ધાર્મિક ખર્ચ અને શુભ પ્રસંગનું આયોજન કરે. વૃષભ રાશિના જાતકોએ ઓક્ટોબર સુધી વર્ષ બારમા રાહુનું બંધન તબિયત, કાયદાકીય બાબતો અને માનસિક તાણથી સાવધ રહેવાની વાત કરે છે. એપ્રિલથી ગુરુ પણ બારમે આવશે આથી 2023 અણધારી મુશ્કેલીઓ લાવશે. મિથુન રાશિના જાતકો શનિની નાની પનોતીથી મુક્ત થશે. ગુરુ-શનિ-રાહુની ત્રિપુટી તેમને તન મન ધનથી સુખી બનાવશે. કર્ક માટે અઢી વર્ષની નાની પનોતી અને કર્મ સ્થાનમાં રાહુનું ભ્રમણ ધંધાકીય દૃષ્ટીએ પીછે હઠ અને પિતાની ચિંતા કરાવે. સિંહ માટે એપ્રિલ સુધી તકલીફો ત્યારબાદ ગુરુનું ભ્રમણ એક વચગાળાની રાહત બની નોકરીમાં પ્રમોશન, બઢતી અને સંતાનો તરફથી સારા સમાચાર આપશે. કન્યા રાશિ માટે છઠો શનિ એપ્રિલથી આવતો આઠમો ગુરુ અને આઠમે ચાલી રહેલા રાહુના કારણે વર્ષ થોડું કઠીન બનશે.

તુલા રાશિના જાતકો શનિની પનોતીથી મુક્ત થશે. એપ્રિલથી સાતમો ગુરુ ભાગીદારી-દાંપત્યજીવનમાં શુભ લાભની પ્રતિતિ કરાવશે કારણ કે રાહુનું જોર ઘટશે. તુલા રાશિ માટે સમય સારો રહેશે. વૃશ્ચિક રાશિના જાતકો માટે 2023 ચોથા સુખ સ્થાનમાં શનિનું ભ્રમણ એપ્રિલથી છઠ્ઠા ગુરુનું ભ્રમણ સારા સંકેત આપતું નથી. ધન રાશિ માટે એપ્રિલથી પાંચમો ગુરુ, જાન્યુઆરીથી ત્રીજો શનિ અને પાંચમે રાહુ મિશ્ર ફળના સંકેત આપે છે અલબત્ત શુભફળ તરફ વધુ સંકેત જણાય છે. મકર રાશિ 2023 દરમિયાન શનિના કારણે હજુ સંકટમાં રહેશે ચોથો રાહુ આ રાશિના જાતકોને શાંતિનો શ્વાસ લેવા દેશે નહીં. કુંભ રાશિના જાતકો માટે સમગ્ર વર્ષ બીજો અને ત્રીજો ગુરુ આંશિક રાહત, જમીન મકાન વાહન બાબતે શુભ સમાચાર આપશે. અલબત્ત પનોતી હોઈ સાવધાની પૂર્વક આગળ વધવું પડશે. મીન રાશિના જાતકો માટે સાડાસાતી પનોતીની શરૂઆત ચઢાણ કપરા બતાવે છે. તન મન ધનથી સાવધ રહી આગળ વધવું જરૂરી છે. જે જાતકોનો જન્મ કોઈ પણ વર્ષમાં 15 ફેબ્રુઆરીથી 15 માર્ચ દરમિયાન થયો હોય તેમના માટે 2023 સમગ્ર રીતે કઠીન, પીડાજનક દેખાય છે. જે જાતકોને વર્ષ દરમિયાન તકલીફો જણાય તેમણે લઘુ રુદ્રીના 11 પાઠ, શિવલિંગ પર બીલીપત્ર અને કાચા દૂધનો અભિષેક, સૂર્યને જળ અભિષેક, શ્રી સુકત્મના પાઠ અને કુન્જીકા સ્ત્રોતના પાઠ કરવા.

(આ લેખ બંને લેખકો એ drpanckaj@gmail.com એડ્રેસ હેઠળ પ્રસિદ્ધ કરેલ છે)

અન્ય સમાચારો પણ છે...