આસો મહિનાના વદ પક્ષની ચૌદશ તિથિને કાળી ચૌદશ કે નરક ચૌદશ તરીકે ઊજવવામાં આવે છે. સ્કંદપુરાણ પ્રમાણે આ તિથિમાં સાંજે યમરાજ માટે દીપદાન આપવાથી અકાળ મૃત્યુ થતું નથી. ત્યાં જ ભવિષ્ય અને પદ્મપુરાણ પ્રમાણે ચૌદશ તિથિમાં સૂર્યોદય પહેલાં જાગીને અભ્યંગ એટલે તેલ માલિશ કરીને ઔષધી સ્નાન કરવું જોઇએ. આવું કરવાથી બીમારીઓ દૂર થાય છે અને ઉંમર વધે છે.
આ દિવસે હનુમાનજી સાથે યમપૂજા, શ્રીકૃષ્ણ પૂજા, કાળી માતાની પૂજા, શિવપૂજા અને ભગવાન વામનની પૂજા કરવાનું વિધાન છે. આ દિવસે 6 દેવતાની પૂજા કરવાથી બધા જ પ્રકારના કષ્ટ દૂર થાય છે.
કાળી ચૌદશના શુભ મુહૂર્ત-
અમદાવાદના જ્યોતિષાચાર્ય આશિષ રાવના જણાવ્યા પ્રમાણે, 3 નવેમ્બર, બુધવારે સવારે 9 વાગીને 3 મિનિટ સુધી તેરસ તિથિ રહેશે, એ પછી ચૌદશ તિથિ શરૂ થઈ જશે. આ દિવસે પ્રદોષ કાળમાં દીપદાન કરવું શુભ માનવામાં આવે છે. આ દિવસે ભગવાન કૃષ્ણએ નરકાસુર રાક્ષસનો વધ કર્યો હતો, એટલે તેને કાળી ચૌદશ કહેવામાં આવે છે. આ દિવસે સ્નાન કરતાં પહેલાં પોતાના શરીર ઉપર ઉબટન કે તેલની માલિશ કરવાનું પણ વિધાન છે, જે વ્યક્તિની સુંદરતા વધારે છે એટલે તેને રૂપ ચૌદશ પણ કહેવામાં આવે છે. કાળી ચૌદશની રાતે હનુમાનજીની પૂજા પણ કરવામાં આવે છે. સાંજે સ્થિર લગ્નમાં હનુમાનજીનું પૂજન કરવું તથા ભોગ ધરાવવાનું વિધાન છે.
દીપદાન અને યમ પૂજન-
આસો મહિનાની ચૌદશ તિથિએ યમરાજને પ્રસન્ન કરવા માટે સૂર્યાસ્ત પછી દક્ષિણ દિશામાં દીપદાન કરવાથી ક્યારેય અકાળ મૃત્યુ આવતું નથી અને જાણ્યે-અજાણ્યે કરેલાં દરેક પાપ પણ દૂર થાય છે. પ્રસન્ન થઇને યમ આરોગ્ય અને લાંબી ઉંમરના આશીર્વાદ આપે છે, જેથી પરિવારમાં કોઇપણ પ્રકારની પરેશાની આવતી નથી.
અભ્યંગ અને ઔષધી સ્નાન-
ભવિષ્ય પુરાણ પ્રમાણે આસો મહિનાના વદ પક્ષની ચૌદશ તિથિએ સ્નાન કરતાં પહેલાં તલના તેલની માલિશ કરવી જોઇએ. તલના તેલમાં લક્ષ્મીજી અને પાણીમાં ગંગાજીનો નિવાસ માનવામાં આવે છે. જેથી રૂપ વધે છે અને સ્વાસ્થ્ય સારું રહે છે. પદ્મપુરાણમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે, જેઓ સૂર્યોદય પહેલાં સ્નાન કરે છે, તે યમલોક જતાં નથી. એટલે આ દિવસે સૂર્યોદય પહેલાં જ ઔષધી સ્નાન કરવું જોઇએ.
6 દેવતાનું પૂજન કરવામાં આવે છે-
1. યમ પૂજા- કાળી ચૌદશના દિવસે યમ પૂજા કરવામાં આવે છે. આ દિવસે રાતે યમપૂજા માટે દીવો પ્રગટાવવામાં આવે છે. આ દિવસે એક દીવામાં સરસિયાનું તેલ ભરીને એમાં પાંચ અનાજના દાણા રાખીને તેને ઘરના એક ખૂણામાં પ્રગટાવવામાં આવે છે, જેને યમ દીપક પણ કહેવામાં આવે છે. માન્યતા છે કે આ દિવસે યમની પૂજા કરવાથી અકાળ મૃત્યુ થતું નથી.
2. કાળી માતાની પૂજા- કાળી ચૌદશના દિવસે કાળી પૂજા પણ કહેવામાં આવે છે. તેના માટે સવારે તેલ લગાવીને નાહવું. તે પછી કાળી માતાની પૂજા કરવાનું વિધાન છે. આ પૂજા કાળી ચૌદશના દિવસે અડધી રાતે કરવામાં આવે છે. માન્યતા છે કે આ દિવસે માતા કાળીની પૂજા કરવાથી જીવનના બધા જ દુઃખનો અંત આવે છે.
3. શ્રીકૃષ્ણ પૂજા- માન્યતા છે કે ભગવાન શ્રીકૃષ્ણએ આ દિવસે નરકાસુર રાક્ષસનો વધ કરીને તેની કેદમાંથી 16,100 કન્યાઓને છોડાવી હતી, એટલે આ દિવસે શ્રીકૃષ્ણની પણ પૂજા કરવામાં આવે છે.
4. શિવપૂજા- કાળી ચૌદશના દિવસે શિવ ચૌદશ પણ ઊજવવામાં આવે છે. આ દિવસે શંકર ભગવાનને પંચામૃત અર્પણ કરવાની સાથે જ માતા પાર્વતીની પણ ખાસ પૂજા કરવામાં આવે છે.
5. હનુમાનજીની પૂજા- માન્યતા પ્રમાણે આ દિવસે હનુમાનજયંતી પણ ઊજવવામાં આવે છે. માન્યતા છે કે આ દિવસે હનુમાનજીની પૂજા કરવાથી દરેક પ્રકારના સંકટ ટળી જાય છે.
6. વામન પૂજા- દક્ષિણ ભારતમાં કાળી ચૌદશના દિવસે વામન પૂજા કરવાની પરંપરા પ્રચલિત છે. માન્યતા છે કે આ દિવસે રાજા બલિને ભગવાન વિષ્ણુએ વામન અવતારમાં દર વર્ષે અહીં પહોંચવાના આશીર્વાદ આપ્યા હતા.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.