ભાગ્યના ભેદ:કુંડળીમાં ધન સ્થાનમાં બેઠેલા ક્રૂર ગ્રહો અને દૂષિત યોગો નબળી આર્થિક સ્થિતિ માટે જવાબદાર માનવામાં આવે છે

16 દિવસ પહેલા
  • કૉપી લિંક

માનવીના જન્મથી મૃત્યુ સુધી ત્રણ બાબતો તેની જિંદગીના અનિવાર્ય અંગ બની જાય છે. આ ત્રણ અંગ એટલે તન,મન અને ધન. શારીરિક સ્વાસ્થ્ય, માનસિક સંતુલન અને આર્થિક બળ જે જાતક પાસે ના હોય તે જાતકનું જીવતર એળે જાય છે. જૂના જમાનામાં 'હેલ્થ ઈઝ વેલ્થ' સૂત્ર પ્રચલિત હતું. હવે નવા યુગમાં 'વેલ્થ(સંપત્તિ) એ શારીરિક અને માનસિક તંદુરસ્તીનો પિતા છે' તેમ કહેવું જરાય અતિશયોક્તિભર્યું ​​​નથી. મોર્ડન યુગમાં સંપત્તિ પાછળની આંધળી દોડના કારણે માનવી શરીર અને મનથી અસ્વસ્થ બન્યો છે. કહેવાય છે કે, ભાગ્યમાં લખેલું હોય એટલું જ અને ભાગ્યોદય પહેલા કોઈને કશું મળતું નથી. કોઈ પૂછે કે ભાગ્યના પિતાનું નામ શું? તો તેનો સીધો જવાબ છે ધન. તે ભાગ્ય અને નસીબનો પિતા છે. આ પૃથ્વી પર જન્મ લેતા દરેક માનવીને ધનવાન,સંપત્તિવાન થવાની મહેચ્છા અને મહત્ત્વકાંક્ષા હોય છે, પણ દરેક જાતક ધનવાન,શ્રીમંત કે નબીરો થશે કે નહિ તેનો મૂળ આધાર કુંડળીના ગ્રહો,નક્ષત્રો પર છે. આવો આજે આપણે વિચાર કરીએ એવા ગ્રહયોગનો જે જાતકને સમગ્ર જીવન આર્થિક સમસ્યાઓના બોજ નીચે દબાવી રાખે છે અને આખું આયખું દરિદ્રતાના શાપ હેઠળ જીવવા માટે મજબૂર કરે છે.

તમે ધનવાન હશો કે દરિદ્ર થશો ? તેનો જવાબ ગ્રહો પાસે હાજર છે. શાસ્ત્રોમાં એવા કેટલાક યોગ છે કે જે તમને દરિદ્ર બનાવે છે. જેમ કે કેમદ્રુમ યોગ, ગુરુ-શનિનો સંબંધ, લક્ષ્મીયોગ અને ગજકેસરી યોગની ગેરહાજરી(સુયોગની ઊણપ),કુંડળીના ધન સ્થાનમાં ક્રૂર ગ્રહો જેવા કે શનિ-રાહુ-કેતુ અને પ્લુટોની હાજરી અથવા ભાગ્ય સ્થાનમાં સૂર્ય-રાહુ કે ચંદ્ર-રાહુનો ગ્રહણ યોગ અથવા શનિ-રાહુનો શાપિત યોગ વગેરે દૂષિત યોગ નબળી આર્થિક સ્થિતિ માટે જવાબદાર કહી શકાય છે. નિરીક્ષણમાં સામે આવ્યું છે કે, નબળો શુક્ર પણ તમારા ભૌતિકવાદ પર કુઠારાઘાત કરે છે, કારણ કે શુક્ર તમને વૈભવ આપે છે અને આ ભવ(જન્મ)ને ભવ્ય બનાવે છે. આથી જાતકના એશો-આરામ અને વૈભવમાં શુક્ર મહત્વનો ગ્રહ બની જાય છે. જોકે, કેમુદ્રમ યોગ જ્યોતિષશાસ્ત્રમાં વારંવાર બદનામ થઇ ચૂક્યો છે, તેમાં પણ કેટલાક અપવાદ છે.

ભગવાન શ્રીકૃષ્ણની કુંડળીમાં ચંદ્રની આજુબાજુમાં એક પણ ગ્રહ હતો નહિ આમ છતાં તેઓ જગતગુરુ હતા કેમ કે તેમનો ચંદ્ર ઉચ્ચ રાશિમાં હતો અને નીચના મંગળ સાથે નીચ ભંગ રાજયોગનું સર્જન કરતો હતો. અમેરિકાની કુંડળીમાં પણ કેમદ્રુમ યોગ છે પણ આ યોગનો ભંગ થાય છે. અપવાદના વાદ ના લેવાય કારણ કે, જે જાતકોની કુંડળીમાં કેમદ્રુમ યોગ હોય તેવા જાતકો લગભગ દરિદ્રતામાં જીવે છે તે એક જ્યોતીષિક સત્ય છે. જે કુંડળીમાં શનિ –રાહુનો શાપિત યોગ હોય તેવા જાતકો પણ સમગ્ર જીવન આર્થિક હાલાકી ભોગવે છે. મોટા ભાગના જાતકો કે જેમની કુંડળીમાં શનિ-રાહુની યુતિ હોય તે જાતકો જીવનની એક ક્ષણ પણ સુખથી વિતાવી શકતા નથી. અલબત્ત આવા યોગોની વિધિ થતી હોય છે પણ સત્ય એ છે આવા દોષોના નિવારણ માટે થતી વિધિઓનો કોઈ પ્રત્યક્ષ કે પરોક્ષ લાભ જાતકને કદાપી દેખાતો નથી. શનિ –રાહુની યુતિ ધરાવતા જાતકો જીવનભર કંગાળ હાલતમાં જીવતા હોય છે.

( ડો.પંકજ નાગર લિમ્કા અને IBR અવોર્ડ ધરાવે છે અને ૩૮ વર્ષથી જ્યોતિષ ક્ષેત્રે જોડાયેલા છે.)

યુતિ કે યોગ કે જે પાછળના જીવનમાં જાતકને આર્થિક દૃષ્ટિએ અત્યંત પરેશાન કરે છે. આ યુતિને ચાંડાલ યોગ તરીકે ઓળખવામાં આવે છે. ચાંડાલ યોગમાં ગુરુ અને રાહુની યુતિ સર્જાય છે. ગ્રહ મંડળમાં ગુરુ ગ્રહને કુબેર ભંડારી તરીકે ઓળખવામાં આવે છે. અને રાહુ જેવો મલેચ્છ ગ્રહ જ્યારે કુંડળીમાં ગુરુ જેવા કુબેર ભંડારી અને અતિ પવિત્ર ગ્રહ સાથે જોડાય ત્યારે માલામાલ જાતક પણ દરિદ્ર બની જાય છે. શેર બજારના કિંગ સ્વ.હર્ષદ મહેતાની કુંડળીમાં ગુરુ- રાહુની યુતિ હતી. શરૂઆતમાં તો સાચા અર્થમાં શેર બજારનો કિંગ હતો પણ અમે જેમ અહીં જણાવ્યું તેમ ગુરુ-રાહુના ચાંડાલ યોગના કારણે હર્ષદ મહેતાના આર્થિક હાલાત અને હાલ બેહાલ થઈ ગયા હતા. એક અન્ય સંશોધન સામે આવ્યું કે આ યોગ જેની કુંડળીમાં હોય તેવા જાતકો આર્થિક રીતે ગમે તેટલા સદ્ધર હોય પણ અંતમાં તેમની જાહોજલાલી અદ્ધર થઈ જાય છે. જે જાતકોની કુંડળીમાં કોઈ પણ પ્રકારે શનિ –ગુરુનો સંબંધ હોય તેવા જાતકો આજીવન દળી દળીને કુલડી ભરતા હોય છે.

ઈ.સ.1955ની સાલની કુંડળીઓ તમે તપાસો..આ વર્ષ દરમિયાન શનિ તુલા રાશિમાં અને ગુરુ કર્ક રાશિમાં હતા. આમ જુઓ તો બંને ઉચ્ચના અને પરિણામલક્ષી ગ્રહો પણ ઉચ્ચના શનિની દસમી દ્રષ્ટિ કર્કના ગુરુ પર હતી આથી આ વર્ષમાં જન્મેલા જાતકો કે જેમની કુંડળીમાં તુલાનો શનિ અને કર્કનો ગુરુ છે તેવા જાતકો હજુ પણ આર્થિક દ્રષ્ટિએ બેહાલ સ્થિતિમાં જીવે છે. 1962માં મકરનો શનિ અને તેની બરાબર સામે કર્કનો ગુરુ હતો. શનિ –ગુરુના આ પ્રતિયુતિ સંબંધના કારણે દેશની આર્થિક કમર તૂટેલી અને તે ગાળામાં જન્મેલા જાતકો આર્થિક રીતે નબળા છે. 1991-1992 માં પણ કર્કનો ગુરુ અને મકરના શનિએ શેરબજારની આર્થિક કરોડરજ્જુ તોડી નાખેલી અને તે સમય દરમિયાન જન્મેલા જાતકો આજે પણ તેમની લાયકાત મુજબ આર્થિક દ્રષ્ટિએ નબળા છે. અમારા અનુભવ અનુસાર કુંડળીમાં આવેલા તમામ ગ્રહયોગમાં શનિ-ગુરુની યુતિ કે પ્રતિયુતિ અગર કોઈ પ્રકારે સ્થાપાતા સંબંધ જાતકની નબળી આર્થિક સ્થિતિ માટે સૌથી વધારે જવાબદાર છે. કારણ કે ગુરુ કુબેર ભંડારી છે અને શનિનું સ્વરૂપ દરિદ્ર વ્યક્તિ જેવું છે. ગુરુ અર્થ વ્યવસ્થાનો કારક છે, અને શનિ સંપત્તિનો મારક ગ્રહ છે. જો અહીં જણાવેલા ગ્રહયોગ કે ગ્રહ સ્થિતિ કોઈ પણ જાતકની કુંડળીમાં હોય તો તેવા જાતકોએ સમયસર ચેતીને અગાઉથી આર્થિક પ્લાનિંગ કરી લેવા જોઈએ.

{આગાહી સાચી પડી – તા.1 /1/23 ના અંકમાં અમે જણાવેલું કે ઈ.સ.2023માં રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીની રાજકીય પીછેહઠ થશે આ બાબત અક્ષરસ સાચી પડી છે.)

અર્થ વ્યવસ્થાને મજબૂત કરવા નીચેના ઉપાયો અવશ્ય કરવા.

  • રોજ સવારે સ્નાન કરી પીળું પીતાંબર ધારણ કરી લક્ષ્મીજીના ફોટા સમક્ષ બેસી દીવો ધૂપ કરી શ્રી સૂક્ત અને લક્ષ્મી સુક્તમના 11 પાઠ કરવા જોઈએ. આ પૂજા જાતે કરનારા જાતકોને સવા વર્ષે પરિણામ મળે છે.
  • જે જાતકોની આર્થિક સ્થિતિ નબળી હોય તેવા જાતકોએ જમણા હાથના કાંડે કેસરી રેશમનો દોરો અને ડાબા હાથના કાંડામાં વાદળી રેશમનો દોરો હંમેશા પહેરવો જોઈએ.
  • પ્લાસ્ટીકની જીપ લોક વાળી બેગમાં લાલ અને સફેદ ચણોઠી સાથે ગોમતી ચક્ર રાખનાર જાતક આર્થિક રીતે સુરક્ષિત રહે છે.
  • “ ઔમ ઐમ હ્રીમ શ્રીમ કલીમ નમો મહા લક્ષ્મેય હરિપ્રીયાયે સ્વાહા” ની એક માળા કરનાર જાતક આર્થિક રીતે હંમેશા સુખી રહે છે.

(આ લેખ બંને લેખકો એ drpanckaj@gmail.com એડ્રેસ હેઠળ પ્રસિદ્ધ કરેલ છે )