2 એપ્રિલ, શનિવારથી હિંદી પંચાંગનું નવું સંવત 2079 શરૂ થઈ રહ્યું છે, જેનું નામ નલ છે અને રાજા શનિદેવ રહેશે. ગુજરાતી પંચાંગ પ્રમાણે, નવું વર્ષ દિવાળી પછી બેસતા વર્ષથી શરૂ થાય છે. શનિવારે જ ચૈત્ર નવરાત્રિ શરૂ થઈ જશે, જે 10 એપ્રિલ, રવિવાર સુધી રહેશે. આ વખતે રેવતી નક્ષત્ર અને ત્રણ રાજયોગમાં નવવર્ષની શરૂઆત થવી શુભ સંકેત છે, સાથે જ નવરાત્રિમાં તિથિની વધ-ઘટ ન થવાથી દેવી પર્વ નવેનવ દિવસ રહેશે. આ પ્રકારે અખંડ નવરાત્રિ સુખ-સમૃદ્ધિ આપનારી રહેશે.
1563 વર્ષ પછી અતિદુર્લભ સંયોગ
જ્યોતિષાચાર્ય પં. પ્રફુલ્લ ભટ્ટના જણાવ્યા પ્રમાણે, આ વર્ષે નવવર્ષની શરૂઆતમાં મંગળ અને રાહુ-કેતુ પોતાની ઉચ્ચ રાશિમાં રહેશે. ત્યાં જ શનિ પોતાની જ રાશિ મકરમાં રહેશે. નવવર્ષના સૂર્યોદયની કુંડળીમાં શનિ-મંગળની યુતિથી ધન, ભાગ્ય અને લાભનો શુભ સંયોગ બની રહ્યો છે. આ યોગના પ્રભાવથી આ વર્ષ મિથુન, તુલા અને ધન રાશિના લોકો માટે ખૂબ જ શુભ રહેશે. ત્યાં જ અન્ય રાશિના લોકો માટે મોટા ફેરફારનો સમય રહેશે. ગ્રહોનો આવો સંયોગ 1563 વર્ષ પછી બની રહ્યો છે. આ પહેલાં 22 માર્ચ 459ના રોજ આવી ગ્રહ સ્થિતિ બની હતી.
પુરીના જ્યોતિષાચાર્ય ડો. ગણેશ મિશ્રના જણાવ્યા પ્રમાણે, આ નવવર્ષ રેવતી નક્ષત્રમાં શરૂ થશે. તેના સ્વામી બુધ છે. બુધને કારણે કારોબારમાં ફાયદો થાય છે, એટલે આ નક્ષત્રમાં ખરીદી-વેચાણ કરવું શુભ માનવામાં આવે છે. વેપારનો કારક બુધ પણ આ નક્ષત્રમાં રહેશે. જેથી લેવડ-દેવડ અને રોકાણ માટે આખું વર્ષ શુભ રહેશે.
આર્થિક મજબૂતી અને વેપાર વધારનાર સમય
આ વખતે સરળ, સત્કીર્તિ અને વેશિ નામના રાજયોગમાં નવા વર્ષની શરૂઆત થઈ રહી છે, જેમાં નવરાત્રિમાં ખરીદી, લેવડ-દેવડ, રોકાણ અને નવા કામની શરૂઆત કરવી શુભ રહેશે. આ યોગની શુભ અસર આખું વર્ષ જોવા મળશે. આ કારણે અનેક લોકો માટે આ વર્ષ સફળતા અને આર્થિક મજબૂતી આપનાર રહેશે. આ વર્ષે લોકોના કલ્યાણ માટે યોજનાઓ બનશે અને તેના ઉપર કામ પણ થશે. આ વર્ષ અનેક લોકો માટે મોટા ફેરફાર લાવનાર રહેશે.
શનિ રાજા અને ગુરુ મંત્રી
કાશી વિદ્વત પરિષદના મહામંત્રી પ્રો. રામનારાયણ દ્વિવેદી જણાવે છે કે આ સંવત્સરમાં ગ્રહોના ખગોળીય મંત્રી પરિષદના 10 વિભાગોમાં રાજા અને મંત્રી સહિત 5 વિભાગ પાપ ગ્રહો પાસે તથા 5 શુભ ગ્રહો પાસે રહેશે. આ વર્ષે રાજા-શનિ, મંત્રી-ગુરુ, સસ્યેશ-સૂર્ય, દુર્ગેશ-બુધ, ધનેશ-શનિ, રસેશ-મંગળ, ધાન્યેશ-શુક્ર, નીરસેશ-શનિ, ફલેશ-બુધ, મેઘેશ-બુધ રહેશે.
નવસંવત્સર 2079માં રાજા શનિદેવ અને મંત્રી દેવ ગુરુ બૃહસ્પતિ રહેશે. ગ્રહોમાં ન્યાયાધીશ શનિદેવ કર્મ ફળથી ન્યાય પ્રદાન કરશે, ત્યાં જ દેવ ગુરુ બૃહસ્પતિ મંત્રી તરીકે પોઝિટિવિટી વધારશે. જ્યારે શનિ વર્ષના રાજા હોય છે ત્યારે દેશમાં ઉત્પાત અને અવ્યવસ્થા તો વધશે, પરંતુ મંત્રી ગુરુ હોવાથી વિદ્વાનોની સારી સલાહથી મુશ્કેલીઓ ઘટતી જાય છે. આ દરમિયાન ધાર્મિક કાર્યો વધશે. શિક્ષાનો સ્તર વધશે.
એપ્રિલમાં 9 ગ્રહોનું રાશિ પરિવર્તન
એપ્રિલમાં બધા જ ગ્રહોનું રાશિ પરિવર્તન થશે. એપ્રિલમાં સૌથી પહેલા મંગળ 7 તારીખના રોજ મકર રાશિમાંથી કુંભ રાશિમાં પ્રવેશ કરશે. એ પછીના દિવસે બુધ મેષ રાશિમાં આવી જશે. પછી 11 એપ્રિલના રોજ રાહુ-કેતુ રાશિ બદલીને મેષ અને તુલામાં આવી જશે. 13મીએ ગુરુ કુંભ રાશિમાં અને 14મીએ સૂર્ય પોતાની ઉચ્ચ રાશિ મેષમાં આવશે. એ પછી મહિનાના અંતમાં 27મીએ શુક્ર પોતાની ઉચ્ચ રાશિ મીનમાં અને 28મીએ શનિ પોતાની જ રાશિ કુંભમાં પ્રવેશ કરશે. ચંદ્ર દર અઢી વર્ષે રાશિ બદલે છે. આ પ્રકારે નવું વર્ષ શરૂ થવાના મહિનામાં જ બધા 9 ગ્રહો રાશિ પરિવર્તન કરી લેશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.