યદિ રામા, યદિ રમા યદિ વિનય ગુણોપેત: સુરવરનગરે કિં આધિક્યમ? અર્થાત્ જો પત્ની સારી હોય, લક્ષ્મી સમાન વિનયી ગુણવાળી હોય તો બીજા સુખની ક્યાં જરૂર હોય?
ઉપરોક્ત શ્લોક મુજબ જો દરેક પતિ અને પત્નીનું ભાવિ હોય તો દરેક લગ્નજીવન કુર્યાત સદા મંગલમ બની જાય. પરંતુ ગ્રહોની લીલા અને ગતિ ન્યારી છે. લગ્ન જીવનના સ્વર્ગીય અર્કને નકારાત્મક નરકમાં રૂપાંતરિત કરતાં કર્ક લગ્ન પર આ લેખ આધારિત છે. જ્યોતિષશાસ્ત્રમાં જો સૌથી વધુ કર્કશ હોય તો તેનું નામ કર્ક લગ્ન છે. અતિ સરળ ભાષામાં વાત કરીએ તો તમારી જન્મકુંડળીના પ્રથમ સ્થાનમાં જો ચાર (4) નો અંક હોય તો દાંપત્યજીવનમાં તમારા બાર વાગી જવાના તે વાત અમારા વર્ષોના સંશોધન પર સિક્કો મારવાની છે તેમાં લેશ માત્ર શંકા નથી...થોડાક ઉદાહરણ સાથે આ લેખમાં આગળ વધીએ.
તાજેતરની જ વાત છે. એક બહેન મળવા આવ્યા. રૂપાળો ચહેરો પણ દુઃખી મન, સૌમ્ય વર્તણૂક અને વ્યથિત હૃદય સાથે પોતાના ભગ્ન લગ્નજીવનની આપવીતી એમણે જે રીતે બયાં કરી તે સાંભળી અમે ધ્રુજી ગયા. આ બહેનને 25 વર્ષના લગ્નજીવનની વફાદારીના બદલામાં તેમના પતિએ બીજી સ્ત્રી સાથે લગ્ન કરી એકલતા-જુદાઇ અને બેવફાઈની બક્ષિસ આપી. બહેનના જીવનને નરક બનાવ્યું. બહેનની કુંડળી અમે ધ્યાનપૂર્વક જોઈ તો અમને તેમની કુંડળીમાં કોઈ એબ કે ખામી જણાઈ નહીં. અલબત્ત તેમના પતિદેવની કુંડળીમાં ફ્લર્ટ અને બેવફાઈના ભારે યોગ હતા. આ બહેનનો જન્મ ઇ.સ. 1967ના ઑગસ્ટ મહિનામાં થયો છે અને જ્યોતિષશાસ્ત્ર મુજબ તેઓ કર્ક લગ્નજીવન ધરાવે છે અને ખરેખર સંશોધનને અનુમોદન આપતો સચ્ચાઈનો એક વધુ સિક્કો લાગી ગયો.
કર્ક લગ્નની જ વાત કરવી હોય તો ભગવાન શ્રીરામની જ વાત કરો ને? વગર વાંકે વફાદારીના યજ્ઞમાં તેમનું અતિ પવિત્ર લગ્નજીવન હોમાઈ ગયું. ચરિત્ર-શીલ-મર્યાદા અને સંસ્કારની જ વાત કરવી હોય તો ભગવાન રામ અને સિતામાતા તેનું સર્વશ્રેષ્ઠ ઉદાહરણ છે પણ કર્ક લગ્ન તેમના ઉત્તમોત્તમ લગ્નજીવન પાછળ પડી ગયું અને તેમને પણ છોડયા નહીં. જ્યોતિષશાસ્ત્રમાં લગ્નજીવનની દ્રષ્ટિએ જન્મકુંડળીના આ અતિ ઓરમાયા કર્ક લગ્નએ અચ્છા અચ્છા ખેરખાંઓને પણ છોડ્યા નથી. સોનિયા ગાંધીનું પણ લગ્ન જીવન પણ કર્ક લગ્નએ ચાલવા દીધું નહીં. ભરયુવાની માં રાજીવ ગાંધીને અકળ-અકાળ મૃત્યુ આવ્યું અને કર્ક લગ્ને સોનિયાજીને વૈધવ્યનો ભાર આપી દીધો. ઇન્દિરા ગાંધીની જ વાત કરો ને? એક સમય એવો હતો કે “ઇન્દિરા ઇઝ ઈન્ડિયા” એવું કહેવાતું હતું. અલબત્ત હવે તો મોદીજીના મોદીફીકેસન(modification)પર માત્ર ભારત નહિ સમગ્ર વિશ્વ ચાલે છે. ઇન્દિરા ગાંધીની મૂળ વાત પર પાછા આવીએ તો આ કુશાગ્ર મહિલા માટે તેમનું લગ્નજીવન ભાર સમાન હતું કારણ કે ફિરોજ ગાંધી યુવા વયે જ ઇન્દિરાજીનો સાથ છોડી સ્વર્ગસ્થ થઈ ગયેલા અને લગ્નજીવન એકલું અટૂલું પડી ગયેલું. તેનું કારણ પણ તેમની કર્ક લગ્નની કુંડળી જ કહેવાય.
જેણે સમગ્ર જીવન તંબૂરો અને મંજીરાં સાથે પોતાનું જીવન કૃષ્ણાર્પણ કરેલું એવી કહેવાતી કૃષ્ણદીવાની અને મહાભક્તાણી મીરાબાઈનું પણ કર્ક લગ્ન હતું. ફળસ્વરૂપ ભગવાન તો મળ્યા કે ના મળ્યા તે તો ખુદ જ જાણે પણ રાણા (પતિ)નો ઝેરનો પ્યાલો અને લગ્નજીવનનું વિષ, વિષમતાઓ અને જુદાઇ સામે ચાલીને લીધી. આ પણ કર્ક લગ્નજીવનની જ બબાલ ને?
કર્ક લગ્ન તમારા લગ્ન જીવનને નરક બનાવે છે તે સંશોધન બાબતે લેશમાત્ર શંકા રહી નથી. કર્ક લગ્ન હેઠળ જન્મેલા જાતકો જીવનના દરેક ક્ષેત્રે મહાન ઉપાધિઓ અને નામ ધરાવતા હોય છે પરંતુ લગ્ન જીવનમાં નરકની યાતનાઓ અને લગ્ન જીવનનો અર્ક ગુમાવી દેતા હોય છે. અલબત્ત કર્ક લગ્નની લગ્ન જીવનમાં કડવાશ પાછળ જાતકોનો લેશમાત્ર વાંક હોતો નથી. ચોક્કસપણે બધું જ ગ્રહો કરાવે છે અને દોષનો ટોપલો પતિ કે પત્ની પર આવતો હોય છે.
કર્ક લગ્નમાં જ આમ કેમ?
આપણે કર્ક લગ્નને લઈને લગ્નજીવનની કુરૂપતાને સમજીએ. જન્મકુંડળીનું સાતમું સ્થાન પતિ અને પત્નીનું છે. કર્ક લગ્નમાં સાતમા સ્થાને મકર રાશિ આવે અને આઠમાં સ્થાને કુંભ રાશિ આવે. આ બંને રાશિઓનો માલિક શનિ છે. શનિનું મૂળ કામ જ મારણનું છે. સ્વભાવે આ ગ્રહ અતિ મંદ, ઢીલો, ધીમો અને ક્રૂર છે. જન્મકુંડળીમાં શનિનું કામ વિલંબ, વૈરાગ્ય, વિસંવાદિતા, વિરહ, વેદના, વૈધવ્ય કે વિધુરપણું આપવાનું છે. એકલતા અને સન્યસ્ત બક્ષવાનું કામ શનિ મહારાજનું છે. કર્ક લગ્નમાં શનિ આ બધા જ દુર્ગુણો જાતકના દાંપત્યજીવનમાં ઠસોઠસ ભરી દે છે કારણ કે કર્ક લગ્નમાં સાતમું ઘર એ શનિનું છે અને જન્મકુંડળીનું સાતમું ઘર એ લગ્નજીવન (દાંપત્યજીવન)નું છે. આથી કર્ક લગ્નના જાતકોને શનિ પોતાનો નેગેટિવ કમાલ બતાવે છે અને પતિ-પત્નીને દાંપત્યસુખથી વંચિત રાખે છે. આપ પણ કર્ક લગ્નની કોઈ પણ કુંડળી જોજો. અમારી વાત પુર્ણ કે પૂર્ણતાની નજીક જ જણાશે.
{આજની ટીપ}
કર્ક લગ્નના જાતકોએ લગ્ન જીવનની મધુરતાને માણવા વહેલી સવારે દર્પણ સામે ઊભા રહી કોરી હળદરનો કપાળ પર ચાંલ્લો કરવો જોઈએ અને વિષ્ણુ સહસ્ત્ર નામના પાઠ એકવાર અવશ્ય વાંચવા જોઈએ. આમ કરવાથી કર્ક લગ્નનો અર્ક સકારાત્મક બનશે અને નરકનો એહસાસ ઓછો થશે. આ લગ્નના જાતકો એ ગૌરી શંકર રુદ્રાક્ષ ધારણ કરવાથી પણ ફાયદો થાય છે.
( કર્ક લગ્નનો આ લેખ drpanckaj@gmail.com એડ્રેસ હેઠળ પ્રસિદ્ધ કરેલ છે)
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.