ભાગ્યના ભેદ:પોતાનું મકાન કે જમીનના રળિયામણા સપનાં જોતાં પહેલાં તમારી કુંડળીનું ચોથું સ્થાન ખાસ તપાસજો

2 મહિનો પહેલાલેખક: ડૉ. પંકજ નાગર
  • કૉપી લિંક

તેરે ઘર કે સામને એક ઘર બસાઉંગા... તેરે ઘર કે સામને... એક બંગલા બને ન્યારા..

6૦ના દાયકાના ઉપરોક્ત મીઠડાં ગીત માનવીને પોતાના ઘર માટેની મહેચ્છાઓ દર્શાવે છે. માનવીનો જન્મ થાય તે સાથે જ તેની જન્મકુંડળીમાં આયુષ્ય, કર્મ, નાણું, રહેઠાણ, વિદ્યા અને મૃત્યુ લખાઈ જાય છે.

આયુ: કર્મ સ્થાનમ ચ વિત્તમ ચ વિદ્યા નિધનમેવ ચ| પશ્યેતાની હી સૃજ્યંતે ગર્ભ્સ્થ્યેવ દેહીન:||

આજની ફાસ્ટ લાઈફમાં પોતાનું ઘર એ શારીરિક આરામ અને માનસિક વિરામનું સ્થળ છે. ચંચળ જીવન ઘરમાં સ્થિર થાય છે અને ઘરની સ્થિરતા એ જ જીવન છે. ઘરની મહેચ્છાની ઘેલછામાં ક્યારેક તમારા જીવનની કમાણી ગુમાવવાનો વારો ના આવી જાય તે પણ ધ્યાન રાખવું જરૂરી છે. ઘરની લાલચમાં ક્યારેક બેઘર ના થઇ જવાય તે માટે કુંડળીના ગ્રહયોગ તમારા માટે ઘર યોગ ઊભો કરે છે કે નહિ તે ખાસ જાણી લેવું.

તાજેતરની જ વાત છે. નળસરોવરની આજુબાજુમાં પોતાના ઘરનું સલોણું સ્વપ્ન સિદ્ધ કરવામાં નિષ્ફળ ગયેલું અને કરોડોમાં છેતરાઈ ગયેલું એક દંપતી વહેલી સવારે અમારી પાસે વિલા મોઢે આવ્યું. સર્વ પ્રથમ અમે પતિદેવની કુંડળી ખોલી નિરીક્ષણ કર્યું અને અમારી આંખો વિસ્મયથી ખૂલી ગઈ. 1968ની સાલમાં જન્મેલા આ મહાશયની કુંડળીમાં ચોથે શનિ-રાહુની યુતિ મીન રાશિમાં સ્થિત હતી. હવે અમે એમની પત્નીની કુંડળી જોવાની શરૂઆત કરી. અમે હેબતાઈ ગયા કારણ કે તેમના ચોથા સ્થાનમા પ્લુટો અને મંગળની યુતિ હતી. પતિ મહાશયે બેંકમાંથી લોન લીધેલી અને તેમના પત્નીએ પોતાની 15 વર્ષની પ્રાઈવેટ જોબમાંથી કરેલી બચતમાંથી નળસરોવરની આજુબાજુમાં એક સુંદર મકાન લેવાનું નક્કી કરેલું અને એક વહેલી સવારે અખબારનું પહેલું પાનું તેમના ઘરના સ્વપ્નનું અને જીવનનું જાણે છેલ્લું પાનું બની ગયું. અખબારમાં સમાચાર હતા ‘ભોળી પ્રજાને છેતરી બિલ્ડરો રાતોરાત ફરાર, રોકાણકારો રાતા પાણીએ નાહ્યા’

એક ભાઈ અમારી પાસે બે વર્ષથી નિયમિત આવે છે. તેમની એક જ ફરિયાદ છે કે તેમની પાસેની દસ વીઘા જમીન બિલ્ડરે ખરીદી છે પણ હજુ પૈસા આપતા જ નથી. જમીનનો દસ્તાવેજ કર્યો ત્યારે નાની અમથી રકમ આપી પણ પછી આનિકાની-ગલ્લાતલ્લાં ચાલુ ને ચાલુ જ છે. કોર્ટમાં કેસ કર્યો છે. તારીખ પર તારીખ અને મુદત પર મુદત પણ હજુ સુધી કોઈ આશાસ્પદ કિરણ દેખાતું નથી. આ ભાઈની કુંડળી અમે વારંવાર જોઈ છે અને કહ્યું પણ છે કે તમારા ચોથા જમીન મકાનના સ્થાનમા મંગળ, રાહુ અને પ્લુટોની યુતિ છે. તે ઉપરાંત તમારા ચોથા સ્થાનનો સ્વામી ગ્રહ પણ તમારા આઠમા મૃત્યુ સ્થાને સ્થિત છે. આથી જમીન કે મકાનની બાબત તમારા માટે મૃત્યુની પીડા સમાન બનશે. અમે તેમને ફેબ્રુઆરી, 2023 પછી બધુ જ સારું થશે એવી આગાહી પણ આપી. પરંતુ હવે તેઓ નંગ અને વિધિની માયાવી દુનિયામાં ફસાયા છે. એની વે, તેમના ચોથા સ્થાનમાં આવેલા ગ્રહો તેમણે જમીન અને મકાન જેવી બાબતોમાં ખર્ચો કરાવવાના જ છે એટલે અમારી વાત ક્યાંથી માનવાના?

જન્મકુંડળીનું ચતુર્થ સ્થાન એ સુખસ્થાન છે. અહી દરેક પ્રકારના સુખને આવરી લેવામાં આવ્યા છે. કારણ કે ચોથું સ્થાન હૃદયનું પણ છે એટલે હૃદય જે જે બાબતોથી પ્રસન્ન બને તે બધી જ બાબતો સુખકર્તા ગણવી જોઇએ. ચોથા સ્થાનમાં માતૃસુખ, વાહનસુખ, જમીન, મકાન, ખેતીવાડી, માતૃભૂમિ અને વિદેશયાત્રા પણ છે. જ્યારે જ્યારે ચોથા સ્થાનમાં શુભ ગ્રહો બેસે ત્યારે આ તમામ બાબતો માટે સુખકર બને છે અને જો ચોથે ક્રૂર, પાપગ્રહો જેવા કે શનિ, મંગળ, રાહુ, કેતુ અગર પ્લુટો બેસે તો જાતકને દુ:ખ અને પીડામાં ઘસડી હૃદયને રંજીત બનાવે છે. ચોથે શનિ-મંગળ-રાહુ જેવા ગ્રહો બેસે તો શાસ્ત્રો શું કહે છે તે જોઈએ.

પ્લુટોનું ફળ પણ રાહુ, કેતુ, મંગળ અને શનિ સમાન જ છે કારણ કે પ્લુટોને આપનું જ્યોતિષશાસ્ત્ર યમ કહે છે અને યમને કોઈ નિયમ હોતો નથી. કુંડળીના કોઈ પણ સ્થાનમાં તેની પધરામણી અમુક આપવાદોને બાદ કરતાં દુ:ખદ સમાચાર જ લાવે છે. જો ચોથા સ્થાને અહીં જણાવેલા ગ્રહો હોય તો ખાસ કરીને જમીન, મકાન સંદર્ભે છેતરપિંડીનો ભય રહે છે. જમીન, મકાનના રળિયામણા સ્વપ્ન જોતાં પહેલાં તમારી કુંડળીનું ચોથું સ્થાન ખાસ તપાસજો. અને ચોથા સ્થાને જો આ ગ્રહોની હાજરી હોય તો શિવપૂજા, લઘુરુદ્રી અને નિયમિત સુંદરકાંડના પાઠ શ્રેષ્ઠ ફળ આપશે.

દરેક સંશોધનમાં અપવાદનો અવકાશ તો હોય જ છે. અંતે તો આ લેખ દ્વારા વાંચકો જ્યોતિષશાસ્ત્રને સમજી શકે, પોતાના જીવનમાં ઉતારી તેનો સદુપયોગ કરી શકે અને આ શાસ્ત્રની સ્વયં જાણકારી હાંસિલ કરી પોતાના અંગત જીવનનો શ્રેષ્ઠ ન્યાયાધીશ બની શકે... તેવા નેક ઈરાદા સાથે.... બાય.. બાય...

(આ લેખ drpanckaj@gmail.com એડ્રેસ હેઠળ પ્રસિદ્ધ કરેલ છે.)