• Gujarati News
  • Dharm darshan
  • Jyotish
  • At The Time Of Marriage Of A Young Man And A Young Woman, Apart From The 36 Marks Of The Horoscope, It Is Also Necessary To Study The Intimate Debt

ભાગ્યના ભેદ:યુવક-યુવતીના લગ્ન સમયે કુંડળીના 36 ગુણ સિવાય આત્મીય ઋણનો પણ અભ્યાસ કરવો જરૂરી છે

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

અમારી ઓફિસમાં સાવે નજીકમાં બેસતા અમારા વડીલ મિત્રની વ્યથાની કથા કુંડળી મેળાપકના ગુણની પ્રથાનો છેદ આપોઆપ ઉડાડી દે ત્યારે જૂની મેલી થેલીઓમાં પોતાના સંતાનોની કુંડળીઓને ડુંગળીની જેમ લઈને ફરતા જુનવાણી વડીલોમાંની એકની એક દીકરી રાતોરાત પ્રેમલગ્ન કરી જાદુગરની ભાષામાં છૂમંતર થઈ જાય અને સવારે જ્યારે માં-બાપ પથારીમાંથી બેઠા થઈ દર્પણમાં પોતાનું નાક જુએ એટલે ખબર પડે કે તેમની ઈજ્જતનું બારમું થઈ ગયું છે. બોલો પ્રેમલગ્નને કંઈ પડી છે જ્યોતિષના નિયમો કે છત્રીસ ગુણ, વર્ગ દોષ, નાડી દોષ અગર મંગળ દોષની? અમારા ઓફિસના વડીલમિત્ર સાથે પણ આવું જ કાંઈક બન્યું. તેમની દીકરી છેલ્લા 5 વર્ષથી એક યુવકના પ્રેમમાં હતી. બંનેની જ્ઞાતિ અલગ, રીતરિવાજ અલગ, સંસ્કાર અને સંસ્કૃતિ અલગ અને આ અલગવાદના સમીકરણો તેમના પ્રેમલગ્નનો દાખલો માંડવા જ ના દે. અંતે એક દિવસ આત્માના અવાજને સાંભળી જ્યોતિષની ઝંઝાળ, સામાજિક જાળને તોડીને બંને શરીર એકરૂપ થઈ ગયા. (ભાગીને પ્રેમ લગ્ન કરી લીધા)

જોકે અમારા એ વડીલમિત્રની અંદરખાને ઇચ્છા તો હતી જ કે તેમની દીકરીના મનવાંછિત જગ્યાએ લગ્ન થાય. પણ જ્યાં પણ જાય ત્યાં જ્યોતિષીઓ નાડીદોષ, વર્ગદોષ, વર્ણદોષ અને મંગળદોષની અધકચરી વાતો આગળ ધરી દે, તો વળી કોઈ જ્યોતિષ મહાશય ગુણના ટેબલ તરફ જુએ અને ફક્ત 8 ગુણ મળે છે એવો નિસાસો નાખી ધડ દઈને ના પડી દે. જ્યોતિષીઓના નકારાત્મક નિવેદનોથી કુંડળી બિચારી દુ:ખના કુંડાળામાં પડી જાય અને બાપ-દીકરી દુ:ખના વિચારોના વમળમાં ડૂબી જાય. દેહની એક્સપાયરી ડેટ હોય પણ આત્મા અજર-અમર છે અને અંતે આ બંને પ્રેમીજનોના આત્મા જાગ્યા અને એક અંધારી રાત્રે ભાગ્યા. આજે આ પ્રેમીયુગલને 7 વર્ષના વહાણાં વાઇ ગયા અને એક દીકરીના સંસાર સાથે બંને સુખી છે. તમે વિચારશો આટઆટલા જ્યોતિષના નેગેટિવ પોઇંટ્સ સાથે આટલું સરસ જીવન, પરંતુ આ કિસ્સામાં જ્યોતિષીઓએ માત્ર ઉપરછલ્લા અને અસ્પર્શ્ય જ્ઞાનનો ઉપયોગ કર્યો. ફક્ત 36 ગુણના ટેબલના આધારે લગ્નજીવનનો કેબલ (દોર) બંધાય નહીં. કુંડળીઓના નિરીક્ષણ સમયે જ્યોતિષના વાઈ ફાઈ જ્ઞાનનો ઉપયોગ તલસ્પર્શી રીતે કરવો જરૂરી છે.

36 ગુણ નહીં પણ આત્મીય ઋણનો અભ્યાસ સ્ત્રી-પુરુષ વચ્ચે કરવો જરૂરી છે. મેળાપકમાં મન અને હ્રદયની વાત હોવી જ જોઈએ. આ મન અને હ્રદયની ઊર્મિઓ એટલે અનુક્રમે ચંદ્ર અને શુક્ર. લગ્નજીવનમાં જ્યારે મન (ચંદ્ર) અને લાગણીઓ (શુક્ર) એકાકાર થાય ત્યારે શરીર આપોઆપ એકરૂપ બની જાય છે. મન અને ઊર્મિઓ એટલે ચંદ્ર-શુક્ર અને જ્યારે તેમાં મંગળ ભળે ત્યારે દાંપત્યજીવનનો પુર્ણ સાક્ષાત્કાર થાય છે. ગુણ મળે કે ના મળે પણ આ ત્રણે ગ્રહો આત્મા અને શરીરના મેળાપકમાં મહત્ત્વનો ભાગ ભજવે છે. આ ઉપરાંત અમારું નિરીક્ષણ એવું પણ છે કે જ્યારે પ્રેમ આત્મીય સ્વરૂપ પ્રાપ્ત કરે ત્યારે બંનેની કુંડળીમાં ગ્રહોની સ્થિતિ એક સમાન હોય છે. જો તમારી કુંડળીમાં શનિ તુલા રાશિમાં હોય અને સામેના પાત્રની કુંડળીમાં પણ શનિ તુલા રાશિમાં હોય તો પ્રેમી આત્માઓ વચ્ચે ઐક્ય જોવા મળે છે. અમારી પાસે જે વડીલમિત્ર કુંડળી લઈને આવેલા તેમાં અમે ચંદ્ર-મંગળ અને શુક્રનો તલસ્પર્શી અભ્યાસ કર્યો અને એકબીજાની કુંડળીમાં મંગળ-શુક્રના સંબંધો જોઈ વિસ્મય પામી ગયા. અને સાથે સાથે શનિ પણ એક જ રાશિમાં એટલે કે તુલામાં હતો.

અમે અમારા એ વડીલમિત્રની દીકરી અને જમાઈની કુંડળીનું ધ્યાનથી નિરીક્ષણ કર્યું અને અમે જે જોયું તેનું અક્ષરસ: વર્ણન આ પ્રમાણે છે. દીકરીની કુંડળીનો શુક્ર ધન રાશિમાં હતો અને જમાઈની કુંડળીનો મંગળ ધન રાશિમાં હતો... તો બીજી તરફ જમાઇની કુંડળીનો શુક્ર મિથુન રાશિમાં હતો અને અમારા વડીલની દીકરીની કુંડળીનો મંગળ ધન રાશિમાં હતો... જ્યોતિષની દૃષ્ટિએ વિચારીએ તો ધનનો શુક્ર ધનનો મંગળ એક સમાન રાશિમાં આવ્યા કેહવાય. અને તે જ પ્રમાણે છોકરા (જમાઈ)ની કુંડળીનો શુક્ર પણ છોકરીની કુંડળીના મંગળને સાતમી દૃષ્ટિથી જોતો હતો... બંનેની કુંડળીના ચંદ્રરાશીનો અધિપતિ ગ્રહ પણ એક જ હતો... આમ શુક્ર-મંગળના દૃષ્ટિ સંબંધો અને ચંદ્રની એકરૂપતાએ બંને તરસ્યા આત્માઓને એક કૂવા આગળ એકઠા કર્યા તેમ કહેવું અતિશયોક્તિપૂર્ણ નથી... જન્મકુંડળીમાં શુક્ર એ અપ્સરા છે અને મંગળ એટલે કામદેવ. સ્વાભાવિક છે અપ્સરા અને કામદેવ જન્મકુંડળીમાં એકબીજાની સામું અનિમેષ જોતાં હોય ત્યારે કુંડળી મેળાપક કે તેના ગુણની જરૂર પડે ખરી? જેમ અલગ અલગ નદીઓનું અંતિમ ધ્યેય સમુદ્ર હોય છે તેમ મંગળ-શુક્રની સમાનતા ધરાવતા આત્માઓ પણ આ નદીઓની માફક જ સમુદ્રમાં ભળી સ્વયં સમુદ્ર બની જતા હોય છે. માનવ જાત સંબંધમાં આવતા પહેલાં જાતીય વર્ગીકરણ કરે છે. પણ પ્રેમના આત્મીય ઋણમાં ગ્રહોને કોઈ પૂર્વગ્રહ નથી કે નથી જાત પાતનો ભેદ....કારણ કે પ્રેમ એ પાંચમો વેદ છે.

જન્મકુંડળીમાં શુક્ર અને મંગળના સંબંધો એટલે ‘અહમ બ્રહ્માસ્મિ’ એટલે કે બ્રહ્માંડનો અંશ બ્રહ્માંડમાં મળી કે ભળી જવો કે એકરૂપ થઈ જવો...

{ આજની ટીપ }
માબાપ દીકરીઓ ના મંગળ દોષને લઇ અતિ ચિંતીત હોય છે. મંગળ દોષના કારણે લગ્નમાં વિલંબ,લગ્ન જીવનમાં વિઘ્ન એવી સમસ્યાઓ સર્જાતી હોય છે. આ તમામ અડચણોથી મુક્ત થવા અવિવાહિત દીકરીઓ એ દર સોમવારે પાર્વતીજીના ચરણમાં એક મુઠી કોરી તુવરની દાળ 51 સોમવાર મુકવી.

(બંને લેખકો એ આ લેખ drpanckaj@gmail.com એડ્રેસ હેઠળ પ્રસિદ્ધ કરેલ છે)