ભાગ્યના ભેદ:આપત્તિ અને અવસર બંનેનો અણસાર જ્યોતિષશાસ્ત્ર પાસે જ છે

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અવસર જોઈને ઉછળવું અને આપત્તિ આવે એટલે ગભરાઈ જવું એ માનવ સ્વભાવ છે
  • જ્યોતિષશાસ્ત્રની અલ્પ જાણકારી દ્વારા તમે ભવિષ્યના સુખ અને દુઃખના પાનાં આરામથી વાંચી શકો છો
  • સૂર્ય અને શનિના સંબંધનો અર્ક વ્યક્તિ માટે નર્ક જેવો છે

અમારું કહેવાનું તાત્પર્ય એટલું જ છે કે તમારા ભાગ્યમાં જ્યારે જેટલાં અને જેવા આપત્તિ કે અવસર જોવાના કે માણવાના લખાયેલા હોય તે આવશે જ કારણ કે આ બધુ આપણે જન્મથી જ કપાળમાં લઈને ફરતા હોઈએ છીએ. અવસર જોઈને ઉછળવું અને આપત્તિ આવે એટલે ગભરાઈ જવું એ માનવ સ્વભાવ છે. સુખ અને દુઃખ આ બંને શબ્દો જીવનનું સત્વ અને તત્વચિંતન છે. સુખ હોય કે દુઃખ, આપત્તિ હોય કે અવસર આ બધી જ ઘટનાઓને તમે અગાઉથી જાણી તમારા જીવનનું પ્લાનર બનાવી શકો છો. જ્યોતિષશાસ્ત્રની અલ્પ જાણકારી દ્વારા તમે ભવિષ્યના સુખ અને દુઃખના પાનાં આરામથી વાંચી શકો છો.

(ડો.પંકજ નાગર ૧૯૮૪થી જ્યોતિષ ક્ષેત્રે કાર્યરત છે સાથે સાથે ગુજરાત ખાતે સૌથી વધુ TV શો પરફોર્મ કરનારા એક માત્ર જ્યોતિષી પણ છે -ડો.રોહન નાગર યુકેમાં આયુર્વેદની પ્રેક્ટીસ સાથે TV શો પણ પરફોર્મ કરે છે)

જ્યોતિષશાસ્ત્રને સમજવા બાર સ્થાન, બાર રાશિ અને બાર ગ્રહોનું સચોટ અર્થઘટન કરવું જરૂરી છે કારણ કે જ્યોતિષશાસ્ત્ર માનવ જીવનમાં આવનારા આધિ, વ્યાધિ અને ઉપાધિ સામે લડવાનું શાસ્ત્ર અને શસ્ત્ર એમ બંને છે. આપણાં આર્ષદ્રષ્ટા મહાન અને વંદનીય પારાશર મુનિ, ભાસ્કરાચાર્ય, મન્ત્રેશ્વર, કલ્યાણવર્મા અને વરાહમિહિરે માનવજાતને જે મૂળભૂત સિદ્ધાંત આપ્યાં છે તેને જ અનુસરવાનું છે. અલબત્ત, પરિવર્તનનો નિયમ તો આકાશને પણ લાગુ પડે. સિદ્ધાંતોના આકાશમાં સંશોધનનો અવકાશ હોય તો સત્ય અને સુખની નજીક પહોંચાય. અમારા મતે સમગ્ર જ્યોતિષશાસ્ત્રનો અર્ક ત્રણ ગ્રહોમાં સમાઈ જાય છે. આ ત્રણ ગ્રહો એટલે સૂર્ય, ચંદ્ર અને શનિ.

સૂર્ય સમગ્ર જગતનો પિતા, સૃષ્ટિ પાલક અને પ્રાણ દાતા છે. સૂર્ય એટલે પ્રકાશનું આકાશ. જ્યોતિષશાસ્ત્રમાં સૂર્યને આત્મા કહે છે અને પિતાનો કારક ગ્રહ ગણાય છે. શરીરમાં હ્રદય પર તેનું આધિપત્ય છે. જન્મકુંડળીમાં સૂર્ય એટલે તેજ, પ્રતિષ્ઠા, કીર્તિ અને નામ. બ્રહ્માણ્ડમાં સૂર્ય તમામ ગ્રહોનો રાજા છે. તમામ ગ્રહો સૂર્યની આજુબાજુ ફરે છે આથી સૂર્ય કુંડળીનું હીર-તત્વ અને સત્વ છે. જો જાતકની કુંડળીનો સૂર્ય દૂષિત થાય તો તેનું તન, મન અને ધનથી પતન થાય છે તે વાત સાક્ષાત સત્ય છે. કુંડળીનો મૂળ સૂર્ય જો શનિ દ્વારા દૂષિત થાય તો જાતકના હૃદય, આત્મા અને સમગ્ર જીવનશૈલીનો ચિતાર અણધારી અંધારી ચિંતામાં બદલાઈ જાય છે. ઉદાહરણથી આ વાત સમજાઈ જાય તેવી છે. આ લેખ લખાઈ રહ્યો છે તે સમયે જે જાતકોનો જન્મ કોઈ પણ વર્ષની 15 જાન્યુથી 15 ફેબ્રુઆરી દરમિયાન થયો હોય તેવા જાતકોએ ઇ.સ.2021નો રહ્યો-સહ્યો ભાગ અને 2022ના વર્ષમાં એપ્રિલ સુધી તન-મન અને ધનથી સંભાળવું જ પડશે. ક્યારેક સરકારી તકલીફો તો ક્યારેક શારીરિક તકલીફોનો અણસાર તમને આવશે. અમે જેમ અગાઉ કહ્યું તે મુજબ જ્યોતિષશાસ્ત્રનો સમગ્ર અર્ક અમે માત્ર અને માત્ર ત્રણ ગ્રહોમાં જોઈ રહ્યા છીએ. સૂર્ય, ચંદ્ર અને શનિ. અત્યારે જે ચર્ચા ચાલી રહી છે તે આપણાં અર્કના બે મહત્ત્વના ગ્રહો સૂર્ય અને શનિની વાત છે.

સૂર્ય તેજ છે અને શનિ અંધકાર છે. સૂર્ય બ્રહ્માણ્ડમાં અગન તો શનિ વિઘ્ન છે. સૂર્ય એટલે ગતિ અને શનિ એટલે અવગતિ. સૂર્ય એક રાશિમાં એક મહિનો તો શનિ 30 મહિના રહે છે. આથી જ શનિને મંદ કહે છે. સૂર્ય જાતકની ઉષ્મા છે તો શનિ આલસ્ય પ્રકૃતિનો ગ્રહ છે. સૂર્ય અને શનિના સંબંધોનું તત્વજ્ઞાન મોટા-મોટા જ્ઞાનીઓને પણ અજ્ઞાની બનાવે છે. જે ગ્રહના ઊંડાણને દેવોના દેવ મહાદેવ શિવ, ભગવાન રામ, રાજા હરિશ્ચંદ્ર, ધુતરાષ્ટ્ર કે દુર્યોધન સમજી શક્યા ન હતા તેના સ્વભાવ કે ચાલને તમારા મારા જેવા પામર જીવજંતુ ક્યાંથી સમજી શકવાના.

સૂર્ય અને શનિના સંબંધનો અર્ક વ્યક્તિ માટે નર્ક જેવો છે કારણ કે અહીં કોઈ પણ તર્ક ચાલતો નથી. આ પરમ શત્રુઓનો સંબંધ કુંડળી કે ગોચરમાં સર્જાય ત્યારે અચ્છા અચ્છાને નરમ કરી નાખે છે. દર 27 વર્ષે જાતકની કુંડળીના મૂળ સૂર્ય પરથી શનિનું ભ્રમણ થાય છે અને આ ભ્રમણ 30 માસ રહે છે. આ ભ્રમણ મોટા ખેરખાંઓની ખેર લઈ નાખે છે. શનિના સૂર્ય પરના તમારી કુંડળીમાં થનારા ભ્રમણ વિષે તમે પંચાંગ, વેધશાલા કે ગુગલ જેવા માધ્યમો દ્વારા જાણી શકો છો. જેમ કે આ લખાય છે ત્યારે શનિનું ભ્રમણ મકર રાશિમાં છે એટલે અત્યારે એવા જાતકો પરેશાન છે કે જેમની કુંડળીમાં સૂર્ય 10ના અંક આગળ હોય. આમ તમારા ઉપર આવનારી આપત્તિની જાણ તમને આગોતરી થઈ શકે છે અને આ દ્વારા તમે પૂરતો સમય લઈ ભવિષ્યનું પ્લાનિંગ કરી શકો છો. આપત્તિ આવે તો ગભરાતા નહીં કેમ કે જ્યોતિષીક સત્ય એવું કહે છે કે સૂર્ય પર શનિના ભ્રમણની આપત્તિ બાદ જાતકના જીવનમાં એક અવસરનું વાતાવરણ સર્જાય છે અને જાતકના જીવનના સુવર્ણકાળની નવી આવતી કાલનું આગમન થાય છે. હવે પુનઃ એવા જાતકોની વાત કરીશું કે જેમની રાશિ ધન, મકર અને કુંભ છે. આ ત્રણ રાશિમાં ધન રાશિના જાતકો એપ્રિલ 2022 બાદ શનિની પનોતીથી મુક્ત હશે અને એપ્રિલ 2022 પછી મકર, કુંભ અને મીન રાશિના જાતકો શનિની પનોતી સાથે આગળ વધશે. મકર, કુંભ અને મીન રાશિના જાતકોએ આવનારા સમયમાં એટલે કે ખાસ કરીને એપ્રિલ 2022 પછી નીચેના ઉપાયો ખાસ કરવા.

1. દર શનિવારે હનુમાનજીના ડાબા પગ પાસે કે જ્યાં પનોતીને હનુમાનજીએ પોતાના પગ નીચે દબાવ્યા છે તે ભાગ આગળ અડદના સાત દાણા અને એક લીંબુ 51 શનિવાર સૂધી મુકવું.

2. દર શનિવારે સુંદરકાંડના પાઠ કરવા.

3. પનોતીમાં હોય તેવા જાતકોએ પ્લાસ્ટિક બેગમાં એક ચમચી સિંદુર સાથે ફટકડી, મીઠાના નાના ગાંગડા રાખવા.

4. શનિના શાસ્ત્રોક્ત મંત્ર કરવા અગર "ઔમ શનેય મમ રસ્ત્રવત્ર" નામનો જાપ રોજ એક માળા કરવો.

(આ લેખ drpanckaj@gmail.com એડ્રેસ હેઠળ પ્રસિદ્ધ કર્યો છે.)