વર્ષનું છેલ્લું લગ્ન મુહૂર્ત 13 ડિસેમ્બર એટલે આજે છે. પછી 16 ડિસેમ્બરના રોજ સૂર્યદેવ ધન રાશિમાં પ્રવેશ કરશે અને તેની સાથે જ ખરમાસ શરૂ થઈ જશે. ખરમાસને ધનુર્માસ અને કમુરતા પણ કહેવામાં આવે છે. જ્યોતિષ ગ્રંથો પ્રમાણે આ સમયગાળા દરમિયાન માંગલિક કાર્યો થઈ શકતાં નથી. હવે જાન્યુઆરી મહિનામાં લગ્ન માટે મુહૂર્ત રહેશે.
16 ડિસેમ્બરથી ખરમાસ શરૂ
પુરીના જ્યોતિષાચાર્ય ડો. ગણેશ મિશ્રના જણાવ્યા પ્રમાણે 15 ડિસેમ્બરના રોજ સૂર્ય રાતે લગભગ 3.55 કલાકે ધન રાશિમાં પ્રવેશ કરશે. આ કારણે 16 ડિસેમ્બરથી ખરમાસ શરૂ થઈ જશે. સૂર્ય મકર સંક્રાંતિ એટલે 14 જાન્યુઆરી સુધી ગુરુની રાશિમાં રહેશે. શાસ્ત્રો પ્રમાણે જ્યારે સૂર્ય ગુરુની રાશિ ધનમાં ગોચર કરે છે ત્યારે તે સમયગાળામાં કોઈપણ પ્રકારના મંગળ કાર્યો કરવા વર્જિત છે.
આવતા વર્ષે હોળી પહેલાં લગ્ન માટે 10 શુભ મુહૂર્ત
આવતા વર્ષે હોળી પહેલાં 10 લગ્ન મુહૂર્ત રહેશે. હોળીના આઠ દિવસ પહેલાં હોળાષ્ટક શરૂ થાય છે. આ દિવસોમાં માંગલિક કાર્યો કરવા વર્જિત રહે છે. હોળી પછી 24 માર્ચે ગુરુ અસ્ત થવાના કારણે માંગલિક કાર્યો બંધ રહેશે. તે પછી 17 એપ્રિલના રોજ લગ્ન માટે મુહૂર્ત રહેશે.
જાન્યુઆરીઃ 15, 20, 23, 27 અને 29 તારીખ
ફેબ્રુઆરીઃ 5, 11, 18, 21 અને 22 તારીખ
ખરમાસમાં માંગલિક કાર્યો વર્જિત કેમ
ગુરુ માંગલિક કાર્યોનો કારક ગ્રહ છે. સૂર્ય અને દેવગુરુ બૃહસ્પતિ એકબીજાના દુશ્મન ગ્રહ માનવામાં આવે છે. જ્યારે આ બંને ગ્રહ એકબીજાના માર્ગમાં આવે છે ત્યારે એકબીજાને ઢાંકવાની કોશિશ કરે છે. વિદ્વાનોના મતે ગુરુના પ્રભાવમાં આવવાથી સૂર્ય અશુદ્ધ થઈ જાય છે અને 16 ડિસેમ્બરના રોજ ગુરુના સ્વામિત્વ ધરાવતી ધન રાશિમાં પ્રવેશ કરશે. એવામાં આ સમયગાળા દરમિયાન શુભ કામ કરવામાં આવી શકે નહીં.
વિષ્ણુ, દેવગુરુની પૂજા કરવાથી લાભ
શાસ્ત્રો પ્રમાણે ખરમાસ દરમિયાન ભગવાન વિષ્ણુની આરાધના કરવામાં આવે તો જીવનમાં અટવાયેલાં કાર્યો પૂર્ણ થાય છે. સૂર્ય સિવાય દેવગુરુ બૃહસ્પતિના મંત્રનો જાપ કરવો પણ લાભકારી માનવામાં આવે છે. દરરોજ મંદિર જઈને દેવ દર્શન કરવા પણ ફળદાયી રહે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.