મહાભારત:યુદ્ધ પૂર્ણ થયા બાદ અર્જુન અને શ્રીકૃષ્ણ રથ પરથી જેવા ઉતર્યા, રથ બળી ગયો હતો

2 વર્ષ પહેલા
  • અર્જુનનો રથ શ્રીકૃષ્ણ ચલાવી રહ્યા હતાં અને સ્વયં શેષનાગે રથના પૈડાને પકડીને રાખ્યા હતાં, જેથી દિવ્યાસ્ત્રોના પ્રહારોથી પણ રથ ખસતો નહોતો

મહાભારતમાં કૌરવ સેનામાં ભીષ્મ પિતામહ, દ્રૌણાચાર્ય, કર્ણ જેવા મહારથી હતાં. એટલે દુર્યોધનને એવું લાગતું હતું કે તેઓ સરળતાથી પાંડવોને યુદ્ધમાં હરાવી દેશે, પરંતુ પાંડવ પક્ષમાં શ્રીકૃષ્ણ સ્વયં હતાં. તેઓ અર્જુનના સારથી બન્યા અને યુદ્ધ શરૂ થતાં પહેલાં શ્રીકૃષ્ણએ અર્જુનને કહ્યું કે હનુમાનજીને પ્રાર્થના કરો અને પોતાના રથ ઉપર ધ્વજ સાથે વિરાજિત કરો. શ્રીકૃષ્ણની વાત માનીને અર્જુને એવું જ કર્યું. જાણો અર્જુનના રથ સાથે જોડાયેલી એક પ્રચલિત કથા...

કથા પ્રમાણે અર્જુનનો રથ શ્રીકૃષ્ણ ચલાવી રહ્યા હતા અને સ્વયં શેષનાગે રથના પૈડા પકડી રાખ્યા હતાં, જેથી દિવ્યાસ્ત્રોના પ્રહારથી પણ રથ પાછળ ખસે નહીં. અર્જુનના રથની રક્ષા શ્રીકૃષ્ણ, હનુમાનજી અને શેષનાગ કરી રહ્યા હતાં. જ્યારે યુદ્ધ સમાપ્ત થઇ ગયું ત્યારે અર્જુને શ્રીકૃષ્ણને કહ્યું કે, પહેલાં તમે રથ પરથી ઉતરી જાવ, હું તમારા પછી ઉતરીશ. ત્યારે શ્રીકૃષ્ણએ ના પાડી અને અર્જુનને પહેલાં ઉતરવા માટે જણાવ્યું.

ભગવાનની વાત માનીને અર્જુન રથ પરથી ઉતરી ગયો, ત્યાર બાદ શ્રીકૃષ્ણ પણ રથ પરથી ઉતરી ગયાં. શેષનાગ પાતાળ લોક જતાં રહ્યા અને હનુમાનજી રથ ઉપરથી અંતર્ધ્યાન થઇ ગયાં. આ બધા રથ પરથી જેવા ઉતર્યા ત્યારે અર્જુનના રથમાં આગ લાગી ગઇ. થોડીવારમાં રથ સંપૂર્ણ રીતે બળી ગયો. આ જોઇને અર્જુન હેરાન થઇ ગયો. તેમણે શ્રીકૃષ્ણને પૂછ્યું કે, ભગવાન આ કઇ રીતે થયું?

શ્રીકૃષ્ણએ કહ્યું કે, આ રથ તો ભીષ્મ પિતામહ, દ્રોણાચાર્ય અને કર્ણના દિવ્યાસ્ત્રોના પ્રહારોથી પહેલાં જ નષ્ટ થઇ ગયો હતો. આ રથ ઉપર હનુમાનજી વિરાજિત હતાં, હું સ્વયં તેનો સારથી હતો, જેના કારણે આ રથ માત્ર મારા સંકલ્પના કારણે ચાલતો હતો. હવે આ રથનું કામ પૂર્ણ થઇ ગયું છે. એટલે, મેં આ રથ છોડી દીધો અને તે ભસ્મ થઇ ગયો છે.

અન્ય સમાચારો પણ છે...