• Gujarati News
  • Dharm darshan
  • Jyotish
  • After 558 Years, Jupiter, Saturn And Rahu Ketu Are Sold Together In Shravan, 8 Fasting Festivals Including Nagpancham And Rakshabandhan This Month.

દુર્લભ યોગ:558 વર્ષ પછી શ્રાવણમાં ગુરુ, શનિ અને રાહુ-કેતુ એકસાથે વક્રી છે, આ મહિનામાં નાગપાંચમ અને રક્ષાબંધન સહિત 8 વ્રત-તહેવાર

2 વર્ષ પહેલા
  • હિંદુ કેલેન્ડર પ્રમાણે આજથી શ્રાવણ શરૂ થયો, જ્યારે ગુજરાતી કેલેન્ડર પ્રમાણે 21 જુલાઈથી શ્રાવણ શરૂ થશે
  • હિંદુ કેલેન્ડર પ્રમાણે સોમવારથી શરૂ અને સોમવારે જ પૂર્ણ થશે શ્રાવણ મહિનો
  • શિવજીના મંત્ર ૐ સાંબ સદાશિવાય નમઃ મંત્રનો જાપ કરો

હિંદુ કેલેન્ડર પ્રમાણે આજથી શ્રાવણ મહિનો શરૂ થઇ રહ્યો છે. આ મહિનો 3 ઓગસ્ટ સુધી રહેશે. આ વર્ષે શ્રાવણ મહિનામાં ગુરુ, શનિ, રાહુ અને કેતુ ચારેય ગ્રહણ એકસાથે વક્રી રહેશે. 2020 પહેલાં આવો યોગ 558 વર્ષ પહેલાં 1462માં બન્યો હતો. સોમવારથી શરૂ અને સોમવારે જ પૂર્ણ થવાથી આ મહિનાનું મહત્ત્વ વધી ગયું છે. ઉત્તર ભારત અને દક્ષિણ ભારતના પંચાંગમાં ભેદ પણ છે. દક્ષિણ ભારત, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં 21 જુલાઈથી શ્રાવણ શરૂ અને 19 ઓગસ્ટે પૂર્ણ થશે. જ્યાં ઉત્તર ભારતનું પંચાંગ પ્રચલિત છે, ત્યાં 6 જુલાઈથી 3 ઓગસ્ટ સુધી શ્રાવણ રહેશે.

ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્મા પ્રમાણે 558 વર્ષ પહેલાં 1462માં પણ ગુરુ, શનિ, રાહુ-કેતુ એક સાથે વક્રી હતાં અને શ્રાવણ આવ્યો હતો. ગુરુ સ્વયંની રાશિ ધનમાં વક્રી, શનિ પોતાની રાશિ મકરમાં વક્રી, રાહુ મિથુનમાં અને કેતુ ધન રાશિમાં વક્રી હતો. આવો જ યોગ 2020માં પણ બન્યો છે. તે સમયે શ્રાવણ 21 જૂનથી 20 જુલાઈ 1462 સુધી હતો.

શ્રાવણની મુખ્ય તિથિઃ-
આ મહિનામાં ગણેશ ચોથ વ્રત 8 જુલાઈએ, કામિકા એકાદશી 16 જુલાઈ, હરિયાળી અમાસ 20 જુલાઈ, હરિયાળી તીજ 23 જુલાઈ, વિનાયક ચોથ વ્રત 24 જુલાઈએ, નાગપાંચમ 25 જુલાઈએ, પુત્રદા એકાદશી 30જુલાઈએ અને રક્ષા બંધન 3 ઓગસ્ટે ઉજવવામાં આવશે. તીજ ઉપર દેવી પાર્વતી, ચોથમાં ગણેશજી, પાંચમે નાગદેવતા, એકાદશીએ વિષ્ણુજી, અમાસે પિતૃ દેવતા અને પૂર્ણિમાએ ચંદ્રદેવનું વિશેષ પૂજન કરવું જોઇએ.

સોમવારથી શરૂ અને સોમવારથી જ શ્રાવણ પૂર્ણ થશેઃ-
હિંદુ કેલેન્ડરમાં આ વર્ષે સોમવારથી જ શરૂ થઇને સોમવારે જ શ્રાવણ પૂર્ણ થસે. શિવજીની પૂજામાં સોમવારનું વિશેષ મહત્ત્વ  છે. શ્રાવણ પાંચમો હિંદી મહિનો છે. તેના સ્વામી વેંકુઠનાથ છે અને શ્રવણ નક્ષત્રમાં તેની પૂર્ણિમા આવવાથી તેને શ્રાવણ મહિનો કહેવામાં આવે છે. શ્રવણ નક્ષત્રના સ્વામી ચંદ્રદેવ છે. ચંદ્રનું એક નામ સોમ પણ છે. ચંદ્રવારને જ સોમવારે કહેવામાં આવે છે. શિવપુરાણ પ્રમાણે શિવજી અને પાર્વતીજીના લગ્ન માગસર મહિનાના સુદ પક્ષની પાંચમ તિથિએ રોહિણી નક્ષત્રમાં થયાં હતાં, તે દિવસે સોમવાર જ હતો. આ વર્ષે આ તિથિ 19 ડિસેમ્બરે રહેશે. રોહિણી નક્ષત્રના સ્વામી ચંદ્ર છે. ચંદ્રદેવને શિવજીએ પોતાના મસ્તક ઉપર સ્થાન આપ્યું છે. પાર્વતીજી સાથે લગ્ન સોમવારે થયા હોવાથી અને ચંદ્રદેવનો વાર હોવાથી શિવજીને સોમવાર વિશેષ પ્રિય છે.

શિવજીને શિતળતા આપનારી વસ્તુઓ ચઢાવવામાં આવે છેઃ-
સોમ એટલે ચંદ્ર શીતલ ગ્રહણ છે. શિવજીએ વિષપાન કર્યું હતું, જેથી તેઓને ખૂબ જ બળતરા થાય છે, આ કારણે શિવજીને શીતળતા આપતી વસ્તુઓ ચઢાવવામાં આવે છે. તેમણે ચંદ્ર મસ્તક ઉપર ધારણ કર્યાં છે. ચંદન, બીલીપાન, જળાભિષેક, દૂધ, દહીં, ઘી, મધ આ તમામ વસ્તુઓ પણ ઠંડક આપે છે. હળદર ગરમ રહે છે, આ કારણે શિવલિંગ ઉપર ચઢાવવી જોઇએ નહીં.

પંચતત્વોમાં પૃથ્વી તત્વના દેવતા શિવજી છેઃ-

શ્રીગણેશ અંકમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે-
आकाशस्याधिपो विष्णुरग्नेश्चैव महेश्वरी।
वायो: सूर्य: क्षितेरीशो जीवनस्य गणाधिप:॥

આ શ્લોકનો સરળ અર્થ એવો થાય છે કે, પંચતત્વોમાં આકાશ તત્વના દેવતા વિષ્ણુ, અગ્નિ તત્વના દેવી દુર્ગા, વાયુ તત્વના સૂર્ય, પૃથ્વી તત્વના શિવ અને જળ તત્વના દેવતા ગણેશજી છે. ગરમીમાં પૃથ્વીથી જળ બાષ્પીભવન થઇને ઉડી જાય છે અને શ્રાવણમાં પૃથ્વી તત્વ એટલે શિવજી ફરી જળ તત્વ વર્ષા દ્વારા અભિષેક કરે છે. પૃથ્વી જળથી તૃત્પ થવાના કારણે જ શિવનું પાર્થિવ પૂજન કરવામાં આવે છે.

શ્રાવણમાં શિવલિંગ ઉપર દૂધ કેમ ચઢાવવામાં આવે છેઃ-
શ્રાવણ મહિનામાં સતત વરસાદ થાય છે. જેના કારણે અનેક પ્રકારના નાના-નાના જીવની ઉત્પત્તિ થાય છે. અનેક પ્રકારના ઝેરી ઘાસ અને વનસ્પતિ ઉગે છે. જ્યારે દૂધ આપતાં પશુઓ આ ઘાસ અને વનસ્પતિને ખાય છે ત્યારે પશુઓનું દૂધ વિષ સમાન થઇ જાય છે. આવા કાચા દૂધને પીવાથી આપણા સ્વાસ્થ્યને નુકસાન થઇ શકે છે. એટલે, આ મહિનામાં કાચા દૂધના સેવનથી બચવું જોઇએ. શિવજીએ વિષપાન કર્યું હતું, જેના કારણે શ્રાવણ મહિનામાં શિવલિંગનો દૂધથી અભિષેક કરવામાં આવે છે. આ મહિનામાં લીલા શાકભાજી ખાવાથી બચવું જોઇએ. કેમ કે, શાકભાજીમાં પણ અનેક પ્રકારના હાનિકારક સૂક્ષ્મ કીટાણુ રહે છે, જે આપણાં સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે. આ સમયે એવું ભોજન કરો જે જલ્દી પચી શકે.

ઘરે જ શિવજીની પૂજા કરી શકો છોઃ-
જે લોકો શિવાલય જઇ શકતાં નથી, તેઓ પોતાના ઘરમાં જ શિવલિંગનો અભિષેક અને પૂજન કરી શકે છે. જેના ઘરમાં શિવલિંગ હોય નહીં, તે ફળિયામાં વાવેલા છોડને શિવલિંગ માનીને અથવા માટીનું શિવલિંગ બનાવીને તેની પૂજા કરી શકે છે. માટીથી શિવલિંગ બનાવીને પૂજા કરવી તેને પાર્થિવ શિવપૂજન કહેવામાં આવે છે. આ પૂજા શુભફળ આપનારી માનવામાં આવે છે.

સરળ સ્ટેપ્સમાં સંક્ષિપ્ત પૂજા કરી શકો છોઃ-
> રોજ સવારે જલ્દી જાગવું અને સ્નાન બાદ શિવલિંગ ઉપર જળ ચઢાવો. પંચામૃતથી અભિષેક કરો.
> મંત્ર ૐ નમઃ શિવાય, ૐ મહેશ્વરાય નમઃ, ૐ સાંબ સદાશિવાય નમઃ, ૐ રૂદ્રાય નમઃ વગેરે મંત્રનો જાપ કરો.
> ચંદન, ફૂલ પ્રસાદ ચઢાવો. ધૂપ અને દીપ પ્રગટાવો. શિવજીને બીલીપાન, ધતૂરો, ચોખા અર્પણ કરો.
> ભગવાનને પ્રસાદ તરીકે ફળ અથવા દૂધથી બનેલી મીઠાઈ અર્પણ કરો. ધૂપ, દીપ, કપૂર પ્રગટાવીને આરતી કરો.
> શિવજીનું ધ્યાન કરીને અડધી પરિક્રમા કરો. ભક્તોને પ્રસાદ વહેંચો.

અન્ય સમાચારો પણ છે...