એક જાન્યુઆરી 2022 ઈસુનું નવું વર્ષ શરુ થશે પણ ખિસ્સું ખાલી હોય તો ભલે ને સાન્તા તમારી ક્લોઝ હોય તો પણ દૂર થઇ જાય. જો ભાગ્ય સાથ ના આપે તો જીવનમાં અંધકાર છવાઈ જાય અને આનંદના અવકાશ-આકાશનો એહસાહ પણ છીનવાઈ જાય. જૂના જમાનામાં “હેલ્થ ઈઝ વેલ્થ” આ સૂત્ર મહત્ત્વનું હતું હવે “વેલ્થ ઈઝ હેલ્થ” અર્થાત સંપત્તિ એ જ તંદુરસ્તી એવી માનસિકતાનો જન્મ થયો છે અને આ સૂત્ર મહદ અંશે સાચું પણ લાગે છે કારણ કે ધનની સદ્ધરતાજ તમારા મન અને તનને તંદુરસ્ત રાખી શકે છે. પૈસો એ તો હાથનો મેલ છે એવી દંભી અને સુફિયાણી ફિલોસોફી ઉચ્ચારનારા પણ કાગળની પસ્તીનો મેલ વેચી પૈસા ભેગા કરે છે. હરિવંશરાય બચ્ચને એકવાર અમિતાભને કહેલું કે “બેટા પૈસા બડી મુશ્કિલ સે આતા હૈ”. ફિલ્મ કોમેડિયન મેહમુદે “જીના ઇસીકા નામ”ના શોમાં ઉચ્ચારેલું કે “મેક ધી મની એન્ડ મની વીલ મેક યુ ” વાચક મિત્રો ઈ.સ.2022ના આ લેખમાં તન, મન અને ધનથી તમને દુરસ્ત રાખે તેવા અદભુત પ્રયોગની વાત કરીએ.
(ડો.પંકજ નાગરને સંશોધન માટે રીસર્ચ સ્કોલરનો ઇ.સ.2000ની સાલમાં અવોર્ડ મળેલો છે)
ઈ.સ.2022ના વર્ષને અદભુત બનાવવા એક સટીક પ્રયોગ સાથે આપણે એક અવનવી પૂજાથી વર્ષની શરૂઆત કરીએ. અમારી આ પુજામાં વિજ્ઞાન, સંશોધન અને ધન આપવાનો સંદર્ભ અને મર્મ છે. ચાલો ઈસુના નવા વર્ષમાં વૈજ્ઞાનિક-ધાર્મિક અને જ્યોતિષિક પદ્ધતિનો ઉપયોગ કરીએ. અહીં આપેલી ટિપ્સને અપનાવશો તો તમારું ભાગ્ય પણ સૂર્યની રોશનીની માફક પ્રકાશિત થશે એમાં લેશ માત્ર શંકા નથી. સર્વ પ્રથમ આપ બજારમાં જઈ ઇ.સ.2022ની એક સુંદર અને ખુબજ મોટી ડાયરી લાવો અને તેના પ્રથમ પાનાં ઉપર તમે ધંધા/વ્યવસાય જો પેઢીના જે મુખ્ય માલિક હોય તેની જન્મ કુંડળી દોરો અથવા સ્કેન કરીને ગુંદરથી ચોટાડી દો. તેના ઉપર પ્રમાણસર કંકુ-ચોખા ચઢાવો. ત્યારબાદ કુંડળીમાં જ્યાં શનિ લખેલું હોય તેના પર બે મીઠાના ગાંગડા મૂકો અને જ્યાં રાહુ લખેલું હોય તેના પર બે ફટકડીના ટુકડા મૂકો. જ્યાં ગુરુ લખેલું હોય તે ખાનામાં બે હળદરની ગાંઠ મૂકો. બુધ લખેલું હોય તે સ્થાનમાં 7 મગના દાણા મૂકો. મંગળ ઉપર લાલ કંકુનો ચાંલ્લો કરો અને ચંદ્ર જ્યાં લખેલું હોય તેના પર 7 ચોખાના દાણા રાખો. શુક્ર પર સુગંધિત અત્તર લગાવો અને કેતુ લખેલું હોય તેના પર એક નાનો કોલસાનો ટુકડો મૂકો. સૂર્ય લખેલું હોય તેના પર કેસરનો તાંતણો મૂકવો. સ્વકલ્યાણ માટે ગ્રહોને નીચે પ્રમાણે પ્રાર્થના કરો. દીવો ધૂપ કરી આસન પર બેસી ચોપડા સામે નજર રાખી આ મંત્રની એક માળા કરો. પૂજા કરેલી ડાયરી પેઢીના કબાટ કે તિજોરીમાં રાખો અને દર અમાસ અને પૂનમે તેના પર મુકેલી સામગ્રી બદલો પછી વર્ષ દરમિયાન કમાલ જુઓ.
ઉપરોક્ત પ્રયોગનું થોડુંક વિજ્ઞાન સમજીએ મીઠામાં આલ્ફા કિરણોત્સર્ગ શક્તિઓ છે. જે તમારા સબ કોનસિયસ માઇન્ડ અને ગ્રહોને સમગ્ર વર્ષ સફળતા માટે જાગૃત રાખે છે. હળદરમાં અને ફટકડીમાં એંટીસેપ્ટિક ગુણ છે કે જે તમારી કુંડળી-ગ્રહો, તમારા વ્યાપારની લક્ષ્મી અને સરસ્વતીને કોઈપણ પ્રકારના બેક્ટેરિયલ-વાઇરલ જેવા ચેપથી દૂર રાખે છે. આ ત્રણે પદાર્થો માનવીની ઔરા અને તન-મન-ધનની તંદુરસ્તીને સમતોલ રાખે છે. (સંદર્ભ- જર્નલ ઓફ નેચરલ હર્બસ ફોર મેનકાઇન્ડ-વોટસન જર્મન) કોલસો તમારા ધંધાને નજર લાગવા દેતો નથી. કુંડળી પર મુકેલું અન્ન ગ્રહોનું તૃપ્તિ ભોજન છે. હળદર, ફટકડી અને મીઠું કુંડળીમાં બેઠેલા ક્રૂર ગ્રહોની દુષિત અસરોથી મુક્ત રાખે છે. (ઉપરોક્ત ડાયરી પૂજન પ્રયોગ પોષી પૂનમના દિવસે તા.17 જાન્યુઆરી 2022ની સોમવારની સવારે 7કલાક અને 30મિનિટે કરવો કારણ કે આ સમયે અમૃત ચોઘડિયું અને ચંદ્રની હોરા છે)
આ વાત થઈ વ્યપાર લક્ષ્મીની હવે ચાલો આપણે વિચારીએ ગૃહલક્ષ્મીની વાત. આ એક એવો અદભુત પ્રયોગ છે કે જે અનુભવ સિદ્ધ અને પરિણામલક્ષી છે તેવો અમારો જાત અનુભવ છે. હવે જમાનો આવ્યો છે ધનનો જો ધન હશે તો મન અને તન બંને દુરસ્ત રહેશે.
17 જાન્યુઆરી 2022ના દિવસે જ પુનર્વસુ નક્ષત્રમાં શુભ ચોઘડિયા- મંગળની હોરામાં ઘરના મુખ્ય પ્રવેશ દ્વારની બહાર ડાબી બાજુ ઉપર તરફ રેશમી કપડામાં પાંચ ગોમતી ચક્ર, અક્ષત ચોખા, કંકુ અને એક હળદરની ગાંઠની પોટલી બનાવી અને લટકાવવી. ગોમતી ચક્રમાં લક્ષ્મીનો રહેવાસ છે. કારણ કે ગોમતી ચક્ર અને લક્ષ્મી બંનેનું ઉત્પત્તિ સ્થાન સમુદ્ર છે. પુનર્વસુ નક્ષત્ર ગુરુનું નક્ષત્ર છે કે જે અઢળક ધન આપે છે. ઘરના મુખ્ય દરવાજે આ પોટલી સમગ્ર વર્ષ ગૂઢ, શુભ લક્ષ્મીને આહવાન આપે છે.
સંપત્તિવાન થવા નિયમિત ઈ.સ.2022ની ડાયરી સામે દીવો અગરબત્તી કરી શ્રીસુકતમ અને લક્ષ્મી સુકતમના પાઠ કરવા જોઈએ તેવું વિષ્ણુ પુરાણ, નારદ સંહિતા અર્થો પાર્જન ગ્રંથમાં સ્પષ્ટ લખેલું છે. આ ઉપરાંત અહીં જણાવેલો બીજ મંત્ર લક્ષ્મીને સ્થિર રાખે છે અને લક્ષ્મી સંગ્રહને બળવાન બનાવે છે. રોજ એક માળા નિયમિત કરવી.
ૐ ઐં હ્રીં શ્રીં ક્લીં નમો મહાલક્ષ્મૈય હરિ પ્રિયાયે સ્વાહા:
(આ લેખ drpanckaj@gmail.com એડ્રેસ હેઠળ પ્રસિદ્ધ કરેલ છે)
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.