શનિ એટલે ગ્રહોમાં ન્યાયાધીશ:શનિની પનોતીમાં માનવીનાં સારાં કર્મો તેમને કરોડપતિ બનાવે, જ્યારે ખરાબ કર્મો રસ્તા પર પણ લાવી શકે છે

20 દિવસ પહેલા
  • કૉપી લિંક

સંપત્સુ મહત્તામ ચિત્તમ ભાવેદુત્પલકોમલમI આપત્સુ ચ મહાશૈલશીલાસંઘાતકકર્ષમII સંપત્તિ આવે ત્યારે મનુષ્યના મન કોમળ બને છે અને આપત્તિ મનને શીલા જેવું કઠીન બનાવે છે અને આ કઠિનતા એટલે શનિની પીડા અને કષ્ટ.

શનિ એટલે એકલતા-આધ્યાત્મવાદ. શનિ એટલે સંકટ, પીડા, કષ્ટ. શનિને શાસ્ત્રોમાં કષ્ટ આપનારો ગ્રહ ગણવામાં આવે છે. શનિ કર્મ સાથે જોડાયેલો ગ્રહ છે. શનિ એટલે ચિંતન. જો માનવી ચિંતન ના કરે તો જીવનમાં એક પણ ડગલું આગળ ના ભરી શકે. વિચાર્યા વિનાનું પગલું વિનાશ નોંતરે છે. આથી જ શનિને પ્લાનિંગ સાથે સંકળાયેલો ગ્રહ ગણવામાં આવે છે. અંગ્રેજીમાં કહેવાય છે કે, “Saturn means management after destruction.” ગુજરાતીમાં કહેવત છે કે ‘જેવુ કર્મ તેવું ફળ’ તો હિન્દીમાં જૈસી કરની વૈસી ભરની’ જેવી કહેવતો શનિના આધારે પ્રચલિત બનેલી છે. કારણ કે શનિને કર્મ સાથે સીધો સંબંધ છે. માનવીએ કરેલા કર્મો માટે શનિએ પનોતી નામનો હાઉ ઊભો કર્યો છે. આપણે ઘણીવાર સાંભળીએ છે કે પનોતી દરમિયાન માનવી કાં તો રસ્તા પર આવી જાય છે અગર કરોડપતિ બની જાય છે. શનિ પનોતી દરમિયાન કર્મોનો ઉધાર જમાનો ચોપડો ખોલીને બેસે છે. પનોતી બાદ માનવીનું સરવૈયું બેલેન્સ થઈ જાય છે. આથી પનોતી બાદ મનુષ્ય એકદમ ઘડાયેલા- માંજેલા વાસણ જેવો બની જાય છે. શનિ જ્યારે અન્ય ગ્રહો સાથે જોડાય ત્યારે કેવું ફળ આપે છે? તેની ચર્ચા કરીએ.

(ડો.પંકજ નાગરે IBR અવોર્ડ અને ડો.રોહન નાગરે નાઈન જવેલ્સ ઓફ યુકેનો અવોર્ડ મેળવેલ છે)

શનિ-સૂર્યનો સંબંધ શાસ્ત્રોમાં ખરાબ ગણવામાં આવ્યો છે. કારણ કે શનિ અને સૂર્ય બ્રહ્માંડમાં એકબીજાના ખતરનાક શત્રુ ગણવામાં આવ્યા છે. સૂર્ય-શનિની યુતિ-પ્રતિયુતિ માનવીને ચડતી-પડતી-સંઘર્ષ આપે છે. ભગવાન રામચંદ્રની કુંડળીમાં પણ શનિ-સૂર્યની પ્રતિયુતિ હતી. શનિ-સૂર્યનો સંબંધ એટલે સંઘર્ષ, હાહાકાર, કષ્ટ વગેરે. આવા સંબંધવાળા જાતકો જીવનભર પરિશ્રમ કરતાં જોવા મળે છે. આવા જાતકોને હૃદયરોગ, બ્લડપ્રેશર જેવા રોગો થતાં હોય છે. આવા જાતકોને પિતા સાથે લેણદેણ ઓછી હોય છે. બ્રહ્માંડમાં સૂર્યને પિતા અને શનિને પુત્ર ગણવામાં આવે છે પરંતુ આવા સંબંધ જો કુંડળીમાં હોય તો પિતા-પુત્રને બનતું નથી. ગોચર દરમિયાન જો કુંડળીમાં સૂર્ય પરથી શનિનું ભ્રમણ થાય તો પિતા માટે કષ્ટદાયક બને છે. આવા જાતકોએ પોતાની અનામિકા પર 4 થી 5 રતિનું માણેક સોનામાં ધારણ કરવું. રોજ સવારે સૂર્યને તાંબાના લોટામાં જળનો અર્ક આપવો અને આદિત્ય સ્ત્રોતના પાઠ કરવા.

શનિ-ચંદ્રના સંબંધને શાસ્ત્રોમાં વિષયુતિ ગણવામાં આવે છે. આવા જાતકો માનસિક રીતે નબળા પડે છે, કારણ કે ચંદ્રને જ્યોતિષશાસ્ત્રમાં મનનો કારક કહેવામાં આવે છે. શનિ-ચંદ્રનો સંબંધ જ્ઞાનતંતુઓ માટે કષ્ટદાયક છે. આવો સંબંધ જાતકની માનસિક મૂંઝવણ વધારે છે. મન નિર્બળ પાડે છે. ક્યારેક સંકટોનો ઢગલો કરે છે. અલબત્ત, આવા જાતકો જીવનમાં પૈસા વધુ કમાય છે અને સારા હોદ્દા તથા સુખ સાહ્યબી ભોગવે છે, પરંતુ મનથી દુ:ખી હોય છે. વિષ યોગથી પીડિત જાતકે બસરાનું મોતી પેન્ડેન્ટ બનાવી પેહરવું અને ચંદ્રના બીજ મંત્રની માળા કરવી.

શનિ-મંગળનો સીધો સંબંધ પણ શત્રુઓનો સંબંધ ગણાય છે. અભ્યાસની દ્રષ્ટિએ આ યોગ ટેકનિકલ લાઇન માટે સારો ગણાય છે. એન્જિનિયર, કમ્પ્યુટર એન્જિનિયર કે અન્ય ટેકનિકલ લાઇન માટે તેના પરિણામ શુભ હોય છે. પરંતુ મંગળ સેનાપતિ ગ્રહ છે. મંગળ સાહસ અને નીડરતા સાથે સંકળાયેલો ગ્રહ છે. આથી, મંગળનું શૌર્ય શનિના દબાણ હેઠળ હોય તો મંગળની સાહજિકતા- સાહસનો નાશ થાય છે. આવી વ્યક્તિઓ ગુનાખોરી ક્ષેત્રે વધુ સંકળાયેલી જોવા મળે છે. આવા સંબધ ધરાવતા જાતકોએ રોજ સવારે મંગળના મંત્રની માળા કરી રક્ત ચંદનનો કપાળ પર ચાંલ્લો કરવો.

શનિ-બુધનો સંબંધ પણ માનવીની બુદ્ધિ-સદબુદ્ધિને અવળે માર્ગે વાળે છે. પરિણામે આવા સંબંધવાળા જાતકો પોતાની શક્તિનો ઉપયોગ સાચા માર્ગે કરતાં નથી. બેનંબરી ધંધા માટે આવો યોગ ઉપયોગી બને છે. આ યુતિવાળા જાતકોએ વહેલી પરોઢે નરણા કોઠે લીલા મગનો દાણો એક ઘૂંટ પાણી સાથે ગળી જવો. શનિ-ગુરુનો સંબંધ માનવીને આધ્યાત્મ તરફ વાળે છે. શનિ એટલે એકલતા-કષ્ટ અને ગુરુ એટલે ધન-કુબેર વગેરે. શનિ જો ગુરુની સાથે હોય તો આવા જાતકો પૈસા ખર્ચવાની બાબતમાં ખૂબ જ કરકસરિયા અને કંજૂસ હોય છે. આ પ્રકારની યુતિવાળા જાતકોએ પીળો પોખરાજ ધારણ કરવો વહેલી સવારે કપાળ પર હળદરનો ચાંલ્લો કરવો.

શનિ-શુક્રનો સંબંધ ચારિત્ર્ય માટે હાનિકારક નીવડે છે. આવી યુતિ કે પ્રતિયુતિ જાતકના ચારિત્ર્યને શિથિલ બનાવે છે. જાતક કેટલાય વ્યસનો તરફ વળે છે. શુક્ર લગ્નજીવનનો કારક ગ્રહ હોઇ આવો યોગ લગ્નજીવનમાં ભંગાણ ઊભા કરે છે. ક્યારેક સેક્સલાઈફમાં પણ વિઘ્નો લાવે છે. આવા જાતકોએ શનિના બીજ મંત્ર કરવા અને દર શનિવારે લાલ દોરામાં 21 લવિંગની માળા બનાવી હનુમાનજીને ચઢાવવી.

શનિ-રાહુનો સંબંધ જે સ્થાનમાં હોય તે સ્થાનનું ખરાબ ફળ આવે છે. આવા યોગને આપણા ગ્રંથોમાં શાપિત યોગ, પ્રેત શાપ યોગ વ.વ.નામથી ડરાવવામાં આવે છે. આ પ્રકારનો યોગ ધરાવતી કુંડળીઓના જાતકો જીવનમાં મોટા ભાગે નિષ્ફળતા ભોગવતા હોય છે ને અસંખ્ય ફરિયાદો સાથે જીવતા હોય છે. ઉપરાંત કુંડળીમાં શનિ જે તે સ્થાનનો અધિપતિ બનતો હોય તે સ્થાનનું ફળ પણ બગાડે છે. આથી આવો યોગ અશુભ ગણાય છે. આવા જાતકોએ બુધવારે લીલા વસ્ત્ર ધારણ કરવા. બુધવારે વહેલી સવારે ખાલી પેટે લીલા મગનો એક દાણો ગળી જવો જો આર્થિક સ્થિતિ સારી હોય તો શનિના પ્રકોપથી દૂર રહેવા કાળા ઘોડા + નાડા છડીનો પ્રયોગ કરવો. ઉપાયો વ્યક્તિગત કુંડળી પર આધારિત છે. અને હા વાચક મિત્રો શનિનો એક સનાતન નિયમ છે તે હમેશાં યાદ રાખજો.

‘What goes around you, it comes around you’ અર્થાત તમે જે આપો છો એવું જ અને એ જ તમારી પાસે પાછું આવવાનું છે . શનિનો સંદેશ છે ......સુકર્મ કરો .

[આજની ટીપ]
[જો તમારું મકાન વેચાતું ના હોય તો શનિવારના દિવસે ઘરના મુખ્ય દરવાજા પાસે વહેલી સવારે સરસવના દાણા એક મુઠ્ઠી વેરો .આ પ્રયોગ ૨૧ શનિવાર કરો]

(આ લેખ બંને લેખકોએ drpanckaj@gmail.com એડ્રેસ હેઠળ પ્રસિદ્ધ કરેલ છે)

અન્ય સમાચારો પણ છે...