અંકશાસ્ત્ર એ મહાન હસ્તરેખા નિષ્ણાત અને અંક વિદ્વાન કીરોની શોધ અને સંશોધન છે. કીરો એ જગતનું પૂર્ણ ભ્રમણ કરી પોતાના અનુભવ અને જ્ઞાનના સમન્વયથી અંકશાસ્ત્ર નામના મહાન શાસ્ત્રની ભેટ માનવજાતને આપેલી જેના ઉપયોગ દ્વારા માનવી પોતાનું ભવિષ્ય જાણી જીવનને વધુ સમૃદ્ધ બનાવી શકે અને સાચા અર્થમાં જીવનને શ્રેષ્ઠ બનાવી શકે તેવો શુદ્ધ આશય કીરોનો હતો. અંકશાસ્ત્રમાં ભારતીય વિદ્વાનો અને જ્ઞાનીઓનો ફાળો પણ અમૂલ્ય હતો તેવું અનુમોદન અને અનુસંધાન પણ કીરો એ પોતાના પુસ્તક "ધી ન્યુમેરો સિક્રેટ"માં ટાંક્યું છે. ઈજીપ્ત જઈ કીરો એ ચાલ્દિયન પદ્ધતિનો આવિષ્કાર કર્યો કે જે પદ્ધતિને હિબ્રુ પદ્ધતિ પણ કહે છે. કીરોના પુસ્તક "બુક ઓફ ફેટ એન્ડ ફોર્ચ્યુન"માં સ્પષ્ટ જણાવ્યું છે કે અંકની માનવ જગત પર એક અદ્દભુત અને સચોટ અસર છે અને તેના ઉપયોગ દ્વારા માનવી પોતાનું પ્રારબ્ધ રચી શકે છે.
અંક ભાગ્યશાળી પુરવાર થાય તો રંક ને રાજા બનાવે અને જો જાતક અશુભ અંકની ઝપટમાં આવી જાય તો બાદશાહમાંથી બૂંદિયાળ બની જાય. સમગ્ર જગત અને માનવજાત અંકની શુભ અને અશુભ અસરો હેઠળ સતત હોય છે. કયો અંક ક્યારે તમને વિજય અપાવે અને કયો અંક તમારી હાર માટે જવાબદાર હોય તેનું આકલન અને સંશોધન જો તમારા હાથ લાગી જાય તો તમે અંકના સહારે સંસાર સાગર તરી શકો છો અને અન્યને આ શાસ્ત્રના સહારે તારી પણ શકો છો. વાત જ્યારે સાગરની જ નીકળી છે તો એક નાના સરખા કિસ્સાને અને તેની સફળતાની વાતને આ લેખમાં વણી લઈએ. રાજસ્થાનના એક જીલ્લા મથકમાં સાગર સ્વીટ્સ નામની મીઠાઈની દુકાન પોતાની મીઠાશના કારણે સુપ્રસિદ્ધ છે. પરંતુ ગ્રહોના નિયમ અને નિયમન અનુસાર હાલાત અને હાલત તો બદલાતા જ રહે છે તે પ્રમાણે સાગર સ્વીટ્સના પણ વળતા પાણી થયાં.
સાગર સ્વીટ્સના માલિક અતિ શ્રદ્ધાળુ અને જ્યોતિષમાં તેમનો વિશ્વાસ અદ્દભુત હતો. ખાસ કરીને અંકશાસ્ત્રમાં તેમની શ્રદ્ધા અતુટ અને અતુલ્ય હતી. ઈ.સ.2021ની નવરાત્રિ દરમિયાન કોવિડ-19ના ભય વચ્ચે અમારી મુલાકાત થઇ અને અંક્શાસ્ત્રના અભિનવ ઉપયોગ દ્વારા સાગર સ્વીટ્સનું ભાગ્ય પલટાયું અને આજે જયારે આ લેખ લખાઈ રહ્યો છે ત્યારે સાગર સ્વીટ્સનું ભાગ્ય પણ મીઠાશ મેળવી ચુક્યું છે કારણ કે હવે આ રાજસ્થાની બંધુઓનો સ્વીટ્સનો ધંધો ધમધોકાર ચાલે છે. આવો જાણીએ સાગર સ્વીટ્સમાં અંકશાસ્ત્રની કમાલ અને કેવી રીતે થયા સાગર સ્વીટ્સના માલિકો માલામાલ.
સાગર સ્વીટ્સની સ્થાપના તારીખઃ- 15-06-2019 અનુસાર મુલાંક 24=6 થાય અને અને તેની પુરેપુરી તારીખનો સરવાળો 1+5+0+6+2+૦+1+9=24 અર્થાત 2+4 = 6 થાય. આમ સાગર સ્વીટ્સ અંક 6 ની અસર હેઠળ અર્થાત શુક્રની અસર હેઠળ આવે અને મીઠાઈનો ધંધો શુક્રની અસર હેઠળ આવે તે અતિ શુભ ગણાય. પરંતુ સાગર સ્વીટ્સનો મૂળ સ્પેલિંગ- SAGAR SWEETS અંકશાસ્ત્રની હિબ્રુ સીસ્ટમ અનુસાર અંક 9ની અસર હેઠળ હતો અને અંક 9 પર મંગળનું આધિપત્ય આવે. સ્થાપના તારીખ શુક્રની અસર હેઠળ અને સાગર સ્વીટ્સનો મૂળ સ્પેલિંગ મંગળની અસર હેઠળ આવે. આથી સ્થાપના તારીખ અને દુકાનના નામ વચ્ચે શુક્ર અને મંગળનો એક અસામાન્ય વિરોધાભાસ હતો. માલિકોના સ્ટેટમેન્ટ મુજબ ક્યારેક ક્યારેક દૂધ દુણાઈ જતું અને મીઠાઈઓ દાઝી કે બળી જવાના પ્રસંગો બનતા હતા અને આ બધાની પાછળ અમને મંગળનું અગ્નિતત્વ જવાબદાર હોય તેવું જણાતું હતું. શુક્ર એ સૌમ્ય ગ્રહ છે અને મંગળ અગ્નિતત્વનો ગ્રહ છે. શુક્ર અને મંગળના વિરોધાભાસી સમન્વયના કારણે સાગર સ્વીટ્સની હાલત અપ્સરાના દાઝી ગયેલા કદરૂપા ચેહરા જેવી હતી. શુક્રની સૌમ્યતા પર મંગળના ડામને ઠંડા પાડવા અમે અંકશાસ્ત્રના સહારે નીચે પ્રમાણે ફેરફારો કરી દૂર કર્યા.
વાચક મિત્રો આપના ધ્યાનમાં આવે તેટલા માટે અમે વધારાના જે જે આલ્ફાબેટ મૂક્યા છે તે બે આલ્ફાબેટ અનુક્રમે G અને S બોલ્ડમાં અને મોટા ફોન્ટમાં દર્શાવ્યા છે આથી અર્થઘટનમાં મુશ્કેલી પડે નહિ. અર્થાત તેમના મૂળ સ્પેલિંગમાં માત્ર G અને S વધારાના મૂકી તેમના ભાગ્યમાં વૃદ્ધિ કરી તેવું કેહવું જરાપણ અતિશયોક્તિ નથી.
અંકશાસ્ત્રના સહારે સાગર સ્વીટ્સના માલિકો દુઃખનો સાગર તરી ગયા. અમે જગતના દરેક જાતક માટે પણ આવી જ શુભ કામનાઓ પાઠવીએ કે તેઓ પણ અંકશાસ્ત્રના સહારે મુશ્કેલીઓનો સાગર આસાનીથી તરી જાય અને મુસીબતોનું સ્વરૂપ સાગરમાંથી ગાગર જેવું બની જાય.
{આજની ટીપ}
બાવન પાનાનું પણ એક અગમનિગમ રહસ્ય છે. જે જાતકને આર્થિક તકલીફો રહેતી હોય તેવા જાતકે પોતાના ઉપરના ખિસ્સામાં હર હમેશ ચરકટનો એક્કો અને ચરકટના બાદશાહનું પાનું રાખવું જોઈએ. એક મહિનો પ્રયોગ કરો ફેર પડશે.
(આ લેખ બંને લેખકો એ drpanckaj@gmail.com એડ્રેસ હેઠળ પ્રસિદ્ધ કરેલ છે)
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.