પિતા રત્નાકરો યસ્ય લક્ષ્મીર્યસ્ય સહોદરી! શંખો ભિક્ષાટનમ કુર્યાત ફલમ ભાગ્યાનું સારત:!!
પિતા રત્નોના ભંડાર સાગર છે, લક્ષ્મી જેની બહેન છે; તેમ છતાં શંખને ભિક્ષા માગવી પડે છે. કારણ કે ભાગ્યાનુસાર ફળ મળે છે.
અમેરિકાના EX પ્રેસિડેન્ટ અને અબજોપતિ ડોનાલ્ડ ટ્રંપની સફળતાનું રહસ્ય જાણવા જેવુ છે. 1946માં જન્મેલા આ અબજોપતિને યુ.એસમાં બિઝનેસ મેગ્નેટ તરીકે ઓળખવામાં આવે છે. અનેક હોટેલ્સ, ટેલિવિઝન ચેનલ્સના માલિક યુએસના સફળ પ્રેસિડેન્ટ અને બિલ્ડર ડોનાલ્ડ ટ્રમ્પે 1980ની સાલમાં જ ગ્રાન્ડ હયાતની શરૂઆત કરેલી. અબજો ડોલર્સના માલિક ડોનાલ્ડની બાયોગ્રાફી તમે વાંચી છે? માત્ર 18 વર્ષની નાની વયથી જ ડોનાલ્ડે પોતાના શયનકક્ષની સીલિંગ પર 100 ડોલર્સની નોટને ચોટાંડી રાખેલી. રોજ સવારે જ્યારે ડોનાલ્ડ પથારીમાંથી ઊઠે એટલે આ નોટના દર્શન કરે અને સતત વિચારે કે એક દિવસ તે પણ અબજોપતિ થશે અને થયું પણ એમ જ. જોતજોતામાં ડોનાલ્ડ નાની વયે સફળ બિઝનેસ મેન બની ગયા અને આજે તો સર્વોપરી મહાસત્તાના મુખ્ય પડે આરૂઢ પણ થઇ ગયા. આ કિસ્સાને ડોનાલ્ડના ગ્રહોની કરામત સમજો કે ઈચ્છાશક્તિનું પરિણામ....પણ ડોનાલ્ડ ટ્રંપ ભુતકાળમાં યુ.એસના બિગ શૉટ હતા તે વાત સ્વીકારવી પડે.
તમે પણ દુનિયાના મોટા સેલિબ્રિટી બની શકો છો પણ જરૂર છે ઈચ્છાશક્તિની, જરૂર છે તમારા અચેતન મનને જાગૃત કરવાની અને પછી જુઓ કમાલ ખરેખર તમારી જિંદગી પણ બેમિશાલ બની શકે છે. જન્મકુંડળીના નિર્બળ ગ્રહોને બળવાન કરવા આપણે બનાવટી નંગો ધારણ કરીએ છીએ તો ક્યારેક અજ્ઞાની બાવાઓ પાસે વિધિઓ કરાવીએ છીએ. પણ તમે જાણો છો કે તમારી જન્મકુંડળી એ તમારા જન્મનું મૂળ છે. જો મૂળમાં પાણી જ ના પડે તો જીવનનું વટવૃક્ષ કેવી રીતે ફુલેફલે? ડોનાલ્ડે જે કર્યું તે તમે પણ તમારી કુંડળીના સહારે કરી શકો છો. જરૂર છે તમારી કુંડળીને રોજ યાદ કરવાની. જે ગ્રહોની અસર હેઠળ તમે જન્મ્યા છો તે ગ્રહોના નકશા અર્થાત તમારી આ કુંડળી તરફ લક્ષ્ય આપવાની જરૂર છે. એક એવા પ્રયોગ અને યોગની જરૂર છે કે જે તમને તમારા અચેતન મનના સહકારથી અદ્દભુત-અનુભૂત સફળતા આપી શકે છે. આવો વિચારીએ આપણાં અચેતન મન –આપણી કુંડળી અને આપણાં ભાગ્ય વિશે. આપણાં આર્ષદ્રષ્ટા ઋષિમુનીઓ જેવા કે પારાશર, મન્ત્રેશ્વર, વરાહ, નારદ અને કશ્યપ હંમેશાં ધ્યાન દ્વારા પોતાના અચેતન મનને બળવાન બનાવી સમગ્ર વિશ્વનો ચિતાર અને ભેદ મુઠ્ઠીમાં કરી લેતા હતા. ઋષિમુનીઓની સફળતા અને સિદ્ધિઓનું રહસ્ય તેમના ધ્યાન યોગ અને સતત મનને કેળવણીના પ્રયોગોમાં છુપાયેલું હતું. કહેવાય છે કે દક્ષ અને પારાશરે ધ્યાન દ્વારા કુંડળીના 12 સ્થાન નવ ગ્રહો અને 27 નક્ષત્રોની શોધ કરેલી અને આજના આ યુગમાં આપણાં ઋષિ મુનિઓની શોધ અને સંશોધન તેમના મનની અથાગ શક્તિઓના કારણે માનવજગત માટે આશીર્વાદ બની ગઈ છે. કબીરજી કહે છે મનકા હારા હાર - મનકા જીતા જીત. આમ પ્રાચીન અર્વાચીન યુગમાં પણ મન અને મનની શક્તિઓ વિશે અદ્દભુત પ્રકાશ પાડવામાં આવ્યો છે. મંત્રેશ્વરમુનિના ચમત્કાર ચિંતામણી ગ્રંથમાં ચંદ્રને મન અને બુધને અચેતન મનનો કારક અને કારણ તરીકે વર્ણવ્યા છે. તેઓ સ્પષ્ટ કહે છે કે કુંડળીના બુધ અને ચંદ્ર જો બળવાન હોય તો જાતક દરેક તકને સિદ્ધહસ્ત કરી શકે છે.
તમારી કુંડળીના સાત ગ્રહો+રાહુ અને કેતુમાં જીવન સંચાલનની અભેદ અને ગૂઢ શક્તિઓ પડેલી છે અને તેના કરતાં પણ અદ્દભુત શક્તિઓનો ખજાનો છે માનવીનું મન. અમે અહીં મગજની વાત નથી કરતાં પણ વાત કરીએ છે માનવીના જમણા મગજની કે જ્યાં 8૦ % એનર્જી બિનવપરાશી સ્વરૂપે પડી રહી છે. જો આ અર્ધ જાગૃત શક્તિઓનો ઉપયોગ શરૂ થઈ જાય તો તમે પણ સફળ વ્યક્તિ કે સેલિબ્રિટી બની શકો છો. કરવાનું કઇં જ નથી અને જો કઇં કરવાનું છે તો યાદ રાખજો તમારા પોતાના ઉદ્ધાર માટે કરવાનું છે. તમે તમારી કુંડળીમાં આવેલાં જન્મ લગ્ન લખેલાં પાનાની ફોટો સ્ટેટ કોપી કઢાવો તેને લેમિનેટ કરાવો અને તમે તમારા બેડ રૂમમાં તમારા શયન કક્ષની સામેની દીવાલ પર ફિક્સ કરી દો. ફોટો સ્ટેટ કોપી સ્પષ્ટ જોઈ શકાય એટલી મોટી કઢાવજો. તમારી કુંડળીની પાછળની બાજુ તમારી જે ઈચ્છા કે મહત્ત્વકાંક્ષા હોય તે લખી દો અને રોજ સવારે ઉઠતાની સાથે તમે તેને જોઈ શકો તેમ સામેની દીવાલે લગાવી દો.
રાત્રે સૂતા પહેલાંની 15 મિનિટ અને જ્યારે સવારે તમે જાગો ત્યાર પહેલાની 15 મિનિટ કુંડળીનું દર્શન અને પછી મનન કરો. મનન કરતી વખતે તમે જે ઈચ્છા લખેલી હોય તેને લગતા પોઝિટિવ વિચારો કરો સાથે સાથે તમારી કુંડળીના ગ્રહોને તમારી સફળતા અને કાર્યપૂર્તિ માટે પ્રાર્થના કરો. પછી જુઓ કમાલ. તમારું અચેતન કે અર્ધ જાગૃત મન તમારી ઈચ્છા પૂર્ણ કરવાના પ્રયત્નોમાં લાગી જશે અને ટૂંક સમયમાં તમને પરિણામો મળવાની શરૂઆત પણ થઈ જશે. અર્ધ જાગૃત મનની શક્તિઓ અદ્દભુત છે. જોસેફ બર્ફીએ પોતાના પુસ્તક “ધી પાવર ઓફ સબકોનસિયસ માઇન્ડ”માં લખ્યું છે કે સુતાં પહેલાની 15 મિનિટ અને જાગ્યા પછીની 15 મિનિટ વ્યક્તિ આલ્ફા વેવ્સની પરિસ્થિતિમાં હોય છે અને આ આલ્ફા વેવ્સ દરેક વ્યક્તિના સબકોનસિયસ માઇન્ડનું પ્રોગ્રામિંગ કરે છે. આ સમય દરમિયાન વ્યક્તિ જે કઇં વિચારે તેવું તેનું જીવન અને જીવનશૈલી બની જાય છે. મોટી મોટી હસ્તિઓ જેમ કે નીલ આર્મસ્ટ્રોંગ, શેરપા તેનસિંગ, આલ્બર્ટ આઇન્સટાઈન પણ અર્ધ જાગૃત મનની અભેદ શક્તિઓ વડે સફળતા મેળવી ચૂક્યા છે. જો ડોનાલ્ડ ટ્રંપ અચેતન મનની શક્તિઓ દ્વારા અબજોપતિ થઈ શકતો હોય તો મિત્રો આપણે પણ મનુષ્ય જ છીએ....આપણી પાસે પણ સબકોનસિયસ માઇન્ડ છે જ. આવો આપણે પણ સફળતાને હસ્તગત કરીએ.
આજની ટીપ
તમે બિઝનેસમેન હોવ કે પ્રોફેસનલ હોવ ધંધાના/વ્યવસાયના વિકાસ માટે તમારા ટેબલના ખાનામાં ત્રણ ગોમતી ચક્ર, ત્રણ પીળી કોડી, એક હળદરનો ગાંઠિયો આ બધી સામગ્રીની પોટલી બનાવી મુકવી. આ પ્રયોગથી ઉન્નતિ પ્રગતિ થાય છે.
(આ લેખ drpanckaj@gmail.com એડ્રેસ હેઠળ પ્રસિદ્ધ કર્યો છે.)
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.