વૈદિક જ્યોતિષમાં શનિને સૌથી ધીમા ગ્રહનો દરજ્જો પ્રાપ્ત છે. શનિ એક રાશિમાં ગોચર કરવામાં લગભગ અઢી વર્ષ લે છે. શનિને કર્મ અને લાભ ભાવનો અધિકાર આપવામાં આવ્યો છે. ત્યાં જ તે રાજનીતિ, રહસ્ય, ખોદકામ, તંત્ર, ગુપ્ત વિદ્યાઓ, તેલ, ખનિજના કારક કહેવામાં આવે છે. રાજનીતિમાં શનિને જનતાનો કારક કહેવામાં આવે છે. શનિદેવની કૃપા વિના કોઈપણ વ્યક્તિ ઉચ્ચ પદ પ્રાપ્ત કરી શકે નહીં. 17 જાન્યુઆરી 2023ના રોજ રાતે 8 વાગે શનિદેવ 30 વર્ષ પછી પોતાની મૂળ ત્રિકોણ રાશિમાં પ્રવેશ કરી રહ્યા છે. તેમના આ ગોચરથી 12 રાશિના લોકો ઉપર શું પ્રભાવ પડશે તે જાણીએ....
શનિનું આ રાશિ પરિવર્તન બધી જ બારેય રાશિ ઉપર અસર કરશે. શનિ જ્યારે કુંભ રાશિમાં પ્રવેશ કરશે. ત્યારે થોડી રાશિઓ શનિની સાડાસાતી અને ઢૈયાથી મુક્ત થઈ જશે. ત્યાં જ અમુક રાશિઓ સાડાસાતી અને ઢૈયાના પ્રભાવમાં આવી જશે. શનિના ગોચરના લીધે 2023 થી 2025 સુધીનો સૌથી મુશ્કેલ સમય કુંભ રાશિના લોકો માટે રહેશે. ત્યાં જ કર્ક અને વૃશ્ચિક રાશિના લોકો પણ શનિથી પીડિત રહેશે.
મેષ- આ રાશિના લોકો શનિદેવની કૃપાથી ગુપ્ત વિદ્યામાં રસ વધશે
આ રાશિના જાતકો માટે શનિ દશમ અને લાભ ભાવના સ્વામી હોય છે. શનિ આ વર્ષે લાભ સ્થાને જ ગોચર કરશે. અગિયારમાં ભાવમાં શનિ ખૂબ જ શુભ ફળ આપનાર રહેશે. શનિની દૃષ્ટિ તમારા લગ્ન, પાંચમા અને આઠમાં ભાવ ઉપર પડી રહી છે. શનિદેવની કૃપાથી હવે તમે તમારું પોતાનું કામ શરૂ કરવામાં સક્ષમ રહેશો. તમારા પિતા તરફથી હવે તમને મદદ મળશે અને તમારું ભાગ્ય તમને સાથ આપશે. આ સમયે તમે નવી ઊર્જાથી ઓતપ્રોત રહેશો. તમારા જે પણ કામ અટવાયેલાં હતાં હવે તેમાં ગતિ આવશે. આ ગોચરના કારણે વેપારી વર્ગને નફો થશે અને તમારી આવકના એકથી વધારે સ્ત્રોત ખુલશે. મિત્ર પણ આ સમયે તમને મદદ કરશે. સંતાન પક્ષ તરફથી તમને સારો સહયોગ મળશે અને સંતાનની સફળતા ઉપર તમને ગર્વ થશે. શનિદેવની કૃપાથી તમને ગુપ્ત વિદ્યામાં રસ વધી શકે છે. તમે રહસ્યોની દુનિયા પ્રત્યે આકર્ષિત થઈ શકો છો. જેમાં થોડાં વર્ષોમાં તમને સફળતા પણ મળશે.
વૃષભ- શનિદેવના આશીર્વાદમાં તમારું પોતાનું કામ હવે શરૂ થશે
આ રાશિના જાતકો માટે શનિ પરમ રાજયોગકારક કહેવામાં આવે છે. શનિ ભાગ્ય અને દશમ ભાવના સ્વામી થઈને હવે દશમ ભાવમાં જ ગોચર કરશે. તમારી મૂળ ત્રિકોણ રાશિમાં આવીને શનિ ખૂબ જ બળવાન થઈ જાય છે. આ ગોચરથી વૃષભ રાશિના જાતકોનું ભાગ્ય બદલવાનું છે. શનિની દૃષ્ટિ બારમા, ચોથા અને સાતમા ભાવ ઉપર પડી રહી છે. શનિની કૃપાથી વૃષભ રાશિના જાતક આવતાં થોડાં વર્ષોમાં કાર્યસ્થળે ઉચ્ચ પદ પ્રાપ્ત કરશે. તમારી દૂરદર્શિતાનું પરિણામ હવે તમને મળશે. જે જાતક અનેક વર્ષોથી પોતાના ઘરનું સપનું જોઈ રહ્યા છે તેમનું સપનું પણ હવે પૂર્ણ થશે. તેલ, ખોદકામ, રાજનીતિ, દર્શન, ધર્મ, જ્યોતિષ સાથે જોડાયેલાં લોકો હવે ઉન્નતિ કરશે. શનિદેવના આશીર્વાદમાં હવે તમારું પોતાનું કામ શરૂ થશે. પાર્ટનરશિપના કામથી તમને નફો મળી શકે છે.
મિથુન- શનિદેવના આ ગોચરના પરિણામ સ્વરૂપ હવે તમને ભાગ્યનો સાથ મળવાનો છે
આ રાશિના જાતકો માટે શનિ આઠમા અને નવમાં ભાવના સ્વામી હોય છે. શનિદેવ હવે તમારા ભાગ્ય સ્થાનમાં જ રહેશે. મિથુન રાશિના લોકો છેલ્લાં અઢી વર્ષથી શનિની ઢૈયામાં હતા જેનાથી હવે તેઓ મુક્ત થઈ જશે. શનિની દૃષ્ટિ તમારા લાભ ભાવ, ત્રીજા ભાવ અને છઠ્ઠા ભાવ ઉપર જશે. શનિદેવના આ ગોચરના પરિણામ સ્વરૂપ હવે તમને ભાગ્યનો સાથ મળવાનો છે. વેપારી વર્ગને નફો થવાની આશા છે. પરિવાર તરફથી કોઈ વિઘ્ન જોવા મળી રહ્યું હતું હવે તેનો અંત આવી શકે છે. કોઈ જૂની બીમારી ઠીક થવાના અણસાર છે. આ સમયે મિત્રોની મદદથી તમે સમાજમાં સારું કામ કરશો. સાહસ અને પરાક્રમમાં વધારો થશે. શનિદેવ હવે તમને યાત્રાઓથી સારો લાભ આપનાર રહેશે. મોસાળ પક્ષથી કોઈ ભેટ મળી શકે છે.
કર્ક- શનિના કારણે કાર્યસ્થળે વધારે મહેનત કરવી પડશે
આ રાશિના જાતકો માટે શનિ સપ્તમ અને અષ્ઠમ ભાવના સ્વામી થઈને પ્રબળ મારકેશનું કામ કરે છે. હવે શનિનું ગોચર તમારા આઠમા સ્થાનથી થશે. શનિની આ સ્થિતિને ઢૈયાના નામથી ઓળખવામાં આવે છે. શનિની દૃષ્ટિ તમારા દશમ, બીજા અને પાંચમા ભાવ ઉપર રહેશે. આ સમયગાળામાં તમારી સાથે અચાનક કોઈ ખરાબ ઘટના બની શકે છે. શનિના કારણે તમારે કાર્યસ્થળે વધારે મહેનત કરવી પડશે અને માનસિક તણાવથી પોતાને દૂર રાખવા પડશે. સાસરિયા પક્ષ સાથે કોઈ લેવડ-દેવડ ન કરો. આ ગોચરમાં પરિવારના સભ્યો સાથે ઝઘડો થઈ શકે છે. કોઈને ઉધાર આપેલાં રૂપિયા અટવાઇ શકે છે. તમારે આ સમયે તમારી વાણી ઉપર કાબૂ રાખવો પડશે નહીંતર તમારું નુકસાન શક્ય છે. નવું કામ શરૂ કરવા માટે સમય અનુકૂળ નથી.
સિંહ- આળસ છોડીને સંપૂર્ણ રીતે લક્ષ્યની પ્રાપ્તિ કરી અને આગળ વધો
આ રાશિના જાતકો માટે શનિ છઠ્ઠા અને સાતમા ભાવના સ્વામી હોય છે. શનિનું ગોચર હવે સાતમા ભાવમાં જ થશે. જ્યાં શનિ મારકેશનું કામ કરશે. શનિની દૃષ્ટિ તમારા ભાગ્ય, લગ્ન અને ચોથા ભાવ ઉપર પડશે. આ સમયે શનિના ગોચરથી તમને લગ્નજીવનમાં થોડી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. તમારા અને તમારા પ્રેમી વચ્ચે મનમુટાવના લીધે તણાવ રહી શકે છે. આ સમયે પત્નીના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પડશે. આ સમયગાળામાં નોકરી કરી રહેલાં જાતકોને સીનિયર્સ પાસેથી મદદ મળવામાં મોડું થઈ શકે છે. શનિના ગોચરના પ્રભાવથી તમારા પિતા સાથે મતભેદ થઈ શકે છે. આ સમયે જો તમે વેપાર કરી રહ્યા છો તો તમારી હેઠળ કામ કરી રહેલાં કર્મચારીઓનું અપમાન ન કરો. આળસ છોડીને સંપૂર્ણ રીતે લક્ષ્યની પ્રાપ્તિ કરી અને આગળ વધો. આ સમયે શનિના કારણે થોડો માનસિક તણાવ પણ શક્ય છે.
કન્યા- શનિદેવની કૃપાથી આ રાશિના જાતકોને નોકરીમાં ઉન્નતિ મળવાની છે
આ રાશિના જાતકો માટે શનિ પંચમ અને છઠ્ઠા ભાવના સ્વામી હોય છે. શનિનું ગોચર હવે તમારા છઠ્ઠા ભાવમાં જ થવાનું છે. શનિ છઠ્ઠા ભાવમાં ખૂબ જ શુભફળ આપનાર કહેવામાં આવે છે. શનિની દૃષ્ટિ આઠમાં, બારમા અને ત્રીજા ભાવ ઉપર થશે. શનિદેવની કૃપાથી કન્યા રાશિના જાતકોને નોકરીમાં ઉન્નતિ મળવાની છે, એવું પણ થઈ શકે છે કે કોઈ મોટી કંપનીમાંથી તમને નોકરીની ઓફર મળી શકે છે. શનિના આ ગોચરથી તમારા દુશ્મનોનો નાશ થઈ શકે છે. તમારા વિરૂદ્ધ જે લોકો ષડયંત્ર બનાવી રહ્યા હતા તેઓ સામે આવશે. આ ગોચરના પરિણામસ્વરૂપ તમને મંત્ર-તંત્રમાં સફળતા મળશે. વર્ષોથી ચાલી રહેલી કોઈ બીમારી દૂર થઈ શકે છે. વિદેશ જવાનું સપનું પૂર્ણ થઈ શકે છે. વિદેશથી કારોબારી સંબંધ બનવાના શરૂ થશે. આ સમયે રાજનીતિ સાથે જોડાયેલાં લોકોને તેમની મહેનતનું ફળ મળી શકે છે. તમારી વાણી પ્રભાવી થશે અને યાત્રાઓ શુભ રહેશે.
તુલા- સરકારી નોકરી કરી રહેલાં જાતકોને ઉચ્ચ અધિકારી સહયોગ કરશે
આ રાશિના જાતકો માટે શનિ પરમ રાજયોગ કારક કહેવામાં આવે છે. શનિની મકર રાશિ કેન્દ્રમાં ત્યાં જ કુંભ રાશિ ત્રિકોણમાં હોવાના કારણે શનિ આ રાશિના જાતકોને શુભફળ આપે છે. શનિ લગ્નેશ શુક્રના મિત્ર પણ છે અને હવે પંચમ ભાવમાં ગોચર કરનાર છે. શનિની દૃષ્ટિ સપ્તમ સ્થાન, એકાદશ સ્થાન અને ધન સ્થાને જઈ રહી છે. તુલા રાશિના જાતક આ સંચરણના કારણે હવે શનિની ઢૈયાથી મુક્ત થઈ જશે. શનિદેવના આ ગોચરના કારણે હવે તમારા પરિવારમાં ક્લેશ દૂર થશે. તમારી માનસિક શક્તિ સુદૃઢ થશે. અભ્યાસ કરી રહેલાં જાતકો હવે એકાગ્રચિત થઈને પોતાનો અભ્યાસ કરી શકે છે. સરકારી નોકરી કરી રહેલાં જાતકોને ઉચ્ચ અધિકારી સહયોગ કરશે. વેપારી વર્ગ પ્રસન્ન રહેશે અને કામનો વિસ્તાર થશે. સ્ત્રીઓ સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પડશે. પાર્ટનરશિપમાં કામ શરૂ કરવા માટે સમય સારો છે.
વૃશ્ચિક- માતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું, પારિવારિક ક્લેશ વધશે
આ રાશિના જાતકો માટે શનિ ત્રીજા અને ચોથા ભાવના સ્વામી હોય છે. હવે શનિનું ગોચર તમારા ચોથા ભાવથી જ થશે. શનિના આ સંચરણથી વૃશ્ચિક રાશિના જાતકો શનિની ઢૈયાના પ્રભાવમાં આવી જશે. શનિની દૃષ્ટિ તમારા છઠ્ઠા ભાવ, દશમા ભાવ અને લગ્ન ઉપર પડી રહી છે. આ સમયે શનિનું આ ગોચર પારિવરિક ક્લેશનું કારણ બની શકે છે. માનસિક તણાવની સમસ્યા વધી શકે છે. તમને આ ગોચર કાળ દરમિયાન તમારી માતાના સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું પડશે. કોઈ સંપત્તિની ખરીદીના ચક્કરમાં તમારું ધન અટવાઇ શકે છે એટલે મિત્રોનો વિશ્વાસ કરવો નહીં. કોઈ કિંમતી સામાનની ચોરી પણ થઈ શકે છે. તમારા દુશ્મન આ સમયે સક્રિય થઈ શકે છે. કાર્યોમાં મોડું થવાના કારણે તમારું મન વિચલિત થઈ શકે છે. આ સમયે તમને નવી નોકરીનો પ્રસ્તાવ મળી શકે છે.
ધન- આ રાશિના લોકોને હવે શનિદેવની અસીમ કૃપા મળવાની છે
આ રાશિના જાતકો માટે શનિ ધન અને પરાક્રમ ભાવના સ્વામી હોય છે. શનિનું ગોચર હવે તમારા ત્રીજા ભાવમાં તેમની મૂળ ત્રિકોણ રાશિમાં રહેશે. શનિદેવ ત્રીજા ભાવમાં બળવાન થઈને જાતકને શુભફળ આપે છે. શનિની દૃષ્ટિ તમારા પંચમ, ભાગ્ય અને બારમા ભાવ ઉપર પડી રહી છે. ધન રાશિના જાતકો સાડાસાતીના પ્રભાવમાં હતા, હવે તેમને શનિદેવની અસીમ કૃપા મળવાની છે. તમને હવે તમારા ભાગ્ય અને ગુરુનો સહયોગ મળશે. તમારું સાહસ અને પરાક્રમ વધશે. તમને આ ગોચરના ફળસ્વરૂપ વિદેશોથી ધનલાભ થશે. સરકારી નોકરીમાં તમને સફળતા મળતી જોવા મળી રહી છે. હવે તમારા પરિવાર અને ભાઈઓ સાથે સંબંધ સારા રહેશે. કામને લઈને કરવામાં આવતી યાત્રાઓ સફળ રહેશે. શનિદેવની કૃપાથી સંતાનપ્રાપ્તિ, નવા કામની શરૂઆત અને શેરબજારમાંથી ધનલાભ જેવા શુભફળ પ્રાપ્ત થશે. ઉચ્ચ શિક્ષા પ્રાપ્ત કરવાની દિશામાં આવી રહેલાં વિઘ્નો દૂર થશે.
મકર- ધનભાવમાં શનિનું ગોચર એકથી વધારે આવકના સ્ત્રોત શરૂ કરી શકે છે
આ રાશિના જાતકો માટે શનિ લગ્નેશ અને ધનભાવના સ્વામી હોય છે. શનિ હવે તમારા ધન સ્થાનમાં ગોચર કરશે. આ રાશિના જાતકો માટે હવે શનિની સાડાસાતીનું અંતિમ ચરણ શરૂ થઈ ગયું છે જે સારું ફળ આપનાર કહી શકાય છે. શનિની દૃષ્ટિ તમારા ચોથા, આઠમા અને એકાદશ ભાવ ઉપર પડી રહી છે. ધનભાવમાં શનિનું ગોચર એકથી વધારે આવકના સ્ત્રોત શરૂ કરી શકે છે. આ સમયે તમને નવા કામ શરૂ કરવા માટે પરિવારનો સહયોગ મળી શકે છે. ગુપ્ત વિદ્યા અને જ્યોતિષનો અભ્યાસ કરી રહેલાં જાતકોને હવે શનિની કૃપાથી સફળતા મળશે. તમને આ સમયે ગુપ્ત રીતે મદદ મળી શકે છે. શનિનું આ ગોચર તમને થોડો માનસિક કષ્ટ પણ આપી શકે છે. વેપારી વર્ગને આ સમયે શનિની કૃપાથી સારો નફો થઈ શકે છે.
કુંભ- શનિનું આ ગોચર તમારી અંદર છુપાયેલ શક્તિ સાથે તમને જોડશે
આ રાશિના જાતકો માટે શનિ દ્વાદશ અને લગ્ન ભાવના સ્વામી હોય છે. શનિ હવે તમારા લગ્નમાં જ ગોચર કરનાર રહેશે. કુંભ રાશિના જાતક વર્તમાનમાં શનિની સાડાસાતીના મધ્ય ચરણમાં છે. શનિની દૃષ્ટિ તમારા ત્રીજા એટલે પરાક્રમ ભાવ, સાતમા એટલે પત્ની ભાવ અને દશમા ભાવ એટલે કર્મ ભાવ ઉપર પડી રહી છે. શનિના આ ગોચરના કારણે તમારા સાહસમાં વધારો થશે. તમારે મહેનત વધારે કરવી પડશે. આ સમયે લગ્નની રાહ જોઈ રહેલાં જાતકોને સારા સમાચાર મળી શકે છે. પાર્ટનરશિપના કામમાં નફો મળવાની આશા છે. ભાઈ બહેનો વચ્ચે જો મનમુટાવ હશે તો તે આ સમયગાળા દરમિયાન દૂર થઈ જશે. કાર્ય સ્થળે તમારે સફળતા માટે હાલ ખૂબ જ કામ કરવું પડશે. જો રાજનીતિ સાથે જોડાયેલાં છો તો આ સમયે બોધપાઠ લઈને આગળ વધો. શનિનું આ ગોચર તમારી અંદર છુપાયેલ શક્તિ સાથે તમને જોડશે. જો વર્તમાનમાં લક્ષ્ય બનાવીને ચાલશો તો શનિદેવ તમને ચોક્કસ સફળતા આપશે.
મીન- શનિના આ ગોચરથી તમારી ખોટી યાત્રાઓ વધશે અને ધન ખર્ચ પણ થશે
આ રાશિના જાતકો માટે શનિ અગિયારમા અને બારમા ભાવના સ્વામી હોય છે. શનિ 17 જાન્યુઆરીએ તમારા વ્યય ભાવમાં જ ગોચર કરનાર છે. શનિના આ સંચરણથી મીન રાશિના જાતકો હવે શનિની સાડાસાતીના પહેલાં ચરણમાં પ્રવેશ કરી ચૂક્યા છે. શનિની દૃષ્ટિ તમારા બીજા, છઠ્ઠા અને નવમા ભાવ ઉપર રહેશે. શનિના આ ગોચરથી તમારી ખોટી યાત્રાઓ વધશે અને ધન ખર્ચ પણ થશે. કોઈ જૂના કોર્ટ કેસના કારણે કોર્ટના મામલાઓ ગુંચવાઈ શકે છે. કોઈના તરફથી તમારા ઉપર મોટો આરોપ લાગી શકે છે. વધારે ધન ખર્ચ થવાના કારણે ધનની ખોટ અનુભવ થઈ શકે છે. પરિવારમાં કોઈ નવા વિવાદનો જન્મ થઈ શકે છે. આ સમયે તમને થાક અનુભવ થઈ શકે છે. કોઈ જૂની બીમારીઓથી પરેશાન થઈ શકો છો. સરકારી નોકરીની તૈયારી કરી રહેલાં જાતકોને આ ગોચરકાળ દરમિયાન કોઈ વિઘ્નનો સામનો કરવો પડી શકે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.