• Home
  • Dharm Darshan
  • Jyotish
  • Surya Grahan Time Solar Eclipse Surya Grahan 26th December 2019: Surya Grahan (Time, Kab Hai, Kab Lagega, Ka Samay); Surya Grah, Budh, Guru, Saturn, Chandra and Ketu Is Entering Sagittarius

જ્યોતિષ / આજે સૂર્યગ્રહણ અને ધન રાશિમાં 6 ગ્રહોનો દુર્લભ સંયોગ બન્યો, 559 વર્ષ પછી આવો સંયોગ સર્જાયો

  • 296 વર્ષે સૂર્યગ્રહણ વખતે દુર્લભ સંયોગ બન્યો છે હવે નવા 2020માં 21 જૂને સૂર્યગ્રહણ થશે
  • ગ્રહણ વખતે માનસિક મંત્ર જાપ કરવો જોઈએ અને નકારાત્મક વિચારોથી દૂર રહેવું જોઈએ
  • આજે સૂર્ય, બુધ, ગુરુ, શનિ, ચંદ્ર અને કેતૂ ધન રાશિમાં રહેશે, 12 કલાક પહેલાં બુધવારે સાંજથી સૂતક લાગી જશે

Divyabhaskar.com

Dec 26, 2019, 10:34 AM IST

ધર્મ દર્શન ડેસ્ક- આજે ગુરુવાર, 26 ડિસેમ્બર 2019ના રોજ સૂર્યગ્રહણ છે. આ ગ્રહણ ભારતની મોટાભાગની જગ્યાએ ખંડગ્રાસ સૂર્યગ્રહણના રૂપમાં જોવા મળશે. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના જણાવ્યા પ્રમાણે ભારત સિવાય આ ગ્રહણ એશિયાના કેટલાક દેશ, આફ્રિકા, ઓસ્ટ્રેલિયામાં પણ જોવા મળશે. ભારતમાં ગ્રહણકાળ 2.52 કલાકનો રહેશે. સવારે 8.04 મિનિટે ગ્રહણ શરૂ થયું, 9.30 વાગ્યે ગ્રહણનો મધ્યકાળ રહ્યો અને સવારે 10.56 વાગ્યે ગ્રહણ પૂરું થશે. જ્યારે સૂર્યગ્રહણ થશે, ત્યારે ધન રાશિમાં એકસાથે 6 ગ્રહો ઉપસ્થિત રહેશે. આ દિવસે માગશર મહિનાની અમાસ તિથિ રહેશે. ગ્રહણ પછી પવિત્ર નદીઓમાં સ્નાન કરવાની પરંપરા છે. આ ગ્રહણ મુંબઈ, બેંગલૂરુ, દિલ્હી, ચેન્નેઈ, મૈસૂર, કન્યાકુમારી સહિત ભારતના અનેક શહેરોમાં પણ જોવા મળશે. ત્યારબાદ સૂર્યગ્રહણ 21 જૂન 2020માં થશે, આ ગ્રહણ પણ ભારતમાં જોવા મળશે. 26 ડિસેમ્બરના સૂર્યગ્રહણ પછી એક રાશિમાં 6 ગ્રહોની સાથે સૂર્યગ્રહણનો યોગ 559 વર્ષ પછી 2578માં સર્જાશે.

પ્રશ્ન- સૂર્યગ્રહણ ઉપર કયા-કયા દુર્લભ યોગ બની રહ્યા છે અને કેટલાં વર્ષો પછી આ યોગ બની રહ્યા છે?

જવાબ- કાશી હિન્દુ વિશ્વવિદ્યાલયના ડો. ગણેશ પ્રસાદ મિશ્રા જણાવે છે કે આ દુર્લભ સૂર્યગ્રહણ 296 વર્ષ પહેલાં 7 જાન્યુઆરી 1733ના રોજ થયું હતું. ત્યારબાદ હવે ગ્રહ-નક્ષત્રોની આવી સ્થિતિ 26 ડિસેમ્બરે રહેશે. 296 વર્ષ પછી દુર્લભ યોગ બની રહ્યો છે. આ દિવસે મૂળ નક્ષત્રમાં 4 ગ્રહો રહેશે. તો, ધનરાશિમાં સૂર્ય, ચંદ્ર, બુધ, ગુરુ, શનિ અને કેતૂ રહેશે. આ 6 ગ્રહો ઉપર રાહુનો પૂર્ણ દ્રષ્ટિ સંબંધ રહેશે. તેમાં 2 ગ્રહ અર્થાત્ બુધ અને ગુરુ ગ્રહ અસ્ત રહેશે. આ ગ્રહોની એક રાશિ પહેલાં(વૃશ્ચિકમાં) મંગળ અને એક રાશિ આગળ(મકરમાં) શુક્ર સ્થિત છે.

પ્રશ્ન- હવે ભવિષ્યમાં ક્યારે આવો સંયોગ બનશે?
જવાબ- પ. મનીષ શર્માના જણાવ્યા પ્રમાણે 26 ડિસેમ્બરે ધન રાશિમાં 6 ગ્રહોની યુતિની સાથે સૂર્યગ્રહણ થઈ રહ્યું છે, આ યોગ 296 વર્ષ પછી બન્યો છે. ગુરુવારે સૂર્ય, બુધ, ગુરુ, શનિ, ચંદ્ર અને કેતૂ ધન રાશિમાં રહેશે. રાહુની દ્રષ્ટિ રહેશે, મંગળ વૃશ્ચિકમાં અને શુક્ર મકર રાશિમાં રહેશે. આ પ્રકારે સૂર્યગ્રહણ 7 જાન્યુઆરી 1723ના રોજ 296 વર્ષ પહેલાં થયું હતું. હવે આવો યોગ 559 વર્ષ પછી 9/1/2578ના રોજ સર્જાશે. એ વખતે સૂર્ય, બુધ, ગુરુ, શનિ, ચંદ્ર અને કેતૂ ધન રાશિમાં રહેશે, રાહુની દ્રષ્ટિ સંબંધની સાથે સૂર્યગ્રહણ થશે.

પ્રશ્ન- સૂર્યગ્રહણ વખતે ધન રાશિમાં કયા-કયા 6 ગ્રહો રહેશે?

જવાબ- પં. શર્મા જણાવ્યા પ્રમાણે આ વર્ષનું છેલ્લું સૂર્યગ્રહણ મૂળ નક્ષત્ર અને ધન રાશિમાં થશે. ગ્રહણના સમયે સૂર્ય, બુધ, ગુરુ, શનિ, ચંદ્ર અને કેતૂ ધન રાશિમાં એકસાથે રહેશે. કેતૂના સ્વામિત્વવાળા નક્ષત્ર મૂળમાં ગ્રહણ યોગ અને નવાંશ કે મૂળ કુંડળીમાં કોઈ પ્રકારનો અનિષ્ટ યોગ નહીં હોવાને લીધે પ્રાકૃતિક નુકસાન થવાની શક્યતા નથી. આ વખતે સૂર્યગ્રહણ પહેલાં ચંદ્રગ્રહણ નથી થયું અને આગળ પણ ચંદ્રગ્રહણ નહીં થવાને લીધે પ્રાકૃતિક રીતે મોટા નુકસાન થવાની શક્યતા નથી. ગ્રહણનો પ્રભાવ મૂળ નક્ષત્ર અને ધન રાશિવાળા પર વધુ રહેશે.

પ્રશ્ન- સૂર્યગ્રહણનો સૂતકકાળ ક્યારે શરૂ થશે?

જવાબ- સૂર્યગ્રહણનો સૂતકકાળ ગ્રહણ પહેલાં 12 કલાક પહેલાં જ માનવામાં આવે છે. 25 ડિસેમ્બરની રાત્રે 8 વાગ્યાથી સૂતકકાળ શરૂ થઈ જશે, જે ગ્રહણના મોક્ષની સાથે સમાપ્ત થશે. ત્યારબાદ ઘરમાં અને મંદિરોમાં સાફ-સફાઈ કરવાની અને નદીઓમાં સ્નાન કરવાની પરંપરા છે.

પ્રશ્ન- શાસ્ત્રો પ્રમાણે ગ્રહણ શા માટે થાય છે?

જવાબ- પં. શર્મા પ્રમાણે પ્રાચીન સમયમાં સમુદ્ર મંથન થયું હતું. તેમાં દેવતાઓ અને દાનવોએ ભાગ લીધો હતો. જ્યારે સમુદ્ર મંથનમાંથી અમૃત બહાર આવ્યું ત્યારે અમૃત મેળવવા માટે દેવતાઓ અને દાનવો વચ્ચે યુદ્ધ થવા લાગ્યું. ત્યારે ભગવાન વિષ્ણુએ મોહિની અવતાર લીધો અને દેવતાઓને અમૃતપાન કરાવ્યું. તે સમયે રાહુ નામના અસુરે પણ દેવતાઓનો વેશ ધારણ કરીને અમૃતપાન કરી લીધું હતું. ચંદ્ર અને સૂર્યે રાહુને ઓળખી લીધો હતો અને ભગવાન વિષ્ણુને જણાવી દીધું હતું. વિષ્ણુજીએ ગુસ્સે થઇને રાહુનું માથું ધડથી અલગ કરી દીધું હતું. કેમ કે, રાહુએ પણ અમૃત પી લીધું હતું એટલે તેનું મૃત્યુ થયું નહીં. આ ઘટના બાદ રાહુ ચંદ્રદેવ અને સૂર્યદવેને દુશ્મન માને છે અને સમયે-સમયે આ ગ્રહોને ગ્રહણ લગાવે છે. જેથી આ ઘટનાને સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ કહેવામાં આવે છે.

પ્રશ્ન- વિજ્ઞાન પ્રમાણે સૂર્યગ્રહણ ક્યારે થાય છે?

જવાબ- જ્યારે પૃથ્વી ઉપર ચંદ્રનો પડછાયો પડે છે, ત્યારે સૂર્યગ્રહણ થાય છે આ દરમિયાન સૂર્ય, ચંદ્ર અને પૃથ્વી એક લાઈનમાં આવી જાય છે. પૃથ્વીના જે વિસ્તારમાં ચંદ્રનો પડછાયો પડે છે, ત્યાં સૂર્ય જોવા મળતો નથી, તેને જ સૂર્યગ્રહણ કહેવામાં આવે છે. સૂર્યગ્રહણને નરી આંખે જોવાનું ટાળવું જોઈએ, કારણ કે આ સમયે સૂર્યથી જે કિરણો નિકળે છે, તે આપણી આંખો માટે નુકસાનકારક હોય છે.

પ્રશ્ન- સૂર્યગ્રહણ વખતે કયા-કયા શુભ કામ કરી શકાય છે?

જવાબ- પં. શર્માના જણાવ્યા પ્રમાણે ગ્રહણ સમયે માત્ર મંત્ર જાપ કરવો જોઇએ. આ દરમિયાન પૂજા-પાઠ કરવા નહીં. ગ્રહણ સમાપ્તિ બાદ આખા ઘરની સફાઈ કરવી જોઇએ. ગ્રહણ પહેલાં ખાન-પાનની વસ્તુઓમાં તુલસીના પાન રાખવા જોઇએ. જેને લીધે ગ્રહણના નકારાત્મક કિરણોની અસર થતી નથી અને ભોજનની પવિત્રતા જળવાઈ રહે છે. ગ્રહણ પૂરું થયા પછી કોઈ પવિત્ર નદીમાં સ્નાન કરવું અને દાન-પુણ્ય કરવું જોઈએ. આ દિવસે અમાસ તિથિ રહેશે. એટલા માટે ગ્રહણ પછી પિતૃ દેવતાઓની પૂજા કરવી જોઈએ. આ તિથિએ પિતૃઓને તર્પણ અને શ્રાદ્ધ કર્મ કરવાની પરંપરા છે.

પ્રશ્ન- ગુરુવાર અને અમાસનો યોગ કેવું ફળ આપે છે?

જવાબ- જ્યોતિષના સંહિતા સ્કંધ પ્રમાણે, શુભ દિવસોમાં આવતી અમાસ શુભફળ આપે છે. 26 ડિસેમ્બર, ગુરુવારે માગસર મહિનાની અમાસનો સંયોગ પણ 3 વર્ષ બાદ બની રહ્યો છે. આ પહેલાં 29 ડિસેમ્બર 2016એ ગુરુવાર અને અમાસ હતી. તેની સાથે જ 296 વર્ષ પહેલાં થયેલાં સૂર્યગ્રહણના દિવસે પણ ગુરુવાર અને અમાસનો સંયોગ બન્યો હતો. આ સંયોગના પ્રભાવથી ગ્રહોની અશુભ સ્થિતિની અસર ઓછી થઇ જાય છે. તેનાથી સારી આર્થિક અને રાજનૈતિક સ્થિતિઓ બને છે.

સવાલઃ સૂર્યગ્રહણનો તમામ 12 રાશિઓ પર કેવો પ્રભાવ રહેશે?

જવાબઃ પં. શર્માના જણાવ્યા અનુસાર સૂર્યગ્રહણની તમામ 12 રાશિઓ પર અસર પડવાની છે. મેષ, વૃષભ, મિથુન, સિંહ, કન્યા, વૃશ્ચિક, ધન, મકર રાશિના લોકો માટે સૂર્યગ્રહણ અશુભ ફળ આપનારું સાબિત થશે. કર્ક, તુલા, કુંભ અને મીન રાશિ માટે ગ્રહણ શુભ રહેશે. આ લોકોને તેનો લાભ મળી શકે છે. જાણો, આ રાશિઓનું રાશિફળ...

-----------

મેષઃ આ રાશિ માટે નવમ રાશિમાં ગ્રહણ હશે. ભાગ્યની ઊણપ સર્જાઈ શકે છે. મદદ કરનારા તૈયાર હશે, પણ સમયના સંતુલનમાં ગરબડો સર્જાઈ શકે છે.

-----------

વૃષભઃ તમારા માટે અષ્ટમ રાશિમાં ગ્રહણ હશે. તમારે અત્યંત સાવધાન રહેવું પડશે. વાહન વગેરેમાં સાવચેતી રાખશો અને વિવાદોથી દૂર રહેવાનો પ્રયાસ કરશો.

-----------

મિથુનઃ મિથુન રાશિને સપ્તમ રાશિમાં ગ્રહણ હશે. પ્રેમમાં સમસ્યાઓ આવી શકે છે. દાંપત્ય જીવનમાં પણ તણાવ સર્જાઈ શકે છે.

-----------

કર્કઃ તમારા માટે ષષ્ઠમ રાશિમાં ગ્રહણ રહેશે. જાતને સંભાળવાનો સમય છે. મહેનતનું ફળ મળશે. શત્રુઓને પરાજિત કરવામાં સફળ થઈ શકો છો.

-----------

સિંહઃ પંચમ રાશિમાં ગ્રહણ હોવાને કારણે સંતાન સંબંધી ચિંતામાં વધારો થશે. નોકરીમાં તણાવ પેદા થઈ શકે છે. કાર્યસ્થળ પર વિવાદ સર્જાઈ શકે છે.

-----------

કન્યાઃ ચતુર્થ રાશિમાં ગ્રહણ થઈ રહ્યું છે, સુખમાં ઓટ લાવશે. અશુભ સમાચાર મળી શકે છે. સ્ટ્રેસમાં વધારો થશે.

-----------

તુલાઃ તૃતીય રાશિમાં ગ્રહણ થઈ રહ્યું છે. જૂના વિવાદો શાંત થશે. પરાક્રમ શ્રેષ્ઠ રહેશે. તમારી યોજનાઓ સફળ થઈ શકે છે.

-----------

વૃશ્ચિકઃ દ્વિતીય રાશિમાં ગ્રહણ થશે. સ્થાવર સંપત્તિ સંબંધી મુદ્દાઓમાં મુશ્કેલીઓ ઊભી થઈ શકે છે. ધનમાં ઘટાડો થશે અને ઉદાસી છવાયેલી રહેશે.

-----------

ધનઃ આ રાશિમાં એકસાથે છ ગ્રહો રહેશે અને ગ્રહણ થશે. ધીરજ રાખવાનો સમય છે. તમારી જાતને સંભાળો અને વિચારોમાં સમાનતા રાખો.

-----------

મકરઃ દ્વાદશ રાશિમાં ગ્રહણ. વ્યયમાં વધારો કરશે તથા બિનજરૂરી પરેશાનીઓ ઊભી કરશે. ઘરમાં ઉપયોગી વસ્તુઓ યોગ્ય રીતે કામ નહીં કરે.

-----------

કુંભઃ એકાદશ રાશિમાં ગ્રહણ આવકમાં વિઘ્ન ઊભું કરી શકે છે, પરંતુ મહેનતનું ફળ મળશે. પૂજા-પાઠમાં ચિત્ત ચોંટશે.

-----------

મીનઃ દશમ રાશિમાં ગ્રહણ કાર્યમાં વિઘ્નો લાવશે, પરંતુ જાતની સમજદારીથી તમામ મુશ્કેલીઓના ઉકેલ લાવી શકશો.

X

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી