ગ્રહ દશા / કુંડળીમાં મંગળ નિમ્નનો હોય તો શું થાય? વ્યક્તિના સ્વભાવ ઉપર તેની કેવી અસર થાય?

 Mangal grah rashi parivartan effects of neech mangal        

Divyabhaskar.com

Jun 21, 2019, 03:25 PM IST

ધર્મ ડેસ્ક : મંગળ એટલે સેનાપતિ, મંગળ એટલે ઊર્જાનો ભંડાર. મંગળ એટલે અતિ. જે બગાડે કે સુધારે તે અતિશય હોય. કોઈ પણ ગ્રહ સાથે બળવાન મંગળ હોય તો તેની એનર્જી તે ગ્રહને મળે છે. મંગળ મકર રાશિમાં ઉચ્ચત્વ પ્રાપ્ત કરે છે, તો કર્ક રાશિમાં નીચત્વ પ્રાપ્ત કરે છે. કર્ક રાશિ સાથેનો મંગળનો નાતો જુદો છે. આમ તો કર્ક રાશિ મંગળના મિત્રની રાશિ છે. કુંડળીમાં કર્ક લગ્ન હોય તો મંગળ યોગકારક બને છે, પરંતુ કર્ક રાશિમાં મંગળ હોય તો તે નીચનો (નિમ્ન) મંગળ કહેવાય. કુંડળીના ચોથા સ્થાનમાં પણ મંગળને સારો ગણવામાં નથી આવતો. ખાસ કરીને કુંડળી મેળાપ વખતે. જોકે, તેમાં મંગળની સ્થિતિ જોવી પડે. 22 જૂનના રોજ મંગળ કર્ક રાશિમાં પ્રેવેશ કરશે જે 9 ઓગસ્ટ સુધી ભ્રમણ કરશે.


આપણે વાત કરીએ કુંડળીમાં આવેલ નીચના મંગળની. કોઈ પણ ગ્રહ નીચનો બને ત્યારે તેના મૂળભૂત ગુણધર્મો કે લાભ વ્યક્તિને આપે નહીં. કુંડળીના જે સ્થાનમાં નીચ રાશિનો મંગળ હોય તે સ્થાનને લગતા પ્રશ્નો કે મુશ્કેલીઓનું સર્જન થાય. મંગળ એ એક કમાન્ડર, મર્દ ગ્રહ છે અને કર્ક રાશિ એ ભાવનાશીલ રાશિ છે. ઉપરાંત મંગળ અગ્નિ તત્વનો ગ્રહ છે અને કર્ક રાશિ જળ તત્વની રાશિ છે. આમ, મંગળ માટે આ રાશિ એક જુદું જ વાતાવરણ ઊભું કરે છે.


કર્ક રાશિનો મંગળ ધરાવતી વ્યક્તિઓનો સ્વભાવ સમાધાનકારી વલણવાળો હોય છે. તેઓ મહેનતુ હોય છે અને પોતાની મહત્વાકાંક્ષાઓ તરફ આગળ વધનારા હોય છે. ઘણીવાર તેઓ એક કામમાં જલદી કંટાળી જનાર અને તેને અધૂરું મૂકનાર પણ હોઈ શકે છે. ઘણી વાર તેઓ નિર્ણય લેવામાં મક્કમ નથી હોતા. મંગળ કર્ક રાશિમાં આવે ત્યારે પાણી સાથે જોડાયેલ રમતમાં વ્યક્તિને રસ હોઈ શકે છે. મંગળ કર્ક રાશિમાં હોય તેમાં પણ તેની જુદી જુદી અસરો હોય છે, કેમ કે કોઈ એક રાશિ પર ચાર ગ્રહોની અસર હોય છે. એક તો તે રાશિના માલિક ગ્રહની અને તે રાશિમાં આવેલ ત્રણ નક્ષત્રોના માલિક ગ્રહની.


કર્ક રાશિમાં પુનર્વસુ, પુષ્ય અને આશ્લેષા એમ ત્રણ નક્ષત્રો આવેલાં છે. કર્ક રાશિના માલિક ગ્રહ છે ચંદ્ર. પુનર્વસુ નક્ષત્રના માલિક ગ્રહ છે ગુરુ. મંગળ જ્યારે પુનર્વસુ નક્ષત્રમાં હોય, ત્યારે વ્યક્તિ પોતાના જ્ઞાનનો ખોટી જગ્યાએ ઉપયોગ કરે છે. જેમ કે, હેકર્સ, કોઈ પણ ક્ષેત્રના કાંડ અને તે પોતાના મિત્રો કે નજીકના લોકોને પણ તે શીખવે છે. પુષ્ય નક્ષત્રના માલિક ગ્રહ છે શનિ. આ નક્ષત્રમાં મંગળની સ્થિતિ ખૂબ નિયંત્રણમાં હોય છે. આવી વ્યક્તિઓ ખૂબ સાવચેતીપૂર્વક ચાલનારી હોય છે. ખાસ કરીને પોતાની નકારાત્મક બાબતોને લઈને. આશ્લેષા નક્ષત્રના માલિક ગ્રહ છે બુધ. આ નક્ષત્રમાં મંગળ વ્યક્તિને અધીરા બનાવે છે. નક્ષત્ર પ્રમાણે પણ કર્ક રાશિના મંગળની અસરો જુદી જુદી હોય છે.


કુંડળીમાં કયા સ્થાનમાં મંગળ આવેલ છે તેની પર પણ તેની અસરો રહેલી હોય છે. કુંડળીના દરેક સ્થાન જુદી જુદી બાબતોનો નિર્દેશ કરે છે. જે તે સ્થાનને લગતી બાબતો પર નીચના મંગળની નકારાત્મક અસરો રહેલી છે. જેમ કે, કુંડળીમાં ચોથા સ્થાનમાં આવેલ મંગળ વ્યક્તિને માતા સાથેના સંબંધોમાં મુશ્કેલીઓ આપે છે. જમીન, મકાન કે અન્ય મિલકતોને લઈને વિખવાદ સર્જે છે. ત્રીજા સ્થાનમાં નીચ રાશિનો મંગળ ભાઈભાંડું સાથેના સંબંધોમાં મુશ્કેલીઓ લાવે છે.

વ્યક્તિમાં સાહસ કરવાની હિંમત નથી હોતી. અન્ય સાથેની વાતચીત કે વ્યવહારમાં પણ તેઓ સ્પષ્ટ વક્તા નથી હોતા, અગર તો સામે વાળી વ્યક્તિને પોતાની વાતનું ખરાબ લાગશે તે ડરથી તેઓ તેમની વાત ખૂબ સારી રીતે જણાવે છે. આમ, જે સ્થાનમાં નીચ રાશિનો મંગળ આવેલ હોય તે સ્થાનને લગતી બાબતોમાં વિખવાદ, તે સ્થાનને લગતી બાબતોમાં ઉત્સાહનો અભાવ અને નકારાત્મકતાનું સર્જન જેવાં પરિણામો હોઈ શકે છે. ઉપરોક્ત બાબતો કર્ક રાશિના મંગળ માટે સર્વસામાન્ય છે. બાકી વ્યક્તિગત કુંડળીનો અભ્યાસ અને બધા જ ગ્રહોની સ્થિતિનો વિચાર કર્યા પછી તેની જાણકારી મેળવી શકાય છે.

(માહિતી : શ્રદ્ધા ગિરા, ગ્રહ જ્યોતિષ)

X
 Mangal grah rashi parivartan effects of neech mangal        
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી