ગ્રહ પરિવર્તન / મે મહિનામાં અંગારક યોગ સર્જાઈ રહ્યો છે, મિથુન રાશિમાં રાહુ અને મંગળની યુતિ મુશ્કેલી વધારશે

angarak yog 7 May 2019 rahu and Mangal yuti

divyabhaskar.com

Apr 29, 2019, 04:50 PM IST

ધર્મ ડેસ્ક: 7મી મેને મંગળવારના રોજ મંગળ મહારાજ રાશિ પરિવર્તન કરી રહ્યા છે. મંગળ મહારાજ શુક્રના ઘરની વૃષભ રાશિ છોડીને બુધના ઘરની વાયુ તત્વ રાશિ મિથુનમાં પ્રવેશ કરી રહ્યા છે. મિથુન રાશિમાં રાહુ મહારાજ સાથે મંગળ યુતિમાં આવશે. જે અંગારક યોગનું નિર્માણ કરશે. જ્યારે વક્રી પ્લુટો, વક્રી શનિ અને સદા વક્ર કેતુ સાથે પ્રતિયુતિમાં આવશે.


હાલમાં ગુરુના ઘરની અગ્નિ તત્વ ધનુ રાશિમાંથી શનિ-કેતુ અને પ્લુટો પસાર થઇ રહ્યા છે. ગોચર ગ્રહોની ડિઝાઇન જોઈએ તો 7મી મે 2019થી ક્રૂર ગ્રહો મંગળ-રાહુ અને શનિ-કેતુ-પ્લુટો યુતિ-પ્રતિયુતિમાં આવી રહ્યા છે. જે 22 જૂન 2019 સુધી રહેશે. આ યુતિ-પ્રતિયુતિનો પ્રભાવ સમગ્ર મે અને જૂન માસમાં જોવા મળશે. ખાસ કરીને આ યુતિ અગ્નિ તત્વ અને વાયુ તત્વમાં થતી હોય હવાઈ અકસ્માત, પ્લેન, મિસાઈલ, યુદ્ધ વિમાનોને લગતા અકસ્માત વગેરે આ બે માસમાં જોવા મળશે. વળી મંગળ-રાહુ-કેતુ શનિ બધા યુતિ પ્રતિયુતિમાં આવતા હોવાથી માર્ગ અને રેલ અકસ્માત પણ જોવા મળશે.


શનિ- પ્લુટો વક્રી છે અને રાહુ કેતુ તો હંમેશા વક્ર ગતિથી ચાલતા હોવાથી આ બે માસનો સમય સ્ફોટક સાબિત થતો જોવા મળશે. પ્લુટો વિશ્વ પર દૂરગામી અસર છોડનાર ગ્રહ હોઈ ભારતમાં ઘર આંગણે યોજાયેલ ચૂંટણીના પરિણામ જે ૨૩ મેના રોજ આવવાના છે, તેમાં પણ ઘણા સીમાચિહ્ન સ્થાપિત થતા જોવા મળે, વળી ચૂંટણી બાદ હિંસા અને આંદોલન થતા જોવા મળે. ભારતની કુંડળીમાં બીજા અને આઠમા સ્થાને થઇ રહેલી આ યુતિથી આતંકી ઘટનાઓમાં તેજી આવતી જોવા મળે. આ ઉપરાંત મંગળ જે સેના અને પોલીસ અને વિવિધ ફોર્સનો કારક છે તે પણ રાહુ શનિ કેતુ સાથે આવતો હોવાથી આતંકવાદીઓ સેના અને પોલીસ મથકોને મોટાપાયે ટાર્ગેટ કરવા કોશિશ કરી શકે છે.


પાડોશી દેશ પાકિસ્તાનની વાત કરીએ તો ત્રીજા અને નવમ ભાવમાં થતી આ યુતિ પાકિસ્તાન માટે કોઈ રીતે સારી નથી. પાકિસ્તાનમાં આંતરવિગ્રહ જેવી સ્થિતિ જોવા મળે તથા મોંઘવારી બેકાબુ બને અને ખુદ પાકિસ્તાનને પણ આતંકવાદનું ભોગ બનવું પડે, આ બે માસના સમયમાં ચીન ગુપ્ત રીતે પાકિસ્તાનની મદદ કરે અને પાકિસ્તાન સાથે ફરી યુદ્ધ જેવી તંગદિલી થતી જોવા મળે. વિશ્વમાં ફરી હથિયારોની બોલબાલા જોવા મળશે. ચીન પ્રત્યક્ષને પરોક્ષ બંને રીતે ભારતને પજવતું જોવા મળશે. જ્યારે પાકિસ્તાન તેના જોરે વધુને વધુ હિંમત કરતું જોવા મળશે. જો કે આપણા લશ્કરી દળો આ સમયમાં વાયુસેનાનો ઉપયોગ કરી વળતો મોટો પ્રહાર કરશે. ફરી પાકિસ્તાનની વાત કરીએ તો આ બે માસ પાકિસ્તાનને કોઈ રીતે અનુકૂળ નથી. વળી તેના વડાપ્રધાન ઇમરાન ખાન માટે પણ અનેક મુશ્કેલીઓ આ સમયમાં સર્જાતી જોવા મળશે.


ખાસ બીજી વાત એ પણ છે કે આ ગોચર ગ્રહોની અસરના કારણે વિશ્વના અનેક દેશને તકલીફ થતી જોવા મળે, તથા ઠેર ઠેર આતંકી ઘટના જોવા મળશે પણ એશિયાના દેશો એમાં વધુ હેરાન થતા જોવા મળે. આ સમયમાં કુદરતી આપદા ઓ સામે પણ તૈયાર રહેવું પડશે. આ સમયમાં ધરતીકંપનો વિશેષ ડર રહેશે તો સુનામી જેવી આપદાનો સામનો કરવો પડે. ખાસ ઇન્ડોનેશિયાને આ સમયમાં તકલીફ પડતી જોવા મળે છે.

આરબ કન્ટ્રીમાં પણ આ સમયમાં વિવિધ પ્રશ્નોથી પીડાતા જોવા મળી રહ્યા છે. પેટ્રોલિયમ પેદાશોના ભાવ વધતા જોવા મળશે. તો વિશ્વના અનેક દેશો એકબીજા સાથે લડાયક મૂડમાં આવતા જોવા મળશે. હથિયારોની હોડ જોવા મળશે.


સારી વાત એ પણ થશે કે સંશોધન ક્ષેત્રે પણ અનેક દેશ આગળ આવતા જોવા મળશે. ખાસ કરીને અવકાશ સંશોધન ક્ષેત્રે વિશ્વમાં ઘણા સફળ પ્રયોગ થતા જોવા મળશે. સેટેલાઇટથી લઇને મિસાઈલ ટેક્નોલોજી અને દૂરની ગ્રહમાળા વિષે જાણકારી આવતી જોવા મળશે. અગ્નિ તત્વમાં શનિ-કેતુ પ્લુટો અને મંગળ રાહુની દ્રષ્ટિ હોવાથી આ બે માસના ગાળામાં આગજનીના ખુબ બનાવો સામે આવતા જોવા મળશે. હવામાં અગ્નિ અને વિવિધ આગજનીના મોટા બનાવો બનતા જોવા મળશે. આ સમયમાં પાંચ તત્વો વચ્ચે અસન્તુલન બનતું જોવા મળશે.

મંગળ એ શરીરને અસર કરતો ગ્રહ છે. માટે આ સમયમાં તે શનિ-રાહુ-કેતુ સાથે આવતો હોવાથી કોઈ નવો વાઇરસ માનવ જાતને પરેશાન કરતો જોવા મળશે. જો કે મેડિકલ વિજ્ઞાન પણ આ સમયમાં હરણફાળ ભરતું જોવા મળશે. પરંતુ તેની સામે અનેક ચેલેન્જ આવતી જોવા મળશે. આ બે માસના ગાળામાં વિશ્વ કોઈ મોટા નેતા ગુમાવી શકે છે, તેવા પણ ગ્રહમાન સંકેત આપે છે. મંગળ ઉગ્ર ગ્રહ હોય અગ્નિતત્વની અસર હોવાથી આ વર્ષે તાપમાન પણ રેકોર્ડ બ્રેક કરતું જોવા મળશે.

અંગારક યોગ અને પાપ ગ્રહોની યુતિ-પ્રતિયુતિની વિપરીત અસર શેર બજાર પર પણ પડતી જોવા મળશે. વળી ખાસ એ વાત કે શનિ-રાહુ-કેતુ-મંગળ વૈવાહિક જીવન યોગ્ય રીતે ચાલવા દેતા નથી માટે આ સમયમાં છૂટાછેડાના હાઈ પ્રોફાઈલ કેસ સામે આવતા જોવા મળશે. સામાજિક જીવન તૂટતું જોવા મળે વળી પ્રજામાં વધુ ઉગ્રતાને રોષ જોવા મળશે. નાની નાની વાતમાં ઉશ્કેરાટ ખાસ કરીને અકસ્માત પછી થતી તકરારો પણ લોહિયાળ બનતી જોવા મળશે.

ઘણી જગ્યાએ માસ કિલિંગના બનાવ કોઈ મોટા કારણ વિના બનતા જોવા મળે. વિશ્વના અનેક દેશો આવી અચાનક બનતી લોહિયાળ ઘટનાથી પીડિત જોવા મળશે. આ સમયમાં આતંકી સંગઠનો પોતાનું નેટવર્ક નવા નવા દેશોમાં વિસ્તરતા જોવા મળે અને ગુરુ વક્રી હોવાથી ધર્મના નામે હિંસા થતી જોવા મળશે. અમેરિકા જેવા પ્રથમ હરોળના દેશ આ સમયમાં ખોટા નિર્ણય લેતા જોવા મળે વળી સમાધાનકારી વલણના અપનાવતા ઉગ્રતાથી આગળ વધતા જોવા મળે તથા વિશ્વના અનેક દેશો પોતાની વિદેશનીતિની ફેરવિચારણા કરતા જોવા મળશે. દરેક દેશ સબંધોના નવા સમીકરણો રચાતા જોવા મળશે.


(માહિતી : જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી).

X
angarak yog 7 May 2019 rahu and Mangal yuti
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી