નવરાત્રિનો ત્રીજો-ચોથો દિવસ:માતા ચંદ્રઘંટાની પૂજા કરવાથી વીરતા અને શક્તિ વધે છે અને માતા કુષ્માંડાની પૂજા કરવાથી ભય દૂર થાય છે

2 મહિનો પહેલા

આ વખતે આસો સુદ ત્રીજ તા. ૦9-10-2021 સવારે 07.50 સુધી રહેશે, પછી ચોથ શરૂ થાય છે, ચોથ તિથિ તા. 10-10-2021ના વહેલી સવારે: ૦4.58 સુધી છે. ઉદય કાળમાં ચોથ તિથિ ન રહેવાથી તિથિનો ક્ષય છે. માતા દુર્ગાની ત્રીજી શક્તિનું નામ ચંદ્રઘંટા છે. નવરાત્રિના ત્રીજા દિવસે તેમની પૂજા કરવામાં આવે છે. અસુરોના વિનાશ માટે માતા દુર્ગાથી દેવી ચંદ્રઘંટા તૃતીય સ્વરૂપમાં પ્રગટ થયા. દેવી ચંદ્રઘંટાને ભયંકર દૈત્ય સેનાનો સંહાર કરીને દેવતાઓને તેમનો હક અપાવ્યો હતો. ચંદ્રઘંટા માતા દુર્ગાનું જ શક્તિરૂપ છે. જે સંપૂર્ણ જગની પીડાનો નાશ કરે છે. દેવી ચંદ્રઘંટાની પૂજા કરવાથી ભક્તોને વાંછિત ફળ પ્રાપ્ત થાય છે. એટલા માટે જ ત્રીજા દિવસની પૂજાને અત્યધિક મહત્વપૂર્ણ માનવામાં આવી છે.

દેવીનું સ્વરૂપ-

દેવી ચંદ્રઘંટાનું શરીર સોનાની જેમ ક્રાંતિવાન છે. તેમના માથા પર ઘંટ આકારનો અર્ધચંદ્ર છે, એટલા માટે તેમને ચંદ્રઘંટા કહેવામાં આવે છે. તેમની દસ ભુજાઓ છે અને દસેય ભુજાઓમાં અસ્ત્ર-શસ્ત્ર છે. દેવીના હાથોમાં કમળ, ધનુષ-બાણ, કમંડળ, તલવાર, ત્રિશૂળ અને ગદા દેવા અસ્ત્ર ધારણ કરેલ છે. તેમના કંઠમાં સફેદ પુષ્પની માળા અને રત્નજડિત મુગટ શીર્ષ પર વિદ્યમાન છે. દંવી ચંદ્રઘંટા ભક્તોને અભય વરદાન આપનારી અને પરમ કલ્યાણકારી છે. તેમના રૂપ અને ગુણો પ્રમાણે આજે તેમની પૂજા કરવામાં આવશે.

ચંદ્રઘંટા શક્તિની પૂજા અને સાધનાથી મણિપુર ચંદ્ર જાગૃત થાય છે. તેમની પૂજા કરવાથી વીરતા-નિર્ભયતાની સાથે જ સૌભાગ્ય તથા વિનમ્રતાનો વિકાસ થાય છે. તેમની પૂજાથી મુખ, નેત્ર તથા સંપૂર્ણ કાયામાં ક્રાંતિ વધવા લાગે છે. સ્વર દિવ્ય અને મધુર થવા લાગે છે. માતા ચંદ્રઘંટાની પૂજા કરનારાઓને શાંતિ અને સુખનો અનુભવ થવા લાગે છે. માતા ચંદ્રઘંટાની કૃપાથી દરેક પ્રકારના પાપ અને બધા પ્રકારની બાધાઓ દૂર થઈ જાય છે. ભક્તોના કષ્ટોનું નિવારણ ઝડપથી થઈ જાય છે. દેવી ચંદ્રઘંટાની કૃપાથી પરાક્રમ વધે છે.

માતાને સુગંધ પ્રિય છે. તેમનું વાહન સિંહ છે. તેમની પૂજાથી અહંકાર દૂર થાય છે.

સરળ મંત્ર-: ॐ एं ह्रीं क्लीं चंद्रघंटायै नम:

માતા ચંદ્રઘંટાનો ઉપાસના મંત્ર-

पिण्डजप्रवरारूढा चण्डकोपास्त्रकैर्युता।

प्रसादं तनुते मह्यं चंद्रघण्टेति विश्रुता।।

મહામંત્ર-

'या देवी सर्वभूतेषु मां चंद्रघंटा रूपेण संस्थिता

नमस्तस्यै नसस्तस्यै नमस्तस्यै नमो नम:'

માતા ચંદ્રઘંટાનો બીજ મંત્ર - 'ऐं श्रीं शक्तयै नम:'

સરળ મંત્ર- : ॐ एं ह्रीं क्लीं

માતા દુર્ગાનું ચોથું સ્વરૂપ કુષ્માંડા-
દેવી ભાગવત પ્રમાણે કુષ્માંડા દેવીએ પોતાના ઉદરથી અંડ અર્થાત્ બ્રહ્માંડ ઉત્પન્ન કર્યું. તેને લીધે દુર્ગાના આ સ્વરૂપનું નામ કુષ્માંડા પડ્યું. જ્યારે ચારેય તરફથી અંધકાર છવાઈ ગયો હતો ત્યારે દેવી કુષ્માંડાએ જ પોતાના બ્રહ્માની શક્તિના રૂપમાં પોતાના ઉદરથી બ્રહ્માંડની રચના કરી હતી. તેમને જ સૃષ્ટિની આદિ સ્વરૂપા આદિ શક્તિ માનવામાં આવે છે. સૃષ્ટિની રચના કર્યા પછી તેમાં પ્રકાશ પણ તેમના કારણે જ આવ્યો છે. એટલા માટે તે સૂર્યલોકમાં નિવાસ કરે છે.

માતા કુષ્માંડાના દિવ્ય રૂપને માલપુઆનો ભોગ લગાવીને કોઈપણ દુર્ગા મંદિરમાં બ્રાહ્મણોને તેનો પ્રસાદ આપવો જોઈએ. તેનાથી માતાની કૃપા સ્વરૂપ તેમના ભક્તોને જ્ઞાનની પ્રાપ્તિ થાય છે, બુદ્ધિ અને કૌશલનો વિકાસ થાય છે. દેવીને લાલ વસ્ત્ર, લાલ પુષ્પ, લાલ બંગડી પણ અર્પિત કરવી જોઈએ. દેવી યોગ-ધ્યાનની દેવી પણ છે. દેવીનું આ સ્વરૂપ અન્નપૂર્ણાનું પણ છે. ઉદરાગ્નિને શાંત કરે છે. પૂજા કર્યા પછી દેવીના મંત્રનો જાપ કરવો જોઈએ.

કુષ્માંડા દેવીનો મંત્રઃसुरासम्पूर्णकलशं रुधिराप्लुतमेव च ।
दधाना हस्तपद्माभ्यां कूष्माण्डा शुभदाऽस्तु मे ॥

અર્થ- જે કળશ મદિરાથી ભરેલો છે, રૂધિર અર્થાત્ રક્તથી લથપથ છે. એવા કળશને માતા ભગવતીએ પોતાના બંને કર કમળોમાં ધારણ કર્યો છ. એવી માતા કુષ્માંડા મને શુભતા અર્થાત્ કલ્યાણ પ્રદાન કરો.

માતા કુષ્માંડાનું આવું સ્વરૂપ છે-કુષ્માંડા દેવીની આઠ ભુજાઓ છે, જેમાં કમંડળ, ધનુષ-બાણ, કમળ પુષ્પ, શંખ, ચક્ર, ગદા અને બધી સિદ્ધિઓને આપનારી જપમાળા છે. માતાની પાસે આ બધી વસ્તુઓ સિવાય હાથમાં કળશ પણ છે. જે સુરાથી ભરેલો છે અને રક્તથી લથપથ છે. તેમનું વાહન સિંહ છે અને તેમના આ સ્વરૂપની પૂજા કરવાથી ભયથી મુક્તિ મળે છે. તેમની ભક્તિથી આયુ, યશ અને આરોગ્યનો વધારો થાય છે.

પૂજાનું મહત્ત્વ-દેવી કુષ્માંડા ભય દૂર કરે છે. જીવનમાં બધા પ્રકારના ભયથી મુક્ત થઈને સુખથી જીવન વીતાવવા માટે દેવી કુષ્માંડાની પૂજા કરવામાં આવે છે. દેવી કુષ્માંડાની પૂજાથી આયુ, બળ, યશ અને સ્વાસ્થ્યમાં વધારો થાય છે. તેમની પૂજાથી દરેક પ્રકારના રોગ, શોક અને દોષ દૂર થઈજાય છે. કોઈ પ્રકારનો કલેશ પણ નથી થતો. દેવી કુષ્માંડાને કુષ્માંડા અર્થાત્ કોળાની બલી આપવામાં આવે છે. તેની બલીથી દરેક પ્રકારની પરેશાનીઓ દૂર થઈ જાય છે. કુષ્માંડાની પૂજાથી સમૃદ્ધિ અને તેજ પ્રાપ્ત થાય છે. તેમની પૂજાથી જીવનમાં વ્યાપ્ત અંધકાર દૂર થાય છે.