આજે કાળી ચૌદશ:ઉગ્ર દેવોની ઉપાસના કરવાથી આકસ્મિક મૃત્યુ ટળે છે, સાંજે 6.45 કલાકે દીપદાન કરવું ફળદાયી નીવડશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ભિક્ષુકને કાળા તલ, કપડા, અડદનું દાન કરવાથી તમામ અવરોધો દૂર થાય છે
  • કાળી ચૌદશ નિમિત્તે સૈયદપુરા મનોહર બાવાના ટેકરાના મહાકાળી મંદિરે સાંજે 7થી 10 વાગ્યા સુધી દર્શન થઈ શકશે

દિવાળી પર્વ નિમિત્તે આજે કાળી ચૌદશની ઉજવણી કરાશે. આવા દિવસે હનુમાનજી, શનિદેવ, ઘંટાકર્ણ મહાવીર, બટુકભૈરવ, નરસિંહ કાળભૈરવ, મહાકાળી, ઉગ્રદેવ, નવગ્રહ, યંત્ર કે રક્ષક દેવોની આરાધના-ઉપાસના કરવાથી તમામ પ્રકારના અવરોધો દૂર થાય છે. જ્યોતિષી આશિષ રાવલે જણાવ્યું હતું કે, આ દિવસે શ્રદ્ધા પૂર્વક પૂજા-પાઠ કરવાથી લાંબા સમયની માંદગીમાંથી રાહત મળે છે તેમજ આકસ્મિક મૃત્યુ કે અકસ્માત ટળે છે. સાંજે 6.45 વાગ્યા બાદ જપ, તપ, યજ્ઞ અને દીપદાન કરવાથી વિશેષ ફળદાયી નીવડશે.

કાળી ચૌદશના દિવસે ‘ઓમ નમો હનુમંતે નમઃ, ઓમ ઓમ રીમ બટુકાય નમઃ, ઓમ શં શનીશચારાય નમઃ’ મંત્રનો જાપ કરવાથી વિશેષ ફળની પ્રાપ્તિ થાય છે. તે ઉપંરાત કાળા તલ, કપડા, અડદ, દેશી ચણા, શિંગોડાના પાન ભિક્ષુકોને આપવાથી સંકટ દૂર થાય છે. નાના બાળકોને નજરથી બચવવા કાળી દોરીમાં માદળિયું બનાવી મંત્રોચ્ચાર કરી પહેરાવી શકાય. એ સાથે જ જે પરિવારમાં લાંબા સમયથી માંદગી રહેતી હોય તેમણે સંધ્યા સમયે તલના તેલનો દીવો કરી અખંડ રાખવો જોઈએ.

કાળી ચૌદશના દિવસે ગ્રહ ગોચરનો પ્રભાવ એવો જોવા મળે છે કે, ગમે તે વ્યક્તિની ભારે નજર લાગેલી હોય, ધંધામાં રૂકાવટ હોય, લાંબી માંદગી હોય કે કોઈપણ કામમાં બરકત ન આવતી હોય તો આજે રાત્રે અડદની દાળના વડા કે ચણાના લોટના ભજીયા બનાવીને આખા ઘરમાંથી નજર ઉતારી પાણીનો લોટો ભરી ચાર રસ્તે મુકી તેની ફરતે પાણીનું ગોળ કુંડાળું કરવાથી ચોક્કસ રાહત જણાશે.

સાંજે દક્ષિણ દિશામાં દીવો પ્રગટાવવો-કાળી ચૌદશના દિવસે મૃત્યુના દેવતા યમરાજની પૂજા દીપદાન સાથે કરવામાં આવે છે. આજે સાંજે યમરાજ માટે ઘરની દક્ષિણ દિશામાં દીવો પ્રગટાવવો જોઈએ. માન્યતા છે કે આવું કરવાથી તે ઘરમાં રહેતા લોકો ઉપર યમરાજ પ્રસન્ન થાય છે અને પરિવારના લોકોમાં અકાળ મૃત્યુનો ભય રહેતો નથી.

1. સ્કંદ પુરાણ પ્રમાણે-
कार्तिकस्यासिते पक्षे त्रयोदश्यां निशामुखे।

यमदीपं बहिर्दद्यादपमृत्युर्विनिश्यति ।।

અર્થ- આસો મહિનાના વદ પક્ષની તેરસ અને ચૌદશ તિથિએ સંધ્યાકાળમાં ઘરની બહાર યમદેવ માટે દીવો પ્રગટાવવાથી અકાળ મૃત્યુનો ભય રહેતો નથી. એટલે આવું કરવાથી અસમય મૃત્યુથી બચી શકાય છે.

યમદેવતા માટે દીપદાન કઈ રીતે કરવું-

  • યમદેવતાને નિમિત્ત દીપદાન પ્રદોષ કાળમાં કરવું જોઈએ. તેના માટે ઘઉંના લોટનો દીવો બનાવવો.
  • રૂ લઈને બે લાંબી દિવેટ બનાવો. તેને દીવામાં એકબીજાની ક્રોસમાં રાખી જો. જેથી દીવાની બહાર દિવેટના ચાર મુખ જોવા મળે.
  • દીવાને તલના તેલથી ભરવો અને તેમાં થોડા કાળા તલ પણ રાખવાં. પ્રદોષ કાળમાં દીવાનું નાડાછડી, ચોખા અને ફૂલથી પૂજન કરવું.
  • ઘરના મુખ્ય દ્વારની બહાર થોડા ઘઉંની ઢગલી બનાવીને તેના ઉપર દીવો રાખવો જોઈએ. તેને દક્ષિણ દિશા તરફ રાખવો. કેમ કે તે યમની દિશા માનવામાં આવે છે.

આ લેખની સંપૂર્ણ માહિતી અમદાવાદના જ્યોતિષી આશિષ રાવલ(ashishrawal13677@gmail.com) દ્વારા જણાવવામાં આવી છે.