ઉપાસના:ભાઈબીજના દિવસે યમરાજ અને ચિત્રગુપ્તની પૂજા સાથે જ બહેનના ઘરે જઈને ભોજન કરવાની પરંપરા છે

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

શનિવાર, 6 નવેમ્બરના રોજ ભાઈબીજ છે. આજે પાંચ દિવસનો દિપોત્સવ પૂર્ણ થઈ જશે. ભાઈબીજના દિવસે બહેનના ઘરે ભોજન કરવાની પરંપરા છે. માન્યતા છે કે આ દિવસે બહેન પોતાના ભાઈની લાંબી ઉંમર, સૌભાગ્ય અને સારા સ્વાસ્થ્ય માટે યમરાજ અને ચિત્રગુપ્તને પ્રાર્થના કરે છે.

ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના જણાવ્યા પ્રમાણે પ્રાચીન સમયમાં કારતક મહિનાના સુદ પક્ષની બીજ તિથિએ યમુનાએ પોતાના ભાઈ યમરાજને પોતાના ઘરે બોલાવ્યાં અને ભોજન કરાવ્યું હતું. યમુનાના સત્કારથી પ્રસન્ન થઈને યમરાજે વરદાન આપ્યું હતું કે જે વ્યક્તિ આ તિથિએ યમુના નદીમાં સ્નાન કરશે અને યમરાજની પૂજા કરશે તેને બધી પરેશાનીઓથી મુક્તિ મળી જશે અને સૌભાગ્ય વધશે. આ કારણે ભાઈબીજના દિવસે યમુનામાં સ્નાન કરવાનું ખાસ મહત્ત્વ છે.

ભાઈ અને બહેને એકસાથે પૂજા કરવી જોઈએ-
બહેન અને ભાઈને યમરાજ સાથે જ ચિત્રગુપ્તની પણ વિધિ-વિધાનથી પૂજા કરવી જોઈએ. પૂજામાં બહેનને પ્રાર્થના કરવી જોઈએ કે માર્કણ્ડેય, હનુમાન, બલિ, પરશુરામ, વ્યાસ, વિભીષણ, કૃપાચાર્ય અને અશ્વત્થામા, આ આઠ ચિરંજીવિઓની જેમ મારા ભાઈને પણ ચિરંજીવી થવાનું વરદાન આપો. આ પ્રકારે પૂજામાં બહેન પોતાના ભાઈની લાંબી ઉંમર અને સૌભાગ્યની પ્રાર્થના કરે છે. પૂજા પછી ભાઈ બહેનના ઘરે ભોજન કરે છે. ભોજન કર્યા પછી બહેન ભાઈને તિલક લગાવે છે. ભાઈ બહેનને કોઈ ભેટ આપે છે.

યમુના નદીમાં સ્નાન કરવું શક્ય ન હોય તો ઘરના જ પાણીમાં યમુના નદી કે ગંગા નદીનું જળ મિક્સ કરવું અને પવિત્ર નદીનું ધ્યાન કરીને સ્નાન કરવું. સ્નાન કર્યા પછી યમરાજ અને યમુનાની પૂજા કરવી જોઈએ.