નવરાત્રિમાં દેવીના નવ સ્વરૂપોની પૂજાની પરંપરા છે. માર્કંડેય પુરાણમાં શૈલપુત્રીથી લઇને સિદ્ધિદાત્રી સુધી 9 દેવીઓ ઉલ્લેખવામાં આવી છે. નવરાત્રિમાં આ દેવીઓની વિશેષ પૂજા કરવાથી દરેક પ્રકારની તકલીફ અને દુઃખ દૂર થઇ જાય છે. કાશીના જ્યોતિષાચાર્ય પં. ગણેશ મિશ્રના જણાવ્યાં પ્રમાણે દરેક દેવીનું નામ તેમના ખાસ સ્વરૂપ પ્રમાણે અને દેવીનું સ્વરૂપ તેમની શક્તિ પ્રમાણે છે. એટલે નવરાત્રિમાં દરેક દેવીની પૂજા માટે એક ખાસ દિવસ નક્કી કરવામાં આવે છે. જેનાથી દરેક દેવીની વિશેષ પૂજાનું અલગ ફળ મળે છે.
પં. મિશ્રના જણાવ્યાં પ્રમાણે દેવી શૈલપુત્રીની પૂજાથી શક્તિ મળે છે. ત્યાં જ, બ્રહ્મચારિણી દેવીની પૂજાથી પ્રસિદ્ધિ, ચંદ્રઘંટાની પૂજાથી એકાગ્રતા, કુષ્માંડાથી દયા, સ્કંદમાતાથી સફળતા અને કાત્યાયની દેવીની પૂજાથી કામકાજમાં આવી રહેલાં વિઘ્નો દૂર થાય છે. સાથે જ દેવી કાળરાત્રિની પૂજાથી દુશ્મનો ઉપર વિજય પ્રાપ્ત થાય છે, મહાગૌરીથી ઉન્નતિ, સુખ, એશ્વર્ય અને સિદ્ધિદાત્રી દેવીની પૂજા કરવાથી મનોકામનાઓ પૂર્ણ થાય છે.
માર્કંડેય પુરાણમાં નવ દેવીઓનો શ્લોક-
प्रथमं शैलपुत्री च द्वितीयं ब्रह्मचारिणी। तृतीयं चन्द्रघण्टेति कूष्माण्डेति चतुर्थकम्।।
पंचमं स्कन्दमातेति षष्ठं कात्यायनीति च। सप्तमं कालरात्रि महागौरीति चाष्टमम्।।
नवमं सिद्धिदात्री च नवदुर्गाः प्रकीर्तिताः। उक्तान्येतानि नामानि ब्रह्मणैव महात्मना।।
દેવી શૈલપુત્રીઃ- માતા દુર્ગાનું પ્રથમ સ્વરૂપ શૈલપુત્રીના નામથી પ્રસિદ્ધ છે. તેમણે પર્વતરાજ શ્રી હિમાલયને ત્યાં જન્મ લીધો. એટલે તેમનું નામ શૈલપુત્રી થયું. તેમનું વાહન વૃષભ એટલે બળદ છે, તેમણે જમણાં હાથમાં ત્રિશૂળ અને ડાબા હાથમાં પદ્મ એટલે કમળ ધારણ કરેલું છે.
દેવી બ્રહ્મચારિણીઃ- માતા દુર્ગાના બીજા સ્વરૂપમાં દેવી બ્રહ્મચારિણીની પૂજા કરવામાં આવે છે. માર્કંડેય પુરાણ પ્રમાણે તેમણે અનેક વર્ષો સુધી કઠોર તપ અને પોતાની શક્તિઓથી રાક્ષસોનો નાશ કર્યો. આ દેવી કૃપા અને દયાની મૂર્તિ છે. તેમના જમણાં હાથમાં માળા તથા ડાબા હાથમાં કમંડળ રહે છે.
દેવી ચંદ્રઘંટાઃ- માતા શક્તિના ત્રીજા સ્વરૂપને ચંદ્રઘંટાના નામથી ઓળખવામાં આવે છે. આ દેવી પોતાના ભક્તોને અભય વરદાન આપનારી તથા પરમ કલ્યાણકારી છે. તે દુષ્ટ શક્તિઓને નષ્ટ કરીને ધર્મની રક્ષા કરે છે. તેમના મસ્તક ઉપર ઘંટ સ્વરૂપે અડધો ચંદ્ર છે. જેથી તે ચંદ્રઘંટાના નામે પ્રસિદ્ધ છે. તે પોતાના દસ હાથમાં ખડગ વગેરે અસ્ત્રોને ધારણ કરેલ છે તથા સિંહ ઉપર સવાર છે. તેઓ ભયાનક ઘંટના નાદ માત્રથી દુશ્મનો અને દૈત્યોનો વધ કરે છે.
દેવી કૂષ્માંડાઃ- દુર્ગાજીના ચોથા સ્વરૂપમાં દેવી કૂષ્માંડાની પૂજા કરવામાં આવે છે. તે સૂર્યલોકમાં વાસ કરે છે અને તેમનું તેજ ખૂબ જ વધારે છે. અખિલ બ્રહ્માંડની જનની હોવાના કારણે તેમને કૂષ્માંડા કહેવામાં આવે છે. તેમની આઠ ભૂજાઓ છે. જેમાં ભક્તોની રક્ષા માટે કમંડળ, ધનુષ, બાણ, કમળ, ફૂલ, અમૃત કળશ, ચક્ર અને ગદા છે. તેમની સવારી સિંહ છે અને તેઓ પોતાના ભક્તોના દુશ્મન, રોગ, દુઃખ અને ભયને દૂર કરે છે.
દેવી સ્કંદમાતાઃ- દેવી જગદંબાનું પાંચમું સ્વરૂપ સ્કંદમાતા છે. તે ભગવાન કાર્તિકેય એટલે સ્કંદની માતા છે. તે જમણાં હાથની નીચે રહેલાં હાથમાં ભગવાન સ્કંદને ખોળામાં લઇને વિરાજમાન છે. તેમના હાથમાં કમળનું ફૂલ છે અને તે વરદાન આપતી મુદ્રામાં છે અને ભક્તોનો મનગમતું ફળ આપે છે.
દેવી કાત્યાયનીઃ- દેવી દુર્ગાનું છઠ્ઠું સ્વરૂપ કાત્યાયની છે. તે મહિષાસુરનું મર્દન કરનારી છે. આ રૂપ ત્રિદેવો એટલે બ્રહ્મા, વિષ્ણુ અને શિવજીના અંશથી પ્રકટ થયું છે. દેવી કાત્યાયનીની પૂજા સૌથી પહેલાં મહર્ષિ કાત્યાયને કરી હતી, ત્યારથી તે કાત્યાયની નામથી પ્રસિદ્ધ છે. તેમને ચાર હાથ છે. તેમના હાથ અભય મુદ્રામાં અને વરમુદ્રામાં છે. તેમની ભુજાઓમાં તલવાર અને કમળના ફૂલ છે. તેમની સવારી વાઘ છે અને તે પોતાના ભક્તોને ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આપે છે.
દેવી કાળરાત્રિઃ- દેવી કાળરાત્રિ મા ભગવતીનું સાતમું સ્વરૂપ છે. ભક્તોની રક્ષા માટે દેવી દુર્ગા ભયાનક કાળરાત્રિના સ્વરૂપમાં પ્રકટ થયાં હતાં. તેમના ચાર હાથ અને ત્રણ આંખ છે. તેમનો રંગ કાળો છે. તે ભયંકર અને ઉગ્ર સ્વરૂપમાં છે. તેમના નાકથી આગ પ્રકટ થાય છે. તેઓ ગધેડાની સવારી કરે છે. તેમની પૂજા કરવાથી દરેક પ્રકારના દુઃખ દૂર થાય છે.
દેવી મહાગૌરીઃ- માતા શક્તિના આઠમાં સ્વરૂપની પૂજા મહાગૌરી સ્વરૂપમાં થાય છે. તે ચંદ્ર અને કુંદના ફૂલની જેમ ગોરી છે. એટલે જ તેમને મહાગૌરી કહેવામાં આવે છે. તેમના ચાર હાથ છે. તેમની સવારી બળદ છે. તેઓ અભયમુદ્રા, વરમુદ્રા, ત્રિશૂળ અને ડમરૂને પોતાના હાથમાં ધારણ કરેલ છે. તેમણે કઠોર તપથી ભગવાન શંકરને પ્રાપ્ત કર્યાં હતાં. તેમની પૂજાથી મનોવાંછિત ફળ મળે છે.
દેવી સિદ્ધિદાત્રીઃ- જગદંબા દુર્ગાનું નવમું સ્વરૂપ દેવી સિદ્ધિદાત્રી છે. તે બધી સિદ્ધિઓને આપનાર છે. દેવી સિદ્ધિદાત્રી ચાર હાથ ધરાવે છે. તે કમળના આસન ઉપર વિરાજિત છે અને પોતાના હાથમાં ચક્ર, ગદા, શંખ અને કમળ ધારણ કરે છે. આ સર્વસિદ્ધિ આપનારી અને દુઃખોને દૂર કરનારી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.