18 ઓક્ટોબરના રોજ મંગળવાર અને પુષ્ય નક્ષત્રનો યોગ હોવાથી મંગળ પુષ્ય રહેશે. આ ખરીદીનો શુભયોગ છે. આ દિવસે કરવામાં આવતી પૂજા અક્ષય પુણ્ય આપનારી માનવામાં આવે છે. મંગળવારે હનુમાનજી સામે દીવો પ્રગટાવીને હનુમાન ચાલીસાનો પાઠ કરો.
ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના જણાવ્યા પ્રમાણે મંગળ પુષ્યના દિવસે મંગળ ગ્રહ માટે ખાસ પૂજા કરવી જોઈએ. દર મંગળવારે મંગળના જન્મ સ્થાન ઉજ્જૈનમાં મંગલનાથ મંદિર અને અંગારેશ્વર મહાદેવ મંદિરમાં અનેક ભક્તો મંગળદેવની પૂજા કરવા પહોંચે છે. મંગળવારે પુષ્ય નક્ષત્ર હોવાથી આ દિવસનું મહત્ત્વ વધી ગયું છે. જે લોકોની કુંડળીમાં મંગળ ગ્રહને લગતા દોષ છે, તેમના માટે આ એક શુભ અવસર છે.
શિવલિંગ સ્વરૂપમાં મંગળની પૂજા કરવામાં આવે છે.
મંગળ ગ્રહની પૂજા શિવલિંગ સ્વરૂપમાં કરવામાં આવે છે. મંગળ ગ્રહને લાલ વસ્તુઓ ખાસ ચઢાવવામાં આવે છે- જેમ કે, લાલ વસ્ત્ર, લાલ ગુલાલ, લાલ ફૂલ, લાલ મસૂર વગેરે. આ ગ્રહની પૂજામાં મંગળના મંત્ર ૐ અં અંગારકાય નમઃ મંત્રનો જાપ કરવો જોઈએ.
જ્યોતિષમાં મંગળને ગ્રહોના સેનાપતિ માનવામાં આવ્યાં છે. આ ગ્રહ મેષ અને વૃશ્ચિક રાશિનો સ્વામી છે. કુંડળીમાં આ ગ્રહની સ્થિતિ યોગ્ય ન હોય તો વ્યક્તિમાં આત્મવિશ્વાસ અને સાહસની ઉણપ રહે છે. આ સિવાય પારિવારિક સંબંધોમાં પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. મંગળ પુષ્યના દિવસે કરવામાં આવતી મંગળ પૂજાથી આ સમસ્યાઓની અસર ઓછી થાય છે.
મંગળ માટે ભાત પૂજા કરવામાં આવે છે
ઉજ્જૈનના મંગલનાથ મંદિર અને અંગારેશ્વર મહાદેવ મંદિરમાં મંગળ ગ્રહની ભાત પૂજા કરવામાં આવે છે. આ પૂજામાં પકવેલાં ચોખાથી શિવલિંગનો શ્રૃંગાર કરવામાં આવે છે અને વિધિવત પૂજન કરવામાં આવે છે. માન્યતા છે કે આ પૂજાથી કુંડળીના મંગળ દોષ શાંત થઈ જાય છે.
મંગળ પુષ્યના દિવસે કઇ-કઇ વસ્તુઓ ખરીદી શકાય છે
મોટાભાગે મંગળ પુષ્યના દિવસે સોનું-ચાંદી, વાહન, વાસણ, ઘર માટે અન્ય જરૂરી વસ્તુઓ, કપડા વગેરે ખરીદવાની પરંપરા છે. સાથે જ, આ દિવસે નવા ઘર માટે બુકિંગ પણ કરી શકાય છે.
આ દિવસે દાન-પુણ્ય કરવાનું પણ મહત્ત્વ ખૂબ જ વધારે છે. જરૂરિયાતમંદ લોકોને પોતાની શક્તિ પ્રમાણે અનાજ, ધન, કપડાં, બૂટ-ચપ્પલ વગેરેનું દાન કરવું જોઈએ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.