ॐ स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः।स्वस्ति नः पूषा विश्ववेदाः।
स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः।स्वस्ति नो ब्रिहस्पतिर्दधातु ॥
ॐ शान्तिः शान्तिः शान्तिः ॥
યજુર્વેદ 25/19
અર્થાત્- હે પુરાતન અને સુવિખ્યાત ઇન્દ્ર! સર્વજ્ઞ એવા સૂર્ય! સર્વે ઉપદ્રવોથી અમારું રક્ષણ કરતા શીઘ્ર ગતિમંત વાયુ! તેમજ અમારી આધ્યાત્મિક સંપત્તિના સંરક્ષક એવા બૃહસ્પતિ! શાસ્ત્રોને સમજવાનું બૌદ્ધિક સામર્થ્ય અને ઉપદેશોને અનુસરવા માટે વીરોચિત હૃદય અમને પ્રાપ્ત થાય એવા આશિષ અમારા પર વરસાવો.
ભારતીય સંસ્કૃતિની વિશેષતા રહી છે. આપણે પ્રકૃતિ દ્વારા નિમિત્ત તમામ તત્ત્વો, રસાયણો, વનસ્પતિ, જીવ અને ભૌગોલિકતાનો આદર કરી એમાં રહેલા મહાન ગુણોથી મનુષ્યજીવનને પરોપકારી બનાવવા માટે પ્રેરિત કરીએ છે, જે સ્પષ્ટ રીતે આપણે આપણા વેદો અને શાસ્ત્રોમાં રહેલાં મંત્રો અને કથનો દ્વારા જાણી શકીએ છીએ, સાથે જ ભારતીય પરંપરામાં જેટલાં પણ ધર્મચિહ્ન અને શુભાંકોનું નિર્માણ થયું છે એ આ સમગ્ર પ્રકૃતિ અને ધર્મ તથા વિજ્ઞાનના સમન્વયથી થયેલું છે. તો આજે આપણે આવા જ એક ભારતીય સંસ્કૃતિના મહાન પ્રતીક ચિહ્ન સ્વસ્તિક વિશે વાત કરીશું.
स्वस्तिक क्षेम कायति, इति स्वस्तिकः
અર્થાત્- કુશળતા અને કલ્યાણનું પ્રતીક જ સ્વસ્તિક છે.
સ્વસ્તિક શબ્દ એ સુ+અસના મિશ્રણથી બનેલો છે, જેમાં સુનો અર્થ શુભ કે કલ્યાણ અને અસનો અર્થ કરનાર કે કર્તા થાય છે, એટલે એનો સંપૂર્ણ અર્થ કલ્યાણ કરનાર થાય છે. ભારતીય સંસ્કૃતિની આ પરંપરા રહી છે કે સ્વસ્તિકવાચન વિના કોઈપણ શુભ કાર્ય કે યજ્ઞ-પૂજા આદિ ધર્મ કાર્યોની શરૂઆત થતી નથી. ઉપરાંત સ્વસ્તિક ચિહ્ન વિના કોઈપણ માંગલિક અને ધાર્મિક કાર્યનો પ્રારંભ થતો નથી.
મંગળકર્તા સ્વસ્તિકનું ચિહન આપણી સભ્યતામાં સમગ્ર શુભ કાર્યોની શરૂઆતમાં સ્થાપિત કરવામાં આવે છે. પછી એ વિઘ્નહર્તા ગણપતિજીની ઉપાસનામાં ધન, વૈભવ અને ઐશ્વર્યની દેવી લક્ષ્મીજી અને શુભ-લાભ સાથે સ્વસ્તિકની પૂજા કરવામાં આવે છે. વેપારી પોતાના નવા વર્ષના ચોપડાના પૂજનમાં સ્વસ્તિકને સ્થાપિત કરી આગામી વર્ષમાં પ્રગતિ અને કલ્યાણની કામના કરે છે. જ્યોતિષીઓ નવી કુંડળી બનાવતી વખતે જાતકનું જીવન કલ્યાણમય અને શુભ બને એની કામના સાથે સ્વસ્તિકનું ચિહ્ન પ્રથમ અંકિત કરે છે.
"स नः पितेव सूनवेऽग्ने सूपायनो भव। सचस्वा नः स्वस्तये।।"
અર્થાત્- હે જ્ઞાન સ્વરૂપ પરમેશ્વર! જેવી રીતે પુત્ર માટે પિતા (સુખકર પદાર્થોની પ્રાપ્તિ કરાવનાર), એવી રીતે આપ અમારા માટે સુખદાયક પદાર્થોની પ્રાપ્તિ કરાવનાર થાઓ અને અમારું કલ્યાણ કરો.
સ્વસ્તિકની આકૃતિ
સ્વસ્તિકમાં રહેલી ચાર ભુજા વિવિધ તત્ત્વોનું સૂચન કરે છે, જેમાં સૌપ્રથમ ચતુર્દિશા- પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણનું સૂચન કરે છે. ચાર પુરુષાર્થ ધર્મ, અર્થ, કામ અને મોક્ષનું પણ સૂચન કરે છે. ચાર યુગ- સતયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ અને કળિયુગનું સૂચન પણ કરે છે. આપણા ચતુર્વેદ એટલે ઋગ્વેદ, સામવેદ, યજુર્વેદ, અથર્વવેદનું પણ સૂચન કરે છે. આ સિવાય મનુષ્ય જીવનના તબક્કા એટલે કે બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ, સંન્યાશ્રમને પણ દર્શાવે છે. ઉપરાંત વિષ્ણુ ભગવાનની ચતુર્ભુજમાં રહેલાં આયુધ એટલે શંખ, ચક્ર, ગદા અને યજ્ઞના પણ સૂચક છે.
આ કલ્યાણ કરનાર સ્વસ્તિકના ચિહ્નમાં ભુજાના અંતે રહેલી ચાર રેખા ઇન્દ્ર, બ્રહ્મા, સૂર્ય અને વિષ્ણુ ભગવાન પાસેથી મળતા આશિષનું સૂચન કરે છે, સાથે જ અંદર રહેલા ચારબિંદુ એ સૂર્ય, ચંદ્ર, પૃથ્વી અને બ્રહ્માંડના સૂચક મનાય છે. મનુષ્યના શરીરમાં રહેલાં મૂલાધાર અને મણિપૂર ચક્રને સ્વસ્તિક સાથે સરખાવવામાં આવે છે.
स्वस्ति पन्थामनु चरेम सूर्याचन्द्रमसाविव।
पुनर्ददताघ्नता जानता सङ्गमेमहि।।
અર્થાત્- હે ઇશ્વર! જેવી રીતે સૂર્ય અને ચંદ્ર કોઈપણ ઉપદ્રવ વિના સંસારમાં વિચરણ કરે છે એવી રીતે અમે, સંસાર-માર્ગમાં આનંદથી વિચરીએ. વળી, મદદ આપનાર કોઈને પણ દુઃખ આપીએ નહીં, જ્ઞાન સંપન્ન, બુદ્ધિશાળી બંધુઓ વગેરે સાથે અમે જોડાઇને ધર્મના માર્ગે ચાલીએ.
ક્રમશઃ
આ લેખની સંપૂર્ણ માહિતી અમદાવાદના જ્યોતિષી અનુજ પંડ્યા(modernsage108@gmail.com) દ્વારા જણાવવામાં આવી છે
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.