ભારતીય સંસ્કૃતિમાં મકરસંક્રાંતિના તહેવારનું વિશેષ મહત્ત્વ રહેલું છે. આમ તો વર્ષ દરમિયાન બાર સંક્રાંતિ આવતી હોય છે, પરંતુ જાન્યુઆરીમાં આવતી ‘મકરસંક્રાંતિ’નું વિશેષ મહત્ત્વ છે. કારણ કે સૂર્ય આ દિવસે રાશિ પરિવર્તન કરે છે અર્થાત્ ધનુમાંથી મકર રાશિમાં પ્રવેશ કરે છે. આ સાથે સૂર્ય દક્ષિણ આયનમાંથી ઉત્તરાયણમાં આગળ વધશે. આમ તો મકરસંક્રાંતિ બાદ સ્નાન કરી સૂર્યદેવની ઉપાસના કરી દાન-પુણ્ય કરી ધાર્મિક કાર્ય કરવાનો મહિમા રહેલો છે. પરંતુ આ દાન પુણ્યમાં કાળાતલ તેમજ ગોળના દાનનું ખાસ મહત્વ છે. ચાલો તો આ દાન પાછળ રહેલી પૌરાણિક કથા વિશે જાણીએ.
પૌરાણિક કથા
પૌરાણિક કથા અનુસાર સૂર્યદેવના વિવાહ સંજ્ઞા સાથે થયા હતા. આ લગ્નથી તેમણે વૈવત્સ્યમનુ યમ અને યમુના એમ ત્રણ સંતાન થયા હતા. પરંતુ સંજ્ઞા પતિ સૂર્યદેવની ઉર્જા તેમજ તેજ સહન કરી થાકી ચૂક્યાં હતા. જેથી તેમણે પોતાની એક છાયાની રચના કરાવી, જે આબેહૂબ તેના જેવી જ દેખાતી હતી. જેને સૂર્યદેવના બીજા પત્ની તરીકે ઓળખવામાં આવે છે. શનિદેવ છાયા તેમજ સૂર્યદેવના પુત્ર છે. સૂર્યદેવે જ્યારે પ્રથમ વખત પુત્ર શનિને જોયો, ત્યારે શનિ સૂર્યદેવના તેજને ઝીલી ન શક્યો અને તેણે આંખો બંધ કરી દીધી. છાયાપુત્ર હોવાના કારણે તેમનો રંગ શ્યામ હતો. જેથી સૂર્યદેવે પોતાના પુત્ર તરીકે શનિને સ્વીકારવાની ના પાડી દીધી અને પોતાનાથી દૂર કરી દીધા.
શનિદેવ સાથે થયેલા આવા કઠોર વર્તનને કારણે પોતાના પિતા સૂર્યદેવને કુષ્ઠ રોગ (કોઢ)થી પીડાવાનો શાપ આપ્યો. પરંતુ યમરાજથી પિતાની આ પીડા જોઈ શકાઈ નહીં. તેથી તેમણે કઠોર તપસ્યા કરી પિતાને રોગમુક્ત કર્યા. પિતા સૂર્યદેવ રોગમુક્ત થતાંની સાથે જ પુત્ર શનિ પર કોપાયમાન થયા અને કુંભ રાશિ એટલે કે શનિના ઘરને પોતાના તેજથી ભસ્મ કરી નાંખ્યું. ત્યારબાદ યમરાજના સમજાવવાથી પિતા સૂર્યદેવનો ક્રોધ શાંત થયો અને તે પુત્ર શનિના ઘરે તેને મળવા ગયા. પરંતુ ભસ્મીભૂત થયેલા ઘરમાં કાળા તલ સિવાય કંઈ જ બચ્યું નહોતું. ત્યારે મહેમાન તરીકે આવેલા પિતાનું સ્વાગત શનિએ કાળા તલથી કર્યું. આ જોઈ પિતા સૂર્યદેવ પ્રસન્ન થયા અને શનિને મકર રાશિ એટલે કે નવું ઘર આપ્યું. આ સાથે જ પિતા સૂર્યદેવે પણ ગોળથી શનિનું મોઢું મીઠું કરાવ્યું અને તેના ન્યાયપ્રિયતાના ગુણોની પ્રસંશા કરી. સૂર્યદેવે કહ્યું કે, ‘આમ જે પણ મારી કાળા તલ દ્વારા ઉપાસના કરશે, તેને મારા આશીર્વાદ પ્રાપ્ત થશે અને શનિ પણ સત્કર્મોના શુભ ફળ આપશે.’
દરવર્ષે આવતા મકરસંક્રાંતિના તહેવારમાં આ વર્ષે નવીનતમ વિશેષતા એ છે કે, અત્યારે બ્રહ્માંડીય સ્થિતિની વાત કરીએ તો શનિ પોતાનું ઘર મકરમાં બિરાજમાન છે. સૂર્ય પણ 14 જાન્યુઆરીના દિવસે બપોરે 2.29 વાગ્યે મકર રાશિમાં પ્રવેશ કરશે. એટલે આ સમયગાળો પિતા-પુત્રના મિલનનો રહેશે. આ સાથે જ મકરસંક્રાંતિની શરૂઆત થઈ ગણાશે. સ્વાભાવિક રીતે સૂર્ય શનિની સાથે જ એક જ ઘરમાં તેમજ અત્યંત નજીક હોવાને કારણે શનિ અસ્તનો થશે. અર્થાત્ 19 જાન્યુઆરીથી 19 ફેબ્રુઆરી સુધી શનિની અસરો નહિવત્ થશે. ધનુ, મકર અને કુંભ રાશિના જાતકો જેમને હાલ શનિની પનોતી ચાલે છે, તેમના માટે આ સમયગાળો રાહતપૂર્ણ બની રહેશે.
આ લેખની સંપૂર્ણ માહિતી અમદાવાદના જ્યોતિષી અનુજ પંડ્યા(modernsage108@gmail.com) દ્વારા જણાવવામાં આવી છે
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.