હિંદુ ધર્મમાં યજ્ઞની પરંપરા વૈદિક કાળથી ચાલી રહી છે. હિંદુ ધર્મ ગ્રંથોમાં મનોકામના પૂર્તિ તથા અનિષ્ટને ટાળવા માટે યજ્ઞ કરવાના અનેક પ્રસંગ મળે છે. રામાયણ અને મહાભારતમાં એવા અનેક રાજાઓનું વર્ણન મળે છે, જેમણે અનેક યજ્ઞ કર્યાં છે. દેવતાઓને પ્રસન્ન કરવા માટે પણ યજ્ઞ કરવાની પરંપરા છે. શાસ્ત્રો પ્રમાણે યજ્ઞની રચના સૌપ્રથમ પરમપિતા બ્રહ્માએ કરી હતી. યજ્ઞનું સંપૂર્ણ વર્ણન વેદોમાં મળે છે.
યજ્ઞનું બીજું નામ અગ્નિ પૂજા છે. યજ્ઞથી દેવતાઓને પ્રસન્ન કરી શકાય છે સાથે જ મનગમતું ફળ પણ પ્રાપ્ત કરી શકાય છે. બ્રહ્માએ મનુષ્ય સાથે જ યજ્ઞની પણ રચના કરી અને મનુષ્યને જણાવ્યું કે, આ યજ્ઞ દ્વારા જ તમારી ઉન્નતિ થશે. યજ્ઞ તમારી ઇચ્છિત કામનાઓ, જરૂરિયાતોને પૂર્ણ કરશે. તમે યજ્ઞ દ્વારા દેવતાઓને પ્રસન્ન કરો, તેઓ તમારી ઉન્નતિ કરશે. ધર્મ ગ્રંથોમાં અગ્નિને ઈશ્વરનું મુખ માનવામાં આવે છે. તેમા જે આહૂતિ આપવામાં આવે છે, હકીકતમાં તે બ્રહ્મભોજ છે. યજ્ઞના મુખમાં આહૂતિ આપવી, પરમાત્માને ભોજન કરાવવા સમાન છે. યજ્ઞમાં દેવતાઓની આવભગત થાય છે. ધર્મ ગ્રંથોમાં યજ્ઞનો ખૂબ જ મહિમા ગાવામાં આવ્યો છે. વેદમાં પણ યજ્ઞનો વિષય મુખ્ય છે. યજ્ઞથી ભગવાન પ્રસન્ન થાય છે.
યજ્ઞ સાથે જોડાયેલું વિજ્ઞાનઃ-
યજ્ઞ એક મહત્ત્વપૂર્ણ વિજ્ઞાન છે. તેમાં જે વૃક્ષની સામગ્રીઓનો ઉપયોગ કરવામાં આવે છે, તેમાં વિશેષ પ્રકારના ગુણ હોય છે. કેવા પ્રયોગ માટે કયા પ્રકારની સામગ્રી હોમવામાં આવે છે, તેનું પણ વિજ્ઞાન છે. તે વસ્તુઓના મિશ્રણથી એક વિશેષ ગુણ તૈયાર થાય છે, જે બળવાથી વાયુમંડળમાં વિશિષ્ટ પ્રભાવ પેદા કરે છે. વેદ મંત્રોના ઉચ્ચારણની શક્તિથી તે પ્રભાવમાં વધારો થાય છે. જે વ્યક્તિ તે યજ્ઞમાં સામેલ થાય છે, તેના ઉપર તથા વાયુમંડળ ઉપર તેનો મોટો પ્રભાવ પડે છે. વૈજ્ઞાનિકો અત્યાર સુધી કૃત્રિમ વરસાદ લાવવામાં સફળ થયા નથી, પરંતુ યજ્ઞ દ્વારા વર્ષાનો પ્રયોગ સફળ થાય છે. વ્યાપક સુખ-સમૃદ્ધિ, વર્ષા, આરોગ્ય, શાંતિ માટે મોટા યજ્ઞોની જરૂરિયાત પડે છે, પરંતુ નાના હવન પણ પોતાની સીમા અને મર્યાદાની અંદર વ્યક્તિને લાભ આપે છે.
હવન અને યજ્ઞમાં શું ફરક હોય છેઃ-
હવન, યજ્ઞનું એક નાનું સ્વરૂપ છે. કોઇપણ પૂજા કે જાપ વગેરે પછી અગ્નિમાં આપવામાં આવતી આહુતિની પ્રક્રિયા હવન સ્વરૂપે પ્રચલિત છે. યજ્ઞ કોઇ ખાસ ઉદેશ્યથી દેવતા વિશેષને આપવામાં આવતી આહુતિ છે. તેમાં દેવતા, આહુતિ, વેદ મંત્ર, ઋત્વિક, દક્ષિણા જરૂરી હોય છે. હવન હિંદુ ધર્મમાં શુદ્ધિકરણનું એક કર્મકાંડ છે. કુંડમાં અગ્નિના માધ્યમથી દેવતાની નજીક હવિ(ભોજન) પહોંચાડવાની પ્રક્રિયાને હવન કહેવામાં આવે છે.
હવિ, હવ્ય કે હવિષ્ય તે પદાર્થ છે, જેની અગ્નિમાં આહુતિ આપવામાં આવે છે. હવન કુંડમાં અગ્નિ પ્રજ્જવલિત કર્યા પછી આ પવિત્ર અગ્નિમાં ફળ, મધ, ઘી, લાકડું વગેરે પદાર્થોની આહુતિ મુખ્ય છે. એવું માનવામાં આવે છે કે જો તમારી આસપાસ કોઇ ખરાબ આત્માનો પ્રભાવ હોય તો હવન પ્રક્રિયા તેનાથી તમને મુક્તિ અપાવે છે. શુભકામનાઓ, સ્વાસ્થ્ય તથા સમૃદ્ધિ વગેરે માટે પણ હવન કરવામાં આવે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.