આસો મહિનાના વદ પક્ષની આઠમ તિથિએ અહોયી આઠમનું વ્રત કરવામાં આવે છે. આ વખતે આ તિથિ 17 ઓક્ટોબર, સોમવારના રોજ છે. માન્યતા છે કે આ વ્રત કરવાથી સંતાનની ઉંમર લાંબી થાય છે અને સ્વાસ્થ્ય પણ સારું રહે છે. મહિલાઓ પોતાના બાળકોના સારા સ્વાસ્થ્ય અને લાંબી ઉંમર માટે અનેક વ્રત કરે છે. અહોયી આઠમ પણ આવું જ એક વ્રત છે. આ વ્રત આસો મહિનાના વદ પક્ષની આઠમ તિથિએ કરવામાં આવે છે. આ વખતે આ વ્રત 17 ઓક્ટોબર, સોમવારે કરવામાં આવશે. જે મહિલાઓના કોઈ બાળક નથી તેઓ પણ આ વ્રત યોગ્ય સંતાન પ્રાપ્તિની ઇચ્છા સાથે કરે છે. આ વ્રત દેશભરમાં કરવામાં આવે છે, પરંતુ મુખ્ય રીતે ઉત્તર ભારતમાં તેની માન્યતા વધારે છે.
અહોયી માતા કોણ છે?
અહોયીનો અર્થ અનહોનીને પણ બદલવું થાય છે. અહોયી માતાની પૂજા એટલાં માટે કરવામાં આવે છે કેમ કે જીવનમાં આવતી અનિચ્છનીય ઘટનાઓને બદલી શકાય. અહોયી માતાની પ્રતિકૃતિ ગોબરથી ઘરની દીવાલ ઉપર બનાવવામાં આવે છે. જોકે, બજારમાં કાગળ ઉપર બનેલી અહોયી માતાની પ્રતિકૃતિ સરળતાથી મળી જાય છે. આ પ્રતિકૃતિમાં આઠ કોષ્ટકનું એક પૂતળું બનાવવામાં આવે છે. તેની પાસે સાહુડી તથા તેના બાળકોની આકૃતિઓ બનાવવામાં આવે છે.
આ વ્રત અશુભને શુભમાં ફેરવે છે
અહોયી આઠમ વ્રતને કાલાષ્ટમી તરીકે પણ ઓળખવામાં આવે છે. અહોયી શબ્દનો અર્થ છે- અશુભને શુભમાં પરિવર્તિત કરવા માટેની શુભ તિથિ. ઉલ્લેખનીય છે કે માતા પાર્વતીમાં અનિચ્છનીય ઘટનાને ટાળવાની શક્તિ છે, તેથી જ આ દિવસે મહિલાઓ માતા પાર્વતીના દિવ્ય સ્વરૂપ અહોયી માતાની સંપૂર્ણ ભક્તિ સાથે પૂજા કરે છે અને યોગ્ય સંતાનની ઈચ્છા સાથે તેમના આશીર્વાદ માટે પ્રાર્થના કરે છે.
અહોયી આઠમ વ્રતની પૂજા વિધિ
અહોયી આઠમના દિવસે, જ્યારે સૂર્યાસ્ત પછી તારા દેખાવા લાગે છે ત્યારે મહિલાઓ અહોયી માતાની પૂજા કરવાનું શરૂ કરે છે, આખો દિવસ આદર અને શ્રદ્ધા સાથે ઉપવાસ રાખે છે. આ માટે સૌપ્રથમ પેપરને દિવાલ પર લટકાવીને તેના પર અહોયી માતાનું ચિત્ર દોરો. જો તમારી પાસે તૈયાર ચિત્ર હોય, તો તેને લટકાવી દો. આ પછી, લાકડાનું ટેબલ અથવા બાજોટ મૂકીને અને તેના ઉપર પાણી ભરેલો કળશ મૂકીને સ્વસ્તિક બનાવો. તે પછી, દિવાલ ઉપર આઠ ખૂણાઓવાળા પૂતળા ચિહ્નિત થયેલ છે. આ પૂતળા પાસે સાહુડી અને તેના બાળકો બનાવવામાં આવે છે. આ પછી કંકુ, ચોખા, ફૂલ, નાડાછડી વગેરેથી અહોયી માતાની પૂજા કરો. પૂજા કર્યા પછી ખીર, શીરો વગેરેનો નૈવેદ્ય ધરાવો. જો તમે ઇચ્છો તો અહોયી માતાને આઠ માલપુઆ પણ અર્પણ કરી શકો છો. આ પછી જમણા હાથમાં ઘઉંના સાત દાણા લઈને શુદ્ધ ચિત્તે અહોયી આઠમની કથા સાંભળો. કથા પછી એક લોટો પાણી લઈને ચંદ્રદેવને અર્પણ કરો. આ પછી તમારા ઘરનાં વડીલોના આશીર્વાદ મેળવો.
આ મંત્રથી પુત્ર પ્રાપ્તિની મનોકામના પૂર્ણ થશે
જો તમે સ્વસ્થ અને સુંદર પુત્ર મેળવવા ઈચ્છો છો, તો તમારે અહોયી આઠમના દિવસે વ્રત રાખતી વખતે 'ૐ પાર્વતીપ્રિયાનંદનાય નમઃ'ની 11 માળા કરવી જોઈએ. ત્યારપછી આ મંત્રને 45 દિવસ સુધી પૂર્ણ ભક્તિ અને પવિત્ર ભાવનાથી કરો. એવું માનવામાં આવે છે કે આ ઉપાય કરવાથી પુણ્યશાળી પુત્રની મનોકામના પૂર્ણ થાય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.