ધનારક કમુહૂર્તા શરૂ:કમુહૂર્તા એટલે શું? આ મહિનાની પૌરાણિક કથા અને તેનું મહત્ત્વ શું છે? 1 મહિના સુધી કેવાં કાર્યો વર્જિત રહેશે?

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
 • કમુહૂર્તા દરમિયાન 21 ડિસેમ્બરે ગુરુ અને શનિ એકબીજાની એકદમ નજીક રહેશે
 • આ મહિનામાં સૂર્યદેવ અને શ્રીકૃષ્ણની ઉપાસનાથી લાભ પ્રાપ્ત થાય છે. પવિત્ર નદીઓમાં સ્નાનથી અનેક રોગ દૂર થાય છે

14 ડિસેમ્બરથી કમુહૂર્તા શરૂ થઇ ગયા છે. હવે 1 મહિના સુધી એટલે કે 14 જાન્યુઆરી 2021 સુધી માંગલિક કાર્યો થઇ શકશે નહીં. જ્યારે સૂર્યદેવ ગુરુની રાશિ ધન કે મીનમાં વિરાજિત થાય છે ત્યારે ધનુર્માસ, ખરમાસ એટલે કે કમુહૂર્તા શરૂ થાય છે. આ મહિનામાં કોઇપણ પ્રકારના માંગલિક કાર્ય, લગ્ન વગેરે જેવા કાર્યો અથવા સંસ્કાર કરવામાં આવતાં નથી.

ગ્રહ મંડળમાં સૂર્યદેવ જગતનો આત્મા છે. સૂર્યના પ્રકાશ વડે જ જગતને આધાર મળી રહે છે. સૂર્યનાં ખૂબ મહત્ત્વને કારણે આપણે તેને દેવ ભગવાન તરીકે પૂજીએ છીએ. જ્યોતિષશાસ્ત્રમાં સૂર્ય સંક્રાંતિ પ્રવેશ કુંડળી અને સૂર્ય સાથે યુતિ કરતાં ગ્રહોના શુભ અશુભ યોગોનો અભ્યાસ કરી તે દ્વારા ભવિષ્યમાં આવનાર સંકેતની વિચારણા કરી શકાય. તા. 14.12.20 સૂર્ય (અગ્નિ તત્ત્વની) ધનુ રાશિમાં પ્રવેશ કરે છે. જે ગુરુની રાશિ છે. અને તા. 13.01.20 સુધી આ રાશિમાં રહેશે. 14/01/2021 થી કમૂહુર્તા ઊતરી જાય છે.

આ દરમિયાન સૂર્ય, બુધ, મંગળ અને પ્લુટો રાશિ પરિવર્તન કરી રહ્યા છે. 15મીથી સૂર્ય અગ્નિતત્ત્વની ધનુ રાશિમાં પ્રવેશ કરશે ધાર્મિક રીતે જોતાં ગુરુની આ રાશિના પ્રવેશ બાદ ધનુર્માસ અથવા ખરમાસ કહેવાશે અને શુભ કાર્યો વર્જિત થશે. 17મીએ બુધ પણ ધનુ રાશિમાં જશે અને પ્લુટો પણ 29મી સુધી ધનુમાં રહેશે. 24મીથી મંગળનો રાશિ પ્રવેશ પોતાનાં ઘરની મેષ રાશિમાં થશે.

આ મહિનામાં માંગલિક કામ કેમ કરવામાં આવતાં નથી?
વર્ષમાં સૂર્યની 12 સંક્રાંતિઓ હોય છે. આ બાર રાશિઓ ઉપર સૂર્યની સ્થિતિ રહે છે. દરેક એક મહિના સુધી એક રાશિમાં રહ્યા પછી સૂર્ય બીજી રાશિમાં પ્રવેશ કરે છે. તેમાં બે સંક્રાંતિઓમાં સૂર્ય ગુરુની રાશિમાં રહે છે. ધન અને મીન ગુરુની રાશિઓ છે. જ્યોતિષી આશિષ રાવલના જણાવ્યા પ્રમાણે જ્યારે સૂર્યની સ્થિતિ ગુરુની રાશિમાં હોય છે ત્યારે ગુરુનું તેજ પૂર્ણ થઇ જાય છે. માંગલિક કાર્યો માટે ત્રણ ગ્રહોના બળની જરૂરિયાત હોય છે. જેમાં સૂર્ય, ચંદ્ર અને ગુરુનો સમાવેશ થાય છે. તેમાં કોઇપણ ગ્રહના બળમાં ન્યનતા હોવાથી માંગલિક કાર્ય અટકી જાય છે. ખરમાસના મહિનામાં ગુરુના બળહીન હોવાથી બધાં જ શુભ કાર્ય વર્જિત રહે છે.

આ કામ કરવાં નહીં
ગૃહ પ્રવેશ, લગ્ન જેવાં બધા જ કાર્યો તથા મુંડન, જનોઈ સંસ્કાર, દીક્ષાગ્રહણ, કર્ણવેધ સંસ્કાર (કાન વીંધવા), પહેલીવાર તીર્થયાત્રાએ જવું, દેવ સ્થાપન, દેવાલય શરૂ કરવું, મૂર્તિ સ્થાપના, કોઇ વિશિષ્ટ યંત્રની શરૂઆત વગેરે જેવાં કાર્યો ખરમાસમાં કરવામાં આવતાં નથી.

આ મહિનામાં ભગવાન સૂર્ય તથા શ્રીકૃષ્ણની પૂજા

 • અર્ચના કરવી જોઇએઃ ખરમાસમાં સૂર્યની ગતિ મંદ થવા લાગે છે. એટલે આ મહિનામાં સૂર્યદેવ અને શ્રીકૃષ્ણની ઉપાસનાથી વિશેષ લાભ પ્રાપ્ત થાય છે. ખરમાસમાં પવિત્ર નદીઓમાં સ્નાનથી અનેક રોગ દૂર થાય છે. આ મહિનામાં આવતી એકાદશી વ્રત કરવાથી દરેક પ્રકારની બાધાઓ દૂર થઇ જાય છે. તેનાથી વિશેષ નોમ તિથિએ કન્યાઓને ભોજન કરાવીને ભેટ આપવાથી બધાં જ વિઘ્નો દૂર થાય છે.

ખરમાસમાં આ કામ જરૂર કરો

 • ખરમાસમાં સૂર્યોદય પહેલાં જાગવું. સ્નાન વગેરે કરીને ભગવાનનું સ્મરણ કરવું.
 • બ્રાહ્મણ, ગુરુ, ગાય તથા સાધુ-સંન્યાસીઓની સેવા કરવી.
 • સૂર્યદેવની ઉપાસના કરવી જોઇએ.
 • ભગવાન વિષ્ણુની પૂજા વિશેષ લાભદાયી માનવામાં આવે છે.
 • શ્રીકૃષ્ણની ઉપાસના અને સૂર્યદેવની પૂજા કરવાથી વિશેષ લાભ પ્રાપ્ત થશે.
 • પવિત્ર નદીઓમાં સ્નાન કરવાથી અનેક પ્રકારના રોગથી મુક્તિ મળે છે.
 • આ મહિનામાં ધાર્મિક યાત્રા કરવાને શ્રેષ્ઠ માનવામાં આવે છે.

કમુરતાં વિશે અધ્યયન
કમુરતાં ત્યારે ગણાય છે જયારે સૂર્ય ગુરુની રાશિમાં હોય(ધન રાશિમાં ધનારક તેમજ મીન રાશિમાં મીનાર્ક કમુરતાં) અને ગુરુ સૂર્યની રાશિમાં હોય (જેને આપણે સિંહસ્થ ગુરુ કહીએ છીએ).

સૂર્ય અને ગુરુ બંને મિત્ર છે તો પછી કમુરતાં કેમ?
તો આપણે જાણ્યું કે ગુરુ એટલે અધ્યાત્મ, જ્ઞાન અને સૂર્ય તે આત્માનો કારક છે. તો આ સમય સામાજિક કાર્યોથી થોડું દૂર રહી આત્માની સદગતિ માટે છે. આત્મચિંતન, ભક્તિ, જ્ઞાન તેમજ જીવનનું સત્ય જાણવા માટે આ સમય ઉત્તમ છે. માટે આ સમયમાં ભાગવત કથા, પારાયણ, સવારે ભજન કીર્તન માટે સભા, વગેરે કરવામાં આવે છે. આ સમય ખૂબ જ સાત્ત્વિક હોય છે. માટે તેનો ઉપયોગ આધ્યાત્મિક ઉન્નતિ માટે કરવો જોઈએ. આજ સમયમાં માગશર મહિનો આવે છે. ભગવાન શ્રીકૃષ્ણએ અર્જુનને ગીતા પણ આ જ ગાળામાં કહી હતી.

ખરમાસની પૌરાણિક કથા
પૌરાણિક ગ્રંથો પ્રમાણે ભગવાન સૂર્ય સાત ઘોડા ઉપર સવાર થઇને બ્રહ્માંડની પરિક્રમા કરે છે. તેમને ક્યારેય અટકવાની મંજૂરી નથી કેમ કે, તેમના અટકી જવાથી જનજીવન અટકી જાય છે. એકવાર તેમના રથ સાથે જોડાયેલા ઘોડા સતત ચાલવા અને આરામ ન મળવાના કારણે ભૂખ્યા-તરસ્યા થાકી ગયા. તેમની આ દશા જોઇને સૂર્યદેવ દુઃખી થઇ ગયા. ભગવાન સૂર્ય તેમને એક તળાવના કિનારે આરામ કરવા માટે લઇ ગયા, પરંતુ તેમને ત્યારે જ આભાસ થયો કે જો રથ અટકી ગયો તો અનર્થ થઈ જશે. પરંતુ ઘોડાઓનું સૌભાગ્ય હતું કે તળાવના કિનારે બે ગધેડા હાજર હતા. એવામાં ભગવાન સૂર્ય ઘોડાને આરામ અને પાણી પીવા માટે છોડી દીધા અને ગધેડાને રથમાં જોડી દઇ બ્રહ્માંડની પરિક્રમા કરવા લાગ્યા. ઘોડાની ગતિ ઝડપી અને ગધેડાની ધીમી હોય છે એટલે રથની ગતિ ધીમી થઇ જાય છે. જેવો એક મહિનો પૂર્ણ થયો, સૂર્યદેવ ફરી તેમના ઘોડાઓને રથ સાથે જોડી દીધા અને ફરી રથની ગતિ ઝડપી થઈ ગઈ.

કમુહૂર્તા દરમિયાન 21 ડિસેમ્બરે ગુરુ અને શનિ એકબીજાની એકદમ નજીક રહેશે
ઉપર મુજબના ગ્રહ ગોચર જોતાં ધનુર્માસ દરમિયાન કાળચક્રનું છઠું સ્થાન પ્રભાવિત થાય છે. રોગચાળો, શત્રુદેશો અને આંતરિક વિદ્રોહથી, સૂર્યગ્રહણની અસરથી ભૂકંપ, જ્વાળામુખી, સુનામી જેવી જળઆપત્તિની સંભાવનાઓ જણાય છે. ધનુર્માસ દરમિયાન એક ઐતિહાસિક યુતિ થવા જઈ રહી છે. અગામી 21મી ડિસેમ્બરનાના રોજ ગુરુ અને શનિ અંશાત્મક યુતિ એટલે કે 6°10' અને 6°15' પર એકદમ નજીક હશે. આ યુતિની અસરો પણ આવનારો સમય જ બતાવશે. ધનુર્માસમાં ધાર્મિકતા વધી જશે અને વધશે તો જ કુદરતી આપદાઓની સ્થિતિમાં સહાયતા થશે.

સૂર્યના ધન રાશિમાં પ્રવેશ અને કમુહૂર્તાની અસર બારેય રાશિના જાતકો ઉપર કેવી રહેશે?

મેષ રાશિ (અ,લ,ઈ):- ભાગ્ય પરિવર્તન માટે વડીલોનો સાથ-સહકાર મળે. લાંબી યાત્રા પ્રવાસ સંભવ. નવા કરારો કરી શકાય. નિત્ય સૂર્યદેવને શુદ્ધ જળનો અર્ગ આપો.

વૃષભ રાશિ (બ,વ,ઉ):- નાનો મોટો વાહન અકસ્માત થઈ શકે. નાનું મોટું ઓપરેશન સંભવ. વાણીમાં ઉગ્રતા આવે. કુટુંબ કબીલામાં માંગલિક પ્રસંગ આવે. રવિવારે મીઠા વગરનું મોટું એકટાણું કરવું.

મિથુન રાશિ (ક,છ,ધ):- કાર્યક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત કરશે. આ સમય દરમિયાન તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પડશે. આરોગ્ય પ્રત્યે સભાન રહેવાની જરૂર છે. નિત્ય ગાયત્રી જાપ કરવા.

કર્ક રાશિ (હ,ડ):- નોકરીમાં શુભ તક. જમણી આંખમાં તકલીફ આવી શકે. શત્રુ પર શમન. નિત્ય હનુમાન ચાલીસાનો પાઠ કરવો.

સિંહ રાશિ (મ,ટ):- સંતાન દ્વારા શુભ સમાચાર. વડીલોની બગડેલી તબિયત સુધરે. શેર બજારમાં આકસ્મિક લાભ. નિત્ય સૂર્યોદય પહેલાં ઊઠવું.

કન્યા રાશિ (પ,ઠ,ણ):- માતાને માંદગી આવી શકે. કર્મક્ષેત્રમાં સરકારી લાભ બને. હૃદયને લગતી તકલીફ આકસ્મિક થાય. નિત્ય સૂર્યદેવને જળ ચડાવતાંની સાથે ગાયત્રી મંત્ર જપ કરવો.

તુલા રાશિ (ર,ત):- માન-સન્માન તથા પ્રતિષ્ઠામાં વધારો જોવા મળશે. નવા રોકાણ કરી શકાય. પાડોશીથી ધનલાભ. સંધ્યા સમય પછી મહત્વનું કામ કરવું નહીં.

વૃશ્ચિક રાશિ (ન,ય):- વાણીમાં ઉગ્રતા આવી શકે. પરિવારમાં મત મતાંતર વધી શકે. વાહન ચલાવવામા કાળજી રાખવી. નિત્ય સૂર્યની નામાવલિનું પઠન કરવું.

ધન રાશિ (ભ,ધ,ફ,ઢ):- અટકેલાં સરકારી કામકાજ થાય. લગ્ન જીવનમાં ઝઘડા થાય. બગડેલું આરોગ્ય સુધરે. બ્રાહ્મણને રવિવારે ગોળ, પીત્તળના કળશનું દાન આપવું.

મકર રાશિ (ખ,જ):- નેત્ર પીડા થાય. નોકરીમાં ટ્રાન્સફર આવી શકે. શત્રુ પર વિજય. વડીલોને માન-સન્માન આપવું.

કુંભ રાશિ (ગ,સ,શ):- અનેક વિધ બાકી લાભો વડીલો મારફતે થાય. સંતાનના ઉત્કર્ષ માટેના સમાચાર મળે. શેરબજારમાં લાભ. સૂર્યોદય પહેલાં ઉઠવાનો નિયમ રાખવો.

મીન રાશિ (દ,ચ,ઝ,થ):- વતનની મુલાકાત સંભવ. અનેક વિધ શુભ પરિવર્તનના સમાચાર મળે. હદયમાં તકલીફ આવી શકે! સૂર્ય દેવતાને જળમાં સાકર નાખીને ચડાવવું.

આ સંપૂર્ણ માહિતી એસ્ટ્રોલોજિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ ફાઉન્ડેશન સંસ્થાના પ્રણેતા જાણીતા જ્યોતિષી આશિષ રાવલ (ashishrawal13677@gmail.com) તથા પ્રદ્યુમન ભટ્ટ દ્વારા આપવામાં આવી છે.