સામુદ્રિકશાસ્ત્ર:પ્રાચીન ભારતીય સામુદ્રિકશાસ્ત્ર એટલે શું?, વાંચો અમેરિકન મનોવિજ્ઞાનનો કયો સિદ્ધાંત તેને મળતો આવે છે

13 દિવસ પહેલા
  • કૉપી લિંક

પ્રાચીન ભારતીય હિન્દુ પરંપરામાં હજારો વર્ષથી ઋષિઓ તેમજ વિદ્વાનોએ મનુષ્ય તેમજ પ્રકૃતિના દરેક બિંદુઓ પર ગહન અધ્યયન કર્યું છે. વર્ષો સુધી આ વિષય પર અભ્યાસ કર્યા બાદ તેમણે અનેક ગ્રંથો તેમજ શાસ્ત્રોની રચના કરી હતી. જેમાં તેમણે મનુષ્યના સ્વભાવ, વિશેષતાઓ, ગુણધર્મો સહિત નૈતિક મૂલ્યોનો વિચાર કરી શકાય છે તેવું તારણ કાઢ્યું હતું. આ ઉપરાંત આ શાસ્ત્રોમાંથી મનુષ્યના ભૂતકાળ, ભવિષ્યકાળ તેમજ વર્તમાનકાળની દરેક પરિસ્થિતિની સમજ પણ કેળવી શકાય છે. આ પ્રકારની સમજ મેળવા માટેનું અસરકારક શાસ્ત્ર એટલે ‘સામુદ્રિકશાસ્ત્ર’.

શરીરની બનાવટને આધારે ભવિષ્યનો ખ્યાલ
વાસ્તવમાં આ શાસ્ત્રનો ઉપયોગ આકાર, ગુણધર્મ તેમજ તમામ પાસાંઓનું અધ્યયન કરી સ્વભાવ-પ્રભાવ તેમજ ભૂત, ભવિષ્ય અને વર્તમાનનો ખ્યાલ મેળવી શકાય છે. જ્યોતિષના વિષયમાં આ શાસ્ત્રનું ખૂબ જ મહત્ત્વ રહેલું છે. જેમાં હસ્તસામુદ્રિક, કપાળસામુદ્રિક અને મુખસામુદ્રિક મુખ્ય છે. આ સિવાય પણ માનવ શરીરના તમામ અંગોની બનાવટને ધ્યાનમાં રાખી વિવિધ તારણ કાઢી શકાય છે.

પ્રાચીન સમયમાં કેવી રીતે ઉપયોગી હતું?
સામુદ્રિકશાસ્ત્રનું વર્ણન ગરૂડપુરાણના વિષયમાં પણ જોવા મળે છે. જેને આપણે સરળ ભાષામાં સમજીએ તો વડીલો પહેલાંના સમયમાં લોકોને તેમના શારીરિક બનાવટને આધારે નામ પાડી બોલાવતા. તેમજ વ્યક્તિત્વને આધારે સ્વભાવનો અંદાજો પણ લગાવતા હતા. પરંતુ સામુદ્રિકશાસ્ત્રમાં આ જ વિષયોનું વિવરણ એક સુયોગ્ય રીતે કરી તેના ભવિષ્યનો ખ્યાલ મેળવી શકાય છે. આ ઉપરાંત પ્રાચીન ભારતની ગુરુકુળ પરંપરામાં પણ ઋષિઓ તેમજ ગુરુઓ શિષ્યોને તેમની શારીરિક બનાવટ તેમજ કૌશલ્યને આધારે અસ્ત્ર-શસ્ત્રનું જ્ઞાન પ્રદાન કરતા હતા.

જ્યોતિષમાં સામુદ્રિકશાસ્ત્રનું મહત્ત્વ
ભારતીય વૈદિક જ્યોતિષમાં સામુદ્રિકશાસ્ત્ર ખૂબ જ ઉપયોગી છે. મનુષ્યની શારીરિક બનાવટ તેમજ અંગોના અધ્યયનને આધારે તેમના ગ્રહોની ઊંચ-નીચ અવસ્થાનો પણ ખ્યાલ મેળવી શકાય છે. તેમજ કાલપુરુષને આધારે મનુષ્ય શરીરના દરેક અંગને કુંડળીમાં સજ્જ કરી આયુર્વેદ જ્યોતિષના આધારે ફળાદેશ કરી શકાય છે.

વિવિધ અંગને આધારે સ્વભાવની ઓળખ
સામુદ્રિકશાસ્ત્રમાં મનુષ્યના શરીરના વિવિધ અંગ જેવા કે, આંખ, કાન, હોઠ, કપાળ, નાક, કાન, જીભ, દાઢી, ગરદન, ખભા તેમજ અન્ય અંગોના આકાર-રચનાને આધારે તેનું વ્યક્તિત્વ, સ્વભાવ, આરોગ્ય તેમજ ભવિષ્ય અંગેનો વિચાર કરી શકાય છે. ખાસ કરીને શરીરના વિભિન્ન અંગો પર રહેલાં તલ અને વાળના રંગને આધારે પણ ભવિષ્યનો ખ્યાલ મેળવી શકાય છે.

વિદેશી મનોવૈજ્ઞાનિકનો સિદ્ધાંત
અમેરિકામાં 1940માં વિલિયમ હર્બટ સેલ્ડોન નામના મનોવૈજ્ઞાનિક થઈ ગયા. જેમણે અભ્યાસ દરમિયાન ‘સોમાટોટાઇપ’ નામક સિદ્ધાંત રજૂ કર્યો. જેમાં તેમણે મનુષ્યના શરીરના બાંધા અને આકારને આધારે તેની માનસિક ક્ષમતા, નૈતિક મૂલ્યો અને ભવિષ્યની સિદ્ધિઓનો અંદાજ લગાવી શકાય છે તેવું સાબિત કર્યું હતું. તેનો આ સિદ્ધાંત પ્રાચીન ભારતીય સામુદ્રિકશાસ્ત્રને મળતો આવે છે. આ ઉપરાંત પણ ઘણાં વિદેશી મનોવૈજ્ઞાનિકોએ ભારતીય પ્રાચીન સામુદ્રિકશાસ્ત્રના અભિગમની ઝાંખી આપતા સિદ્ધાંત તેમજ તર્ક રજૂ કર્યા છે.

આ લેખની સંપૂર્ણ માહિતી અમદાવાદના જ્યોતિષી અનુજ પંડ્યા(modernsage108@gmail.com) દ્વારા જણાવવામાં આવી છે