11 અને 12 ઓગસ્ટના રોજ શ્રાવણ મહિનાની છેલ્લી તિથિ પૂનમ છે. આ વખતે પંચાંગ ભેદ હોવાના કારણે આ બે દિવસ રક્ષાબંધન ઊજવવામાં આવશે. થોડી જગ્યાએ 11 અને થોડાં સ્થાને 12 ઓગસ્ટના રોજ રાખડી બાંધવામાં આવશે. આ તિથિએ શિવપૂજા કરવાનો શુભ યોગ રહેશે.
ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના જણાવ્યા પ્રમાણે જો કોઈ વ્યક્તિ શિવજીની વિધિવત પૂજા કરી શકે નહીં તો માત્ર જળ ચઢાવીને પણ શિવપૂજા કરી શકાય છે. જળ ચઢાવવાની સાથે જ દૂર્વા, બીલીપત્ર, સમડાના પાન, ધતૂરો અને આંકડાના ફૂલ પણ ચઢાવવાં.
શિવલિંગ ઉપર ઠંડી તાસીરવાળી વસ્તુઓ ચઢાવવામાં આવે છે
શિવજીનો જળથી અભિષેક કરવાનું મહત્ત્વ ખૂબ જ વધારે છે. શિવલિંગ ઉપર ખાસ કરીને ઠંડી તાસીરવાળી વસ્તુઓ જેમ કે, દૂધ, દહીં વગેરે ચઢાવવામાં આવે છે. અભિષેક એટલે શિવજીને જળથી સ્નાન કરાવો.
શિવજીને રૂદ્ર પણ કહેવામાં આવે છે, એટલે જળાભિષેકને રૂદ્રાભિષેક પણ કહેવામાં આવે છે. સોના, ચાંદી કે તાંબાના લોટાથી શિવલિંગ ઉપર જળ ચઢાવવું જોઈએ. લોટામાં જળ ભરીને પાતળી ધારા શિવલિંગ ઉપર ચઢાવવી જોઈએ.
શિવલિંગ ઉપર જળ ચઢાવવાની પરંપરા સમુદ્ર મંથન સાથે જોડાયેલી છે
શિવલિંગ ઉપર શીતળતા આપતી સામગ્રી ચઢાવવાની પરંપરા સમુદ્ર મંથન સાથે જોડાયેલી છે. દેવતા અને દાનવોએ મળીને સમુદ્ર મંથન કર્યું ત્યારે તેના મંથનથી કૌસ્તુભ મણિ, કલ્પવૃક્ષ, ઉચ્ચશ્રેવા ઘોડો, મહાલક્ષ્મી, ધનવંતરિ અમૃત કળશ લઇને બહાર આવ્યાં હતાં. આ દિવ્ય રત્નો પહેલાં હલાહલ નામનું ભયંકર વિષ પણ બહાર આવ્યું હતું.
હલાહલ વિષને શિવજીએ પી લીધું, પરંતુ તેમણે વિષને ગળાની નીચે ઉતાર્યું નહીં. વિષના કારણે શિવજીનું ગળું વાદળી થઈ ગયું અને તેમનું નામ નીલકંઠ પડ્યું. વિષની ગરમીના કારણે શિવજીને તકલીફ થઈ રહી હતી, આ ગરમીને શાંત કરવા માટે શિવજીને ઠંડું જળ ચઢાવવાની પરંપરા શરુ થઈ. ભગવાનને ઠંડી સામગ્રીઓ ચઢાવવામાં આવે છે, જેથી વિષની ગરમી શાંત રહે.
શિવજીની સરળ પૂજા કઈ રીતે કરી શકાય છે
શિવપૂજામાં સૌથી પહેલાં ગણેશ પૂજા કરવી જોઈએ. શિવલિંગ ઉપર જળ ચઢાવવું. તે પછી દૂધ, દહીં, મધ પણ ચઢાવવું. તે પછી શિવલિંગ ઉપર બીલીપત્ર, ધતૂરો, આંકડાના ફૂલ વગેરે અર્પણ કરો. ફળ અને મીઠાઈનો ભોગ ધરાવવો. ધૂપ-દીપ પ્રગટાવવાં. ભગવાનના મંત્રનો જાપ કરતા રહો.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.