આજે શ્રીરામ અને સીતાજીના લગ્નની તિથિ છે. જેને વિવાહ પંચમી કહેવામાં આવે છે. ત્રેતાયુગમાં માગશર મહિનાના સુદ પક્ષની પાંચમ તિથિએ શ્રીરામ અને સીતાના લગ્ન જનકપુરમાં થયાં હતાં. આ પર્વમાં શ્રીરામ-સીતાનું ખાસ પૂજન કરવામાં આવે છે. સાથે જ, રામજીના પરમ ભક્ત હનુમાનજીની પૂજા પણ ચોક્કસ કરવી જોઈએ.
ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય અને રામ કથાકાર પં.મનીષ શર્માના જણાવ્યા પ્રમાણે શ્રીરામ હનુમાનજીની પૂજા કરનાર ભક્તો ઉપર ખાસ કૃપા કરે છે. માન્યતા છે કે વિવાહ પંચમીએ હનુમાનજી સામે દીવો પ્રગટાવીને સુંદરકાંડનો પાઠ કરવો જોઈએ. સુંદરકાંડના પાઠથી ભક્તોનો આત્મવિશ્વાસ વધે છે, નકારાત્મક વિચાર દૂર થાય છે અને કાર્યોમાં આવી રહેલાં વિઘ્નોનો સામનો કરવાનો સાહસ મળે છે.
સુંદરકાંડ હનુમાનજીના વિજયનો અધ્યાય છે
શ્રીરામચરિત માનસના સુંદરકાંડનું મહત્ત્વ ખૂબ જ વધારે છે, કેમ કે આ અધ્યાયમાં હનુમાનજીની વિજય ગાથા છે. શ્રીરામચરિત માનસના બધા અધ્યાયમાં શ્રીરામના ગુણ અને તેમના પુરૂષાર્થની વાત ઉલ્લેખવામાં આવી છે, પરંતુ માત્ર સુંદરકાંડ હનુમાનજીને સમર્પિત છે. આ કાંડમાં હનુમાનજીએ સમુદ્ર પાર કરીને દેવી સીતાની શોધ કરી, લંકા દહન કર્યું અને લંકાથી પરત ફરીને શ્રીરામજીને સીતા માતા અંગે જાણકારી આપી. આ કામ ખૂબ જ મુશ્કેલ હતું, પરંતુ હનુમાનજીએ પોતાના સાહસ અને બુદ્ધિના બળે આ કામમાં સફળતા પ્રાપ્ત કરી હતી.
સુંદરકાંડનો પાઠ કરવાથી આત્મવિશ્વાસ વધે છે
મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિએ જોવામાં આવે તો આ આત્મવિશ્વાસ અને ઈચ્છાશક્તિ વધારનાર કાંડ છે. હનુમાનજી જે જાતિએ વાનર હતા, તેઓ સમુદ્રને ઓળંગીને લંકા સુધી પહોચી ગયા અને ત્યાં સીતાની શોધ કરી. લાંકાને બાળી અને સીતાનો સંદેશો લઈને પાછા આવ્યા. આ એક સામાન્ય વ્યક્તિની જીતનો કાંડ છે, જે પોતાની ઈચ્છાશક્તિના બળે એટલો મોટો ચમત્કાર કરી શકે છે. તેમાં જીવનમાં સફળતાના મહત્વપૂર્ણ સૂત્ર પણ છે. એટલા માટે પૂરી રામાયણમાં સુંદરકાંડને સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે, કારણ કે તે વ્યક્તિમાં આત્મવિશ્વાસ વધારે છે.
શ્રીરામચરિત માનસના પાંચમા અધ્યાયનું નામ સુંદરકાંડ કેમ?
હનુમાનજી, સીતાજીની શોધમાં લંકા ગયા હતા અને લંકા ત્રિકુટાચલ પર્વત ઉપર વસેલી હતી. ત્રિકુટાચલ પર્વત એટલે 3 પર્વત. પહેલો સુબેલ પર્વત, જ્યાંના મેદાનમાં યુદ્ધ થયું હતું. બીજો નીલ પર્વત, જ્યાં રાક્ષસોના મહેલ વસેલા હતા અને ત્રીજો પર્વત સુંદર પર્વત, જ્યાં અશોક વાટિકા બનેલી હતી. આ અશોક વાટિકામાં હનુમાનજી અને સીતાજીની ભેટ થઈ હતી. આ કાંડની આ જ સૌથી મહત્વપૂર્ણ ઘટના હતી, એટલે તેનું નામ સુંદરકાંડ રાખવામાં આવ્યું.
સુંદરકાંડનો પાઠ કરવાથી હનુમાનજી પ્રસન્ન થાય છે
માનવામાં આવે છે કે સુંદરકાંડના પાઠ કરવાથી બજરંગ બલીની કૃપા ખૂબ જલ્દી પ્રાપ્ત થાય છે. જે લોકો નિયમિતપણે આ પાઠ કરે છે, તેમના બધા જ દુખ દૂર થાય છે. આ કાંડમાં હનુમાનજીએ પોતાની બુદ્ધિ અને બળ દ્વારા સીતાની શોધ કરી હતી. આ જ કારણોસર સુંદરકાંડને હનુમાનજીની સફળતા માટે યાદ કરવામાં આવે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.