દેવશયની એકાદશી અને ચાતુર્માસ:વિષ્ણુજી ચાર માસ માટે પાતાળલોકમાં શયન કરશે, ભક્તોએ રાશિ પ્રમાણે ભગવાન શ્રીધરનું પૂજન કરવું

5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તા. 10 જુલાઇથી ચાતુર્માસનો આરંભ થશે, લગ્ન જેવા માંગલિક કાર્યો વર્જિત રહેશે

અષાઢ સુદ એકાદશીને દેવશયની એકાદશી કહેવાય છે. આ વર્ષે વિક્રમ સંવંત 2078માં અષાઢ સુદ એકાદશી તા. 1૦-૦7-2022 રવિવારના રોજ છે. તા. ૦4-11-2022 શુક્રવારે દેવઊઠી એકાદશીના દિવસે ચાતુર્માસ પૂર્ણ થશે. વામન અવતાર ધરીને ભગવાન શ્રીધરે બલી નામના અસુર પાસેથી સદા ત્રણ પગલાં જમીન માગી, બે પગલામાં ત્રણેય લોક લઈ લીધા. એક પગલું મૂકવા માટે જગ્યા નહોતી, તો બલી રાજાએ અત્યંત ધૈર્ય અને ભક્તિભાવથી, પૂર્ણ શરણાગતિ સ્વીકારીને કહ્યું: ॥पदम तृतीयम कुरु शिर्श्ण मे निजम॥ હે પ્રભુ! આપનું ત્રીજું પગલું મારા મસ્તક પર રાખો.

આમ, તેણે પોતાનું શરીર ધરી દીધું, ભગવાને તેને સુતલ(સાત માંહેનું ત્રીજું પાતાળ)માં મોકલી દીધો. અસૂરોના ગુરુ શુક્રાચાર્યની યુક્તિપૂર્વકની ના હોવા છતાં બલીએ ભગવાન શ્રીધરને ઓળખી લીધા અને પોતાનું સમગ્ર અસ્તિત્વ દાનમાં આપી દીધું. આથી ભગવાન શ્રીધર પ્રસન્ન થયા અને વરદાન માગવા કહ્યું: રાજા બલિએ પોતાના દરવાજે ભગવાનને અખંડ રહેવા વિનંતી કરી, ભગવાન શ્રીધરએ વાત માન્ય રાખી. લક્ષ્મીજીથી ભગવાનનો વિયોગ સહન ન થયો અને એને બલીને ભાઈ કર્યો, તેના કાંડે રાખડી બાંધી, આથી બલિએ પ્રસન્ન થઈ ચાર મહિના ભગવાન શ્રીધર અને બાકીના આઠ મહિના ભગવાન શિવ અને બ્રહ્માજી પોતાના દરવાજે રહે એમ સમાધાન કર્યું.

ભગવાન શ્રીધરે બલી નામના અસુર પાસેથી સદા ત્રણ પગલાં જમીન માગી, બે પગલામાં ત્રણેય લોક લઈ લીધા હતાં.
ભગવાન શ્રીધરે બલી નામના અસુર પાસેથી સદા ત્રણ પગલાં જમીન માગી, બે પગલામાં ત્રણેય લોક લઈ લીધા હતાં.

ભગવાન શ્રીધર ચાર માસ માટે પાતાળમાં શયન માટે જતાં હોય અષાઢ સુદ એકાદશીને “દેવશયની એકાદશી” કહેવામાં આવે છે. તે દિવસથી ચાર માસ કારતક સુદ એકાદશી સુધીના સમયને ચાતુર્માસ તરીકે ઓળખવામાં આવે છે. કારતક સુદ એકાદશી ‘દેવઊઠી એકાદશી’ તરીકે ઓળખવામાં આવે છે. ચાતુર્માસ એટલે ચાર માસનો સમયગાળો, અષાઢના પંદર દિવસ, શ્રાવણ, ભાદરવો અને આસો તથા કારતકના પંદર દિવસ. હિન્દુ સંસ્કૃતિમાં આ ચાર માસમાં જાપ, તપ અને સંયમ તથા ભક્તિના મહિમા માટે વિખ્યાત છે. ધ્યાન, જાપ અને સત્સંગમાં સમય વિતાવવાથી અંદરની શક્તિઑ જાગૃત થાય, ચેતનાઓનો વિકાસ થાય, પ્રજ્ઞાનો ઉઘાડ થાય, રોગ પ્રતિકારક શક્તિ વધે, આત્માની ઉન્નતિ થાય.

  • શ્રાવણ માસમાં લીલા શાકભાજી ન ખવાય. પાંદડામાં કીડા-કિટકો હોય.
  • ભાદરવામાં દહીં ન ખવાય. પિત્ત અને અમ્લ થાય.
  • આસો માસમાં દૂધ ન પીવાય. પાણી દૂષિત હોય.
  • કારતક માસમાં દાળ ન ખવાય. કફ થાય, જઠરાગ્નિ મંદ પડે.
ચાતુર્માસ એટલે ચાર માસનો સમયગાળો, અષાઢના પંદર દિવસ, શ્રાવણ, ભાદરવો અને આસો તથા કારતકના પંદર દિવસ
ચાતુર્માસ એટલે ચાર માસનો સમયગાળો, અષાઢના પંદર દિવસ, શ્રાવણ, ભાદરવો અને આસો તથા કારતકના પંદર દિવસ

આ ચાર માસના સમયમાં મનુષ્ય પરિવારમાં રહીને વ્રત, પર્વ અને અનુષ્ઠાનના માધ્યમથી વિષયાશક્તિથી પર થઈ આત્મઉત્થાનની અગ્રેસર થાય. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ સમયમાં સૂર્ય ક્રમશઃ કર્ક, સિંહ, કન્યા અને તુલા રાશિમાં ભ્રમણ કરે છે.

  • કર્ક= ચંદ્ર-મનનો કારક
  • સિંહ= સૂર્ય-આત્માનો કારક
  • કન્યા= બુધ-બુદ્ધિનો કારક
  • તુલા= શુક્ર-પ્રકાશનો, વિલાસ અને ભોગનો કારક

અર્થાત આ ચાર મહિના મનને સંયમિત રાખવું, આત્માને ઊંચાઇ પ્રદાન કરવા પ્રયત્નશીલ બનવું, બુદ્ધિને નિયંત્રિત કરવી અને પ્રકાશને પામવા માટે ભોગથી દૂર રહેવું.

ચાતુર્માસ વ્રતનું મહાત્મય
ઉપનિષદમાં એક સુંદર શબ્દ છે. ||અભયં પ્રાપ્તિ|| અભય બન!, નિર્ભય થા..! નબળી ઈચ્છાશક્તિવાળો માણસ જ જગતને પામી શકતો નથી તો જગદિશને કેમ કરીને પામશે?
અભયની પ્રાપ્તિ માટે ભગવાનનું શરણું એ શ્રેષ્ઠ સાધન બતાવ્યું છે. દુન્યવી સંતાપથી પર થવા માટે ભગવાનની ભક્તિ કરવામાં મન અને આત્માની શુદ્ધતા વધે છે.
દેવશયની એકાદશીના દિવસે આરાધ્યદેવની ભગવાન વિષ્ણુ(શ્રીધર) અથવા લક્ષ્મીનારાયણની પ્રતિમા- મુર્તિને પ્રથમ શુદ્ધ જળથી, ત્યારપછી પંચામૃત (દૂધ,ઘી,દહીં,મધ,સાકર)થી સ્નાન કરાવવી, ભગવાનને ચંદનનો ચાંદલો કરી, ફુલ, ચોખા, અબીલ, ગુલાલ, કંકુ ચઢાવવા, યથાશક્તિ ફળ-ફલડી ધરવા, ભોગ ધરાવો, ભગવાન શ્રીધરને પ્રાર્થના કરવી: હે! પ્રભુ મારા જીવન અને મનને શુદ્ધતા બક્ષો, કર્મને નિર્મળ બનાવો, બુદ્ધિ અને બળમાં વૃદ્ધિ કરો! મારા જીવતરને સાર્થક બનાવવા યથાશક્તિ ક્ષમતા આપો..

ચાતુર્માસમાં ભક્તોએ રાશિ પ્રમાણે ભગવાન વિષ્ણુનું પૂજન કરવું
ચાતુર્માસમાં ભક્તોએ રાશિ પ્રમાણે ભગવાન વિષ્ણુનું પૂજન કરવું

ચાતુર્માસમાં બારે રાશિવાળા જાતકોએ કેવી રીતે ભગવાન શ્રીધરનું પુજન કરવું

મેષ- આ જાતકોએ રતાંજલીના ચંદનનો ચાંદલો કરી ભગવાનને લાલ રેશમી વાઘા પહેરાવવા તથા લાલ ફળ અને લાલ મીઠાઇ ધરવી. ||શ્રી વિષણવે નમઃ|| મંત્રનું સ્મરણ કરવું.

વૃષભ- આ જાતકોએ ગોરો ચંદનનું તિલક કરી, ભગવાનને સફેદ રેશમી વાઘા પહેરાવવા તથા કોળાનો પ્રસાદ અને સફેદ મીઠાઇ ભોગ ધરાવવી. ||શ્રી અચ્યુતાય નમઃ|| મંત્રનું સ્મરણ કરવું.

મિથુન- આ જાતકોએ અબીલનું તિલક કરી, ભગવાનને લીલા રેશમી વાઘા પહેરાવવા તથા લીલા ફળનો પ્રસાદ અને દૂધીનો હલવો ભોગ ધરાવવો. ||શ્રી શ્રીધરાય નમઃ|| મંત્રનું સ્મરણ કરવું..

કર્ક- આ જાતકોએ સફેદ ચંદનનું તિલક કરી, ભગવાનને સફેદ રેશમી વાઘા પહેરાવવા તથા કેળાનો પ્રસાદ અને સફેદ બરફી ભોગ રૂપે ધરવી. ||શ્રી યોગેશ્વરાય નમઃ|| મંત્રનું સ્મરણ કરવું.

સિંહ- આ જાતકોએ લાલ ચંદનનું તિલક કરી, ભગવાનને ગુલાબી રેશમી વાઘા પહેરાવવા તથા રાસબરીનો પ્રસાદ અને મોતીચૂરના લાડુ ભોગ રૂપે ધરવા. ||શ્રી નૃસિંહાય નમઃ|| મંત્રનું સ્મરણ કરવું.

કન્યા- આ જાતકોએ અબીલનું તિલક કરી, ભગવાનને લીલા રેશમી વાઘા પહેરાવવા તથા લીલા ફળનો પ્રસાદ અને દૂધીનો હલવો ભોગ ધરાવવો. ||શ્રી પદ્મનાભાય નમઃ|| મંત્રનું સ્મરણ કરવું.

તુલા- આ જાતકોએ ગોરો ચંદનનું તિલક કરી, ભગવાનને સફેદ રેશમી વાઘા પહેરાવવા તથા કોળાનો પ્રસાદ અને સફેદ મીઠાઇ ભોગ ધરાવવો. ||શ્રી વિશ્વકર્માય નમઃ|| મંત્રનું સ્મરણ કરવું.

વૃશ્ચિક- આ જાતકોએ રતાંજલીના ચંદનનો ચાંદલો કરી ભગવાનને લાલ રેશમી વાઘા પહેરાવવા તથા લાલ ફળ અને લાલ મીઠાઇ ધરવી. ||શ્રી પુષ્કરાય નમઃ|| મંત્રનું સ્મરણ કરવું.

ધન- આ જાતકોએ કેસરયુક્ત ચંદનનો ચાંદલો કરી ભગવાનને પીળા રેશમી વાઘા પહેરાવવા તથા પીળા ફળ અને મોહનથાળનો ભોગ ધરવો ||શ્રી મધુસુદનાય નમઃ|| મંત્રનું સ્મરણ કરવું.

મકર- આ જાતકોએ ભષ્મનું તિલક કરી ભગવાનને નીલા રેશમી વાઘા પહેરાવવા તથા જાંબુ ફળ પ્રસાદ રૂપે અને કાલાજામ મીઠાઇ ભોગ ધરવી. ||શ્રી પુષ્કરાક્ષાય નમઃ|| મંત્રનું સ્મરણ કરવું.

કુંભ- આ જાતકોએ ભષ્મનું તિલક કરી ભગવાનને નીલા રેશમી વાઘા પહેરાવવા તથા જાંબુ ફળ પ્રસાદ રૂપે અને કેસર કાજુકતરી મીઠાઇ ભોગ ધરવી. ||શ્રી શ્રીકરાય નમઃ|| મંત્રનું સ્મરણ કરવું.

મીન- આ જાતકોએ કેસરયુક્ત ચંદનનો ચાંદલો કરી ભગવાનને પીળા રેશમી વાઘા પહેરાવવા તથા પીળા ફળ અને મોહનથાળનો ભોગ ધરવો. ||શ્રી લોકાધ્યક્ષાય નમઃ|| મંત્રનું સ્મરણ કરવું.

આ લેખની સંપૂર્ણ માહિતી ભાવનગરના શ્રીધર પંચાંગવાળા જ્યોતિષી કિશન ગિરીશભાઈ જોશી દ્વારા જણાવવામાં આવી છે

અન્ય સમાચારો પણ છે...