ઉત્તરાખંડમાં બદ્રીનાથ ધામથી લગભગ 4 કિલોમીટર દૂર માણા ગામ છે. આ ભારતનુ સૌથી છેલ્લું ગામ છે. ચીન બોર્ડર અહીંથી થોડાં કિમી જ દૂર છે. માણા ગામમાં લગભગ 5000 વર્ષ જૂની વ્યાસ ગુફા છે, જ્યાં વેદ વ્યાસ રહે છે. માન્યતા છે કે આ ગુફામાં વેદ વ્યાસે વેદને ચાર ભાગમાં વિભાજિત કર્યાં. બધા 18 પુરાણોની રચના કરી. મહાભારતની રચના કરી. નારજીની પ્રેરણાથી વેદ વ્યાસે ભાગવત ગીતાની રચના પણ કરી હતી.
વ્યાસ ગુફાના પુરોહિત પં. હરીશ કોઠિયાલનો પરિવાર પીઢીઓથી વ્યાસ ગુફામાં પૂજા કરી રહ્યો છે. વ્યાસ ગુફા લગભગ 3200 મીટર (10500 ફૂટ)ની ઊંચાઈએ છે, એટલે અહીં દર્શન માટે ગરમીના દિવસોમાં (મે-જૂન) અને શ્રાદ્ધ પક્ષ (ઓગસ્ટ-સપ્ટેમ્બર)માં સૌથી વધારે ભક્તો પહોંચે છે. મોટાભાગનો સમય અહીં બરફ જામેલો હોય છે.
આ ગુફામાં ગણેશજીએ મહાભારત કથા લખી હતી-
પૌરાણિક કથા અનુસાર, જ્યારે ઋષિ વેદ વ્યાસજીએ સમગ્ર મહાભારતનું દૃશ્ય ખુદની અંદર આત્મસાત કર્યું હતું, પરંતુ તેઓ લખવામાં અસમર્થ હતાં, તેથી તેમને કોઈ એવી વ્યક્તિની જરૂર હતી, જે અટક્યા વિના સંપૂર્ણ મહાભારત લખી શકે, ત્યારે તેમણે બ્રહ્માજીને પ્રાર્થના કરી. બ્રહ્માજીએ તેમને કહ્યું કે ગણેશજી બુદ્ધિના દેવતા છે, તે નિશ્ચિતરૂપે તમારી મદદ કરશે. ત્યારે તેમણે ગણેશજીને મહાભારત લખવા માટે પ્રાર્થના કરી, ગણપતિ બાપ્પાને લખવામાં વિશેષ કુશળતા મળેલ છે, તેમણે મહાભારત લખવાની સ્વીકૃતિ આપી દીધી. ઋષિ વેદવ્યાસજીએ આ ગુફામાં બેસીને મહાભારતની સંપૂર્ણ કથા ભગવાન શ્રીગણેશજીને સંભળાવી. જેને ભગવાન શ્રીગણેશે અક્ષરશ: (એવીને એવી) જ લખી હતી.
ગુફાનો ઇતિહાસ 5300 વર્ષથી વધારે જૂનો છે-
સ્કંદ પુરાણમાં વ્યાસ ગુફા અંગે ઉલ્લેખવામાં આવ્યું છે. ગુફામાં વેદ વ્યાસની પ્રતિમા છે. ગુફા પાસે નર-નારાયણ પર્વત છે. આ જ પર્વતોની નીચે બદ્રીનાથ ધામ પણ છે. આ સંપૂર્ણ ક્ષેત્ર બદ્રીકાશ્રમ કહેવામાં આવે છે. સ્કંદ પુરાણમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે, બદ્રીકાશ્રમ જેવું પૂજ્ય અને પવિત્ર સ્થાન ક્યારેય હતું નહીં અને ક્યારેય હશે પણ નહીં. મહાભારતના સમયે આ ક્ષેત્રમાં પાંડવ પણ રહ્યાં હતાં. આ ક્ષેત્રમાં અલકનંદા અને સરસ્વતી નદીનો સંગમ પણ છે.
વેદ વ્યાસ ઋષિ પારાશર અને સત્યવતીના સંતાન છે-વેદ વ્યાસ અષ્ટચિરંજીવિઓમાંથી એક છે એટલે તેઓ હંમેશાં અમર રહેશે. તેમના પિતા ઋષિ પારાશર અને માતા સત્યવતી હતાં. પહેલાં તેમનું નામ કૃષ્ણદ્વૈપાયન હતું, કેમ કે, તેઓ શ્યામ વર્ણ હતાં અને તેમનો જન્મ એક ટાપુ ઉપર થયો હતો. ત્યાર બાદ જ્યારે તેમણે વેદોનું વિભાજન કર્યું, ત્યારે તેમનું નામ વેદ વ્યાસ પડ્યું. સત્યવતીના લગ્ન મહારાજ શાંતનું સાથે થયાં હતાં. શાંતનુના પુત્ર ભીષ્મ હતાં. ભીષ્મએ વચન આપ્યું હતું કે તેઓ ક્યારેય રાજા બનશે નહીં. સત્યવતીના પુત્ર વિચિત્રવીર્ય અને ચિત્રાંગતનું મૃત્યુ થઇ ગયું હતું. ત્યારે સત્યવતીના કહેવાથી તેમની પત્નીઓ અને એક દાસી ઉપર વેદ વ્યાસની કૃપાથી પાંડુ, ધૃતરાષ્ટ્ર અને વિદુરનો જન્મ થયો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.