જેઠ મહિનાના સુદ પક્ષના છેલ્લાં દિવસે એટલે કે પૂનમના દિવસે મહિલાઓ વટ સાવિત્રી વ્રત કરે છે. પતિની લાંબી ઉંમરની કામના સાથે આ દિવસે વડના ઝાડ સાથે સત્યવાન અને સાવિત્રીની પૂજા કરવામાં આવે છે. આ દિવસે ભગવાન શિવ-પાર્વતીની આરાધના કરવામાં આવે છે. જેથી સુખ-સમૃદ્ધિ અને સૌભાગ્ય વધે છે.
સ્કંદ પુરાણ અને ભવિષ્યોત્તર પુરાણ પ્રમાણે જેઠ મહિનાની પૂનમના રોજ આ વ્રત કરવાનું વિધાન છે. સૌભાગ્ય અને સંતાન પ્રાપ્તિ માટે મહિલાઓ આ વ્રત કરે છે. આ દિવસે એટલે જેઠ મહિનાની પૂનમના દિવસે ગંગા સ્નાન કરીને પૂજા-અર્ચના કરવાથી મનોકામના પૂર્ણ થાય છે. આ દિવસથી જ લોકો ગંગા જળ લઇને અમરનાથ યાત્રા શરૂ કરે છે.
વટ સાવિત્રી વ્રત
પૂર્ણિમાંત કેલેન્ડર એટલે પૂનમથી શરૂ થતાં હિંદુ મહિનામાં વટ સાવિત્રી વ્રત જેઠ મહિનાની અમાસના રોજ ઉજવાય છે, જે શનિ જંયતી સાથે આવે છે. ત્યાં જ અમાંત કેલેન્ડર એટલે અમાસથી હિંદુ મહિનાની શરૂઆત થતાં કેલેન્ડરમાં વટ સાવિત્રી વ્રત જેઠ મહિનાની પૂનમના દિવસે કરવામાં આવે છે, જેને વટ પૂર્ણિમા વ્રત પણ કહેવામાં આવે છે. એટલે મહારાષ્ટ્ર, ગુજરાત અને દક્ષિણ ભારતીય રાજ્યોમાં મહિલાઓ ઉત્તર ભારતની મહિલાઓની સરખામણીએ 15 દિવસ પછી વટ સાવિત્રી વ્રત કરે છે.
પરિણીત મહિલાઓ આ વ્રત કરે છે
વટ પૂર્ણિમા વ્રત કરવાથી મહિલાઓને સૌભાગ્ય મળે છે. સંતાન અને પતિની ઉંમર વધે છે. આ વ્રતના પ્રભાવથી અજાણ્યે કરેલાં પાપ પણ દૂર થઈ જાય છે. આ વ્રત જેઠ મહિનામાં આવે છે. એટલે તેનું મહત્ત્વ વધારે છે. હિંદુ ધર્મમાં જેઠ મહિનાની પૂનમ મહત્ત્વપૂર્ણ છે. આ દિવસે ગંગા સ્નાન અને પૂજા કરવાથી મનોકામનાઓ પૂર્ણ થાય છે. આ દિવસથી જ લોકો ગંગા જળ લઇને અમરનાથ યાત્રા શરૂ કરે છે.
પૌરાણિક કથા પ્રમાણે સાવિત્રીએ પોતાના તપ અને સતિત્વની તાકાતથી મૃત્યુના સ્વામી ભગવાન યમને પોતાના પતિ સત્યવાનના પ્રાણ પાછા કરવા માટે મજબૂર કર્યા હતાં. એટલે પરિણીત મહિલાઓ પોતાના પતિની સલામતી અને લાંબી ઉંમર માટે વટ સાવિત્રી વ્રત કરે છે.
વ્રતની કથા
પૌરાણિક કથા પ્રમાણે મદ્ર દેશના રાજા અશ્વપતિનું કોઈ સંતાન હતું નહીં. તેમણે સંતાન મેળવવા માટે યજ્ઞ કર્યો. જે 18 વર્ષ સુધી ચાલતો રહ્યો. તે પછી દેવી સાવિત્રી પ્રકટ થયા અને આશીર્વાદ આપ્યા કે તમને જલ્દી જ તેજસ્વી બાળકી મળશે. એવું જ થયું, રાજાના ઘરે દીકરીનો જન્મ થયો. માતા સાવિત્રીની કૃપાથી જન્મ લેવાના કારણે તે બાળકીનું નામ સાવિત્રી રાખવામાં આવ્યું.
સાવિત્રી મોટી થઈ, પરંતુ લગ્ન માટે કોઈ સારો રાજકુમાર મળી રહ્યો નહતો. જેથી સાવિત્રીના પિતા દુઃખી હતાં. તેમણે પોતાની દીકરીને જ રાજકુમારની શોધમાં મોકલી. સાવિત્રી તપોવનમાં ભટકવા લાગી. ત્યાં સાલ્વ દેશના રાજા દ્યુમત્સેન રહેતાં હતાં, કેમ કે તેમનું રાજ્ય કોઈએ છીનવી લીધું હતું. તેમના દીકરા સત્યવાનને સાવિત્રીએ પતિ તરીકે સ્વીકાર કર્યો.
નારદજીએ સાવિત્રીને સત્યવાન સાથે લગ્ન ન કરવાની સલાહ આપી હતી. તેમણે કહ્યું કે સત્યવાન અલ્પાયુ છે એટલે તેમની મૃત્યુ જલ્દી જ થઈ જશે. છતાંય સાવિત્રીએ સત્યવાન સાથે જ લગ્ન કર્યાં. પરંતુ લગ્નના થોડા દિવસો પછી જંગલમાં જ વડના ઝાડ નીચે સત્યવાનનું મૃત્યુ થઈ ગયું. ત્યારે સાવિત્રીએ ભગવાન શિવની તપસ્યા કરી.
તે પતિવ્રત હતી એટલે ભગવાન પ્રસન્ન થયાં. તેમણે સાવિત્રીને પોતાના પતિના પ્રાણ પાછા લાવવા માટે યમલોક મોકલી દીધી. ત્યાં યમરાજને સાવિત્રીએ પોતાના પતિને જીવિત કરવાની વિનંતી કરી. ત્યારે યમરાજે તેમના પતિને જીવતો કર્યો અને સાવિત્રીને ધરતી ઉપર મોકલી દીધી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.