આ વખતે સર્વાર્થસિદ્ધિ, અમૃતસિદ્ધિ, સોમ્ય અને શિવયોગમા બુધવારે વૈશાખ પૂર્ણિમા પર્વ ઊજવવામાં આવી રહ્યો છે. આ દિવસને પીપળા અને બુદ્ધ પૂર્ણિમા પણ કહેવામાં આવે છે. આજે પૂર્ણિમા તિથિ સાંજે 04:40 સુધી રહેશે. પુરાણો અને જ્યોતિષ ગ્રંથો પ્રમાણે વૈશાખ પૂર્ણિમાના દિવસે પીપળાનું ઝાડ વાવવાથી અનેક પ્રકારના દોષ દૂર થાય છે અને અનેક યજ્ઞ કરવા જેટલું પુણ્ય મળી શકે છે.
ઘરમા જ સ્નાન અને દાનનો સંકલ્પ કરોઃ-
દર વર્ષે આ દિવસે લગ્ન, ગૃહ પ્રવેશ, મુંડન અને માંગલિક કાર્યો કરવામાં આવે છે, પરંતુ આ બીજુ વર્ષ છે જ્યારે કોરોના મહામારીના કારણે આ બધા શુભ કાર્યો ઉપર પ્રતિબંધ છે. એટલે આ દિવસે સનાતન ધર્મને માનતા લોકો ભગવાન વિષ્ણુની પૂજા કરશે. ઘરના પાણીમા જ તીર્થ જળ મિક્સ કરીને સ્નાન અને દાનનો સંકલ્પ લઇને દાન કરવાની વસ્તુઓને અલગ રાખશે જ્યારે પરિસ્થિતિ સામાન્ય થઈ જશે ત્યારે દાન કરવામા આવશે. આજે બુદ્ધ પૂર્ણિમા પણ હોવાથી અનેક સ્થાને ભગવાન બુદ્ધની આરાધના કરવામાં આવશે. બુદ્ધ પૂર્ણિમાના દિવસે સ્નાન-દાન કરવાનું વિશેષ મહત્ત્વ છે.
પીપળાના ઝાડની પૂજા કરવાનું વિધાનઃ-
કાશીના જ્યોતિષાચાર્ય ડો. ગણેશ મિશ્રના જણાવ્યા પ્રમાણે વૈશાખ મહિનાની પૂર્ણિમાએ પીપળના ઝાડની વિશેષ પૂજા કરવામાં આવે છે. એટલે તેને પીપળ પૂર્ણિમા પણ કહેવામા આવે છે. પીપળાની પૂજા કરવાથી ભગવાન વિષ્ણુની કૃપા મળે છે અને પિતૃઓ પણ સંતુષ્ટ થાય છે. જ્યોતિર્વિજ્ઞાનના પ્રમુખ આચાર્ય વરાહમિહિરે પણ પોતાના ગ્રંથમા જણાવ્યું છે કે વૈશાખ મહિનાની પૂર્ણિમાના દિવસે પીપળાનું ઝાડ વાવવું જોઈએ. માન્યતા છે કે તેનાથી ગુરુ ગ્રહની અશુભ અસર પણ ઘટવા લાગે છે.
ડો. મિશ્રના જણાવ્યા પ્રમાણે માન્યતા છે કે વૈશાખ પૂર્ણિમાના દિવસે સવાર-સવારમા પીપળા ઉપર દેવી લક્ષ્મીનું આગમન થાય છે. આ કારણે તેની પૂજા કરવી ખૂબ જ લાભદાયક હોય છે. વૈશાખ પૂર્ણિમાના દિવસે પીપળાની પૂજા કરવાથી કુંડળીમા શનિ, ગુરુ સહિત અન્ય ગ્રહ પણ શુભફળ આપે છે.
પીપળામા દેવતાઓનો વાસઃ-
ગ્રંથોમા ઉલ્લેખવામાં આવ્યું છે કે પીપળો જ એક એવું ઝાડ છે જેમા બ્રહ્મા, વિષ્ણુ અને શિવજી ત્રણેય દેવતાઓનો વાસ થાય છે. સવારે જલ્દી જાગીને આ ઝાડ ઉપર જળ ચઢાવવું, પૂજા કરીને દીવો પ્રગટાવવાથી ત્રણેય દેવતાઓની કૃપા મળે છે. પીપળાના ઝાડમા પાણીમા દૂધ અને કાળા તલ મિક્સ કરીને ચઢાવવાથી પિતૃઓ સંતુષ્ટ રહે છે. આ ઝાડ ઉપર સવારે પિતૃઓનો પણ વાસ થાય છે. પછી બપોરે આ ઝાડ ઉપર અન્ય શક્તિઓનો પ્રભાવ વધવા લાગે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.