શુક્રવાર, 11 ડિસેમ્બરના રોજ કારતક મહિનાના વદ પક્ષની એકાદશી છે. માન્યતા છે કે, આ તિથિએ એકાદશી નામના દેવી પ્રકટ થયાં હતાં. શુક્રવાર અને એકાદશીના યોગમાં ભગવાન વિષ્ણુ સાથે જ મહાલક્ષ્મીની પૂજા પણ કરવી જોઇએ.
ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના જણાવ્યાં પ્રમાણે સ્કંદ પુરાણના વૈષ્ણવ ખંડમાં વર્ષભરની બધી જ એકાદશીઓનું મહત્ત્વ ઉલ્લેખવામાં આવ્યું છે. કારતક મહિનાના વદ પક્ષની એકાદશીએ એક દેવી પ્રકટ થયાં હતાં, જેમને એકાદશીના નામથી ઓળખવામાં આવે છે. આ કારણે આ તિથિ ઉત્પતિ એકાદશી કહેવામાં આવે છે.
આ છે ઉત્પતિ એકાદશીની કથાઃ-
સતયુગની કથા છે. તે સમયે મુર નામના એક રાક્ષસે સ્વર્ગ ઉપર અધિકાર કરી લીધો હતો. ઇન્દ્રની મદદ માટે વિષ્ણુજીએ મુર દૈત્ય સાથે યુદ્ધ કર્યું. યુદ્ધના કારણે વિષ્ણુજી થાકી ગયાં. આ કારણે તેઓ બદ્રિકાશ્રમની એક ગુફામાં આરામ કરવા માટે જતાં રહ્યાં. ભગવાન પાછળ મુર દૈત્ય પણ પહોંચી ગયો.
વિષ્ણુજી સૂઇ રહ્યા હતાં, ત્યારે મુરે તેમના ઉપર પ્રહાર કર્યો, પરંતુ ત્યાં એક દેવી પ્રકટ થયા અને તેમણે મુર દૈત્યનો વધ કર્યો. જ્યારે વિષ્ણુજીની ઊંઘ પૂરી થઇ ત્યારે દેવીએ સંપૂર્ણ ઘટનાની જાણકારી આપી. ત્યારે વિષ્ણુજીએ દેવીને વરદાન માંગવા માટે કહ્યું. દેવીએ માંગ્યું કે આ તિથિએ જે લોકો વ્રત-ઉપવાસ કરશે, તેમના પાપ નષ્ટ થઇ જાય, બધાનું કલ્યાણ થાય. ત્યારે ભગવાને તે દેવીને એકાદશી નામ આપ્યું. આ તિથિએ જ એકાદશી ઉત્પન્ન થયા હતાં, એટલે તેને ઉત્પતિ એકાદશી કહેવામાં આવે છે.
એકાદશીએ આ શુભ કામ કરી શકાય છેઃ-
આ તિથિએ પૂજા-પાઠ સાથે જ જરૂરિયાતમંદ લોકોને ધન અને અનાજનું દાન જરૂર કરો. કોઇ મંદિરમાં પૂજન સામગ્રી અર્પણ કરો. ગૌશાળામાં ઘાસ અને ધનનું દાન કરો. હાલ ઠંડીના દિવસો ચાલી રહ્યા છે, આવી સ્થિતિમાં ધાબળા અને ગરમ કપડાનું દાન પણ કરવું જોઇએ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.