• Gujarati News
  • Dharm darshan
  • Dharm
  • Unripe Seeds; Mars Festival Of Rathyatra, Lord Shrijagannathji's Nagaryatra Is An Excellent Symbol Of Vitality, Rathyatra, Ahmedabad

ભગવાનની નગર યાત્રા:અષાઢી બીજ; રથયાત્રાનું મંગળ પર્વ, ભગવાન શ્રીજગનનાથજીની નગરયાત્રા જીવંતતાનું ઉત્તમ પ્રતિક છે

4 મહિનો પહેલા
  • કૉપી લિંક

આજે અષાઢી બીજનું પાવન પર્વ ઊજવાઇ રહ્યું છે. આજે વિક્રમ સંવંત ૨૦૭૭ ના અષાઢ સુદ બીજને સોમવાર તા. 12-૦7-2021 ના શુભ દિને ભગવાન શ્રી જગન્નાથજી નગર યાત્રા કરશે અને ભક્તોને દર્શન આપે છે. પરંતુ આ વર્ષે કોરોના મહામારીને ધ્યાનમાં રાખી ભક્તોને રસ્તા ઉપર ન આવવા તથા ભક્તોની ભીડ ના થાય એ માટે આ વર્ષે ભક્તોએ ઘરમાં રહી ને જ ટેલિવિઝન, સોસિયલ મીડિયાના માધ્યમથી ભગવાન શ્રીજગનનાથજીના દર્શનનો લાભ લઈ શકશે.

આજે ભગવાનના દર્શન કરવાથી, ભક્તિ અને ઉપાસના કરવાથી જાતકની હકારાત્મક ઉર્જામાં વૃદ્ધિ થાય છે. કાર્યસિદ્ધ માટે પણ આજનો દિવસ શુભ અને પાવનકારી માનવમાં આવે છે. આજે માનવીય સૃષ્ટિમાં માણસના વ્યક્તિત્વમાં “નેગેટિવિટી” વધી રહી છે ત્યારે આજના પાવનપર્વે ભગવાનના દર્શનથી, તેની ઉપાસનાથી માણસમાં એક પ્રકારની “પોઝિટિવિટી”નો એહસાસ થશે. છેલ્લા બે વર્ષથી આખું વિશ્વ આ કોરોના મહામારીથી પરેશાન અને સતત ચિંતિત રહેલો માણસ આજના દિવસે ભગવાનને પ્રાર્થના કરી એક હકારાત્મક ઊર્જા પ્રાપ્ત કરી શકશે.

અમદાવાદની રથયાત્રાના પ્રારંભે મહંતશ્રીએ એવું કહ્યું હતું કે, “શરીર રથ છે. જડ અને માયાવિક બુદ્ધિ તે સારથિ છે. પાંચ ઇન્દ્રિયો ઘોડા છે. મન એ લગામ છે. અને તેની સામે માર્ગમાં નાખનારા, લોભામણા પંચવિષયોનો લપસણો માર્ગ છે. અને શરીર રૂપી રથમાં આત્મા રથી છે.”

બહેન સુભદ્રાને રથમાં બેસાડી બને ભાઈઓએ દ્વારકા નગરીમાં યાત્રા કરાવી હતી જેની સ્મૃતિમાં આજે પણ રથયાત્રા નિમિતે ત્રણેય ભાઈ-બહેનો રથમાં બેસીને નગરયાત્રાએ નિકળે છે
બહેન સુભદ્રાને રથમાં બેસાડી બને ભાઈઓએ દ્વારકા નગરીમાં યાત્રા કરાવી હતી જેની સ્મૃતિમાં આજે પણ રથયાત્રા નિમિતે ત્રણેય ભાઈ-બહેનો રથમાં બેસીને નગરયાત્રાએ નિકળે છે

અષાઢી બીજ એ રથયાત્રાનું મંગળ પર્વ છે. રથયાત્રા અંગે ઘણી કથાઓ પુરાણોમાં મળી આવે છે. એમની એક કથા મુજબ એકવાર દ્વારકમાં આઠેય પટરાણીઓ માતા રોહિણી પાસે બેઠી અને શ્રીકૃષ્ણની વ્રજ લીલા, ગોપીઓ સાથેનો ભગવાનન પ્રેમ કેટલો અદભૂત હતો એ જાણવાનો આગ્રહ કરવા લાગી. રોહિણીએ ઘણી આનાકાની કર્યા પછી ભગવાનની લીલાઓ કહવાનું શરૂ કર્યું, પરંતુ ત્યાં સુભદ્રા ઉપસ્થિત હોય એ યોગ્ય ન જાણતા તેને દ્વાર ઉપર ચોકી પહેરો કરવા મોકલ્યા. કોઈ પ્રવેશે નહીં તેનું ધ્યાન રાખતા સુભદ્રા વ્રજલીલમાં એકાકાર થઈ ગયા. એવામાં શ્રીકૃષ્ણ અને બલરામ ત્યાં આવી પહોચ્યા. બહેન સુભદ્રાએ બને ભાઈઓ વચ્ચે ઊભા રહી બને હાથ ફેલાવી અંદર જવાની મનાઈ કરી. પરંતુ ત્રણે ત્યાં જ ઊભા ઊભા રોહિણીની વ્રજકથાઓમાં ખોવાઈ ગયા. એવામાં નારદજી ત્યાં પધાર્યા. ત્રણેને આમ ઊભા એક સાથે મૂર્તિવત ઉભેલા જોઈ ને તેમણે વિનંતી કરી, આપ ત્રણે આમને આમ સદા દર્શન દેજો. પ્રભુ એ કળયુગમાં કાષ્ઠની મુર્તિ રૂપે રહેવા વરદાન આપ્યું. અને આમ આજે જે રથયાત્રામાં દર્શન જોવા મળે છે એવા શ્રી કૃષ્ણ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામની મૂર્તિઓનો જન્મ થયો.

બીજી એક કથા અનુસાર એકવાર બહેન સુભદ્રાને રથમાં બેસાડી બને ભાઈઓએ દ્વારકા નગરીમાં યાત્રા કરાવી હતી જેની સ્મૃતિમાં આજે પણ રથયાત્રા નિમિતે ત્રણેય ભાઈ-બહેનો રથમાં બેસીને નગરયાત્રાએ નિકળે છે.

જેઠ સુદ એકદાશીના દિવસે ભગવાનની ત્રણેય મુર્તિઓને સ્નાન કરવવામાં આવે છે. તેથી ભગવાનનું સ્વાસ્થય સારું રહે. ભગવાનને હળવા ખોરાક ની સાથે ઔષધિઑનું સેવન કરવવામાં આવે છે. આ પછી અષાઢ સુદ બીજ ના મંગલ પર્વે મન મોકળું કરવા માટે નગરયાત્રા કે રથયાત્રા સ્વરૂપે ફેરવવામાં આવે છે. એમ કહેવાય છે કે પુરીના રાજા સોનાની સાવરણીથી રસ્તો વાળે ત્યાર પછી એ રસ્તેથી રથ પસાર થાય.

પુરીના રાજા સોનાની સાવરણીથી રસ્તો વાળે ત્યાર પછી એ રસ્તેથી રથ પસાર થાય.
પુરીના રાજા સોનાની સાવરણીથી રસ્તો વાળે ત્યાર પછી એ રસ્તેથી રથ પસાર થાય.

જગન્નાથપુરીની રથયાત્રામાં ઉપયોગમાં લેવાતા ત્રણ વિશાળ રથોના નામ આ પ્રમાણે છે:-
ભગવાન જગન્નાથનો રથઃ- આ રથના અનેક નામ છે જેમ કે, ગરુડધ્વજ, કપિધ્વજ, નંદીઘોષ વગેરે. 16 પૈડાવાળો આ રથ 13 મીટર ઊંચો હોય છે. રથના ઘોડાનું નામ શંખ, બલાહક, શ્વેત તથા હરિદાશ્વ છે. આ રથ સફેદ રંગના હોય છે. સારથીનું નામ દારૂક છે. રથ ઉપર હનુમાનજી અને નરસિંહ ભગવાનનું પ્રતીક હોય છે. રથ ઉપર રક્ષાનું પ્રતીક સુરદર્શન સ્તંભ પણ હોય છે. આ રથના રક્ષક ગરુડ છે. રથની ધ્વજા ત્રિલોક્યવાહિની કહેવાય છે. રથના દોરડાને શંખચૂડ કહેવામાં આવે છે. તેને સજાવવા માટે 1100 મીટર કાપડની જરૂર પડે છે.

બળદેવનો રથઃ- આ રથનું નામ તાલધ્વજ છે. રથ ઉપર મહાદેવજીનું પ્રતીક હોય છે. તેના રક્ષક વાસુદેવ અને સારથી માતલિ છે. રથના ધ્વજને ઉનાની કહેવામાં આવે છે. ત્રિબ્રા, ઘોરા, દીર્ઘશર્મા અને સ્વર્ણનાવા તેમના ઘોડા છે. આ રથ 13.2 મીટર ઊંચો અને 14 પૈડાવાળો હોય છે. લાલ અને લીલા રંગના કપડા અને લાકડાના 763 ટુકડાથી બને છે. રથના ઘોડા વાદળી રંગના હોય છે.

સુભદ્રાનો રથઃ- આ રથનું નામ દેવદલન છે. રથ ઉપર દેવી દુર્ગાનું પ્રતીક હોય છે. તેના રક્ષક જયદુર્ગા અને સારથી અર્જુન છે. રથનો ધ્વજ મદંબિક કહેવાય છે. રોચિક, મોચિક, જીતા અને અપરાજિતા તેના અશ્વ છે. આ રથને ખેંચવા માટેના દોરડાને સ્વર્ણચૂડા કહેવામાં આવે છે. આ રથ 12.9 મીટર ઊંચો અને 12 પૈડાવાળો લાલ અને કાળા કપડા સાથે લાકડાના 593 ટુકડાથી બને છે. રથના ઘોડા કોફી રંગના હોય છે.

અમદાવાદમાં 1878થી દરેક અષાઢ સુદ બીજ પર જગન્નાથ મંદિર, અમદાવાદ દ્વારા રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે. રથયાત્રા ગુજરાત રાજ્યના લોકોત્સવ (જાહેર તહેવાર) તરીકે ઊજવાય છે. પુરી અને કોલકાતાની રથયાત્રા પછી અમદાવાદની રથ યાત્રા એ ત્રીજી સૌથી મોટી રથ યાત્રા તહેવાર છે, વિશ્વમાં આજે અબજો શરીર રૂપી રથ દોડી રહ્યા છે. આ બધા રત્નો વેગ પુષ્કળ છે. પણ સાચી દિશા નથી. આથી સ્વભાવ અને પ્રકૃતિના ભેદના લીધે શરીર રૂપી રથ પોતાના ગંતવ્ય સ્થાને પહોચી શકતો નથી. રથ ઉથલી પડે અર્થાત શરીર નો નાશ થાય છે. ધામણ જેવુ જીવન જીવીને માત્ર શ્વાસોચ્છશ્વાસ પૂર્ણ કરવા એ કઈ જીવન થોડું છે..? જીવન જીવંત હોવું જોઈએ. ભગવાન શ્રી જગનનાથજીની નગરયાત્રા કે રથયાત્રા જીવંતતાનું ઉત્તમ પ્રતિક છે.

આ સંપૂર્ણ માહિતી ભાવનગરના જ્યોતિષાચાર્ય અને શ્રીધર પંચાંગવાળા કિશન ગિરીશભાઈ જોશી દ્વારા આપવામાં આવી છે.