આજે સાંજે કારતક મહિનાની પૂનમ શરૂ થશે અને કાલે સાંજ સુધી રહેશે. આ કારતક મહિનાની છેલ્લી તિથિ છે. કારતક મહિનાની પૂનમને પુરાણોમાં ખૂબ જ ખાસ દિવસ કહેવામાં આવે છે. આ દિવસે કઈ વસ્તુનું દાન કરવું, દીપદાન ક્યા કરવું અને કયા દેવતાઓની પૂજા કરવાથી શું ફળ મળશે. આ દરેક બાબતો પદ્મ, સ્કંદ, બ્રહ્મ અને મત્સ્ય પુરાણમાં ઉલ્લેખવામાં આવી છે.
કારતક પૂનમ બે દિવસ કેમ ઊજવાશે
આ વર્ષે પૂનમ તિથિ 7 નવેમ્બરના રોજ સાંજે લગભગ 4.34 કલાકે શરૂ થઈ રહી છે અને બીજા દિવસે 8 તારીખે સાંજે સાડા 6 વાગે પૂર્ણ થઈ જશે. વ્રત-તહેવારનો નિર્ણય કરનાર ગ્રંથ નિર્ણય સિંધુમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે કારતક મહિનાની પૂનમ તિથિ જો બે દિવસ સુધી હોય તો બીજા દિવસે આ પર્વ ઊજવવો જોઈએ. પરંતુ ચંદ્રગ્રહણ હોય તો દીપદાન એક દિવસ પહેલાં કરો અને તીર્થ સ્નાન સૂતક શરૂ થયા પહેલાં કરો. એટલે 7 અને 8 નવેમ્બર, એમ બે દિવસ આ પર્વ ઊજવવામાં આવશે.
દીપદાન ક્યા કરશો
મંદિર, ચાર રસ્તા, ગલી, તળાવ, કુવા, પીપળાનું ઝાડ અને તુલસીના છોડ પાસે દીવો પ્રગટાવવામાં આવે છે. સાથે જ, ગંગા અને અન્ય નદીઓમાં લોટનો દીવો બનાવીને દીપદાન કરવામાં આવે છે. વિદ્વાનોના જણાવ્યા પ્રમાણે આ પૂનમ તિથિએ સાંજના સમયે દીપદાન કરવાથી દરેક પ્રકારના પાપ દૂર થઈ જાય છે. દીપદાન કરવાથી પુર્નજન્મ થતો નથી એટલે મોક્ષ મળી જાય છે.
8મીએ વ્રત અને સ્નાન-દાન કરો
કારતક પૂનમના દિવસે સ્નાન સવારે જલ્દી કરવું જોઈએ. પછી દિવસમાં ગ્રહણકાળમાં પણ જરૂરિયાતમંદ લોકોને દાન આપી શકાય છે. મત્સ્ય પુરાણમાં જણાવ્યા પ્રમાણે કારતક મહિનાની પૂનમનું વ્રત કર્યા પછી વૃષભ એટલે બળદનું દાન કરવાથી ભગવાન શિવ પ્રસન્ન થાય છે. એવું ન કરી શકો તો ચાંદીનો બળદ બનાવીને દાન કરી શકો છો. આ પર્વમાં ગાય, હાથી, રથ, ઘોડો અને ઘીનું દાન કરશો તો સંપત્તિ વધે છે. આ દિવસે સોનાથી બનેલી બકરીનું દાન કરવાથી ગ્રહ-નક્ષત્રના અશુભ ફળ દૂર થાય છે.
ત્રિદેવોએ આ દિવસને મહાપર્વ કહ્યું
આ દિવસને બ્રહ્મા, વિષ્ણુ, શિવ, અંગિરા અને આદિત્યએ મહાપર્વ કહ્યું છે. એટલે આ દિવસે કરવામાં આવતા સ્નાન-દાન, યજ્ઞ અને ઉપાસના કરવાથી અનંતગણું ફળ મળે છે. આ શુભ તિથિએ સાંજે ભગવાન વિષ્ણુ મત્સ્ય અવતારમાં પ્રગટ થયા હતાં. આ જ કારણ છે કે આ દિવસે કરવામાં આવતા દાન અને અન્ય શુભ કાર્યોનું પુણ્ય દસ યજ્ઞના ફળ સમાન મળે છે.
કાર્તિકેય પૂજાથી દોષ દૂર થાય છે
ભગવાન કાર્તિકેયના કારણે જ આ મહિનાનું નામ કારતક પડ્યું છે. સ્કંદ પુરાણના કાશીખંડમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે આ મહિનાના સુદ પક્ષના છેલ્લાં દિવસે એટલે પૂનમ તિથિએ ભગવાન કાર્તિકેયની પૂજા અને દર્શન કરવાથી સાત જન્મો સુધી ધન અને મહાપુણ્ય મળે છે. દુશ્મનો ઉપર વિજય પ્રાપ્ત થાય છે અને દરેક પ્રકારના દોષ પણ દૂર થાય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.