શ્રાવણમાં 30 શિવમંદિરોનાં દર્શન:ત્ર્યંબકેશ્વર જ્યોતિર્લિંગ; સ્વયંભૂ છે આ શિવલિંગ, ગૌતમ ઋષિ અને ગંગા નદી સાથે જોડાયેલી છે કથા

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • divyabhaskar.com માં અમે શ્રાવણ મહિના નિમિત્તે શ્રાવણ મહિનાના 30 દિવસમાં 30 પ્રખ્યાત શિવ મંદિરોનાં દર્શન કરાવીશું
  • બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ, ત્રણેય એકસાથે આ મંદિરમાં વિરાજિત છે

હાલ શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે અને આ મહિનામાં શિવજીનાં મંદિરોમાં દર્શન અને પૂજા કરવાની પરંપરા પ્રાચીન સમયથી ચાલી રહી છે. શિવજીનાં 12 જ્યોતિર્લિંગમાંથી એક નાસિક (મહારાષ્ટ્ર) પાસે સ્થિત ત્ર્યંબકેશ્વર જ્યોતિર્લિંગ છે. આ મંદિર અંગે માન્યતા છે કે અહીં સ્થિત શિવલિંગ સ્વયં પ્રકટ થયું હતું, એટલે એને કોઈએ સ્થાપિત કર્યું નથી. આ મંદિર ગોદાવરી નદીના કિનારે આવેલું છે. અહીં જાણો ત્ર્યંબકેશ્વર મહાદેવ મંદિર સાથે જોડાયેલી ખાસ વાતો....

ત્ર્યંબકેશ્વરની કથાઃ-
અહીં પ્રચલિત કથા પ્રમાણે, પ્રાચીન સમયમાં બ્રહ્મગિરિ પર્વત ઉપર દેવી અહિલ્યાના પતિ ઋષિ ગૌતમ રહેતા હતા અને તપસ્યા કરતા હતા. ક્ષેત્રમાં અનેક એવા ઋષિઓ હતા, જેઓ ગૌતમ ઋષિની ઈર્ષ્યા કરતા હતા અને તેમને નીચા દેખાડવાની કોશિશ કરતા રહેતા હતા. એકવાર બધા ઋષિઓએ ગૌતમ ઋષિ પર ગૌહત્યાનો આરોપ લગાવી દીધો. બધાએ કહ્યું હતું કે આ હત્યાના પાપની માફી માટે દેવી ગંગાને અહીં લઇને આવવાં પડશે. ત્યારે ગૌતમ ઋષિએ શિવલિંગની સ્થાપના કરીને પૂજા શરૂ કરી દીધી. ઋષિની ભક્તિથી પ્રસન્ન થઈને શિવજી અને માતા પાર્વતી ત્યાં પ્રકટ થયાં. ભગવાને વરદાન માગવા માટે કહ્યું. ત્યારે ઋષિ ગૌતમે શિવજીને દેવી ગંગાને એ સ્થાને મોકલવાનું વરદાન માગ્યું. દેવી ગંગાએ કહ્યું કે જો શિવજી પણ આ સ્થાને રહેશે, ત્યારે જ તેઓ અહીં રહેશે. ગંગાના કહેવાથી શિવજી ત્ર્યંબકેશ્વર જ્યોતિર્લિંગ સ્વરૂપમાં વાસ કરવા માટે તૈયાર થઈ ગયા અને ગંગા નદી ગૌતમી સ્વરૂપમાં ત્યાં વહેવા લાગી. ગૌતમી નદીનું એક નામ ગોદાવરી પણ છે.

બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ, ત્રણેય એકસાથે આ મંદિરમાં વિરાજિત છે.
બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ, ત્રણેય એકસાથે આ મંદિરમાં વિરાજિત છે.

બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ત્રણેય એકસાથે શિવલિંગમાં સ્થાપિત છેઃ-
ત્ર્યંબકેશ્વર મંદિર ખૂબ જ પ્રાચીન છે. મંદિરની અંદર એક નાના ખાડામાં ત્રણ નાના-નાના શિવલિંગ છે. આ ત્રણેય શિવલિંગ બ્રહ્મા, વિષ્ણુ અને શિવજીના નામથી ઓળખાય છે. ત્ર્યંબકેશ્વર મંદિર પાસે ત્રણ પર્વત સ્થિત છે, જેને બ્રહ્મગિરિ, નીલગિરિ અને ગંગા દ્વારના નામે ઓળખવામાં આવે છે. બ્રહ્મગિરિને શિવ સ્વરૂપ માનવામાં આવે છે. નીલગિરિ પર્વત ઉપર નિલામ્બિકા દેવી અને દત્તાત્રેય ગુરુનું મંદિર છે. ગંગા દ્વાર ઉપર દેવી ગોદાવરી એટલે ગંગાનું મંદિર છે. મૂર્તિનાં ચરણોથી ટીપે-ટીપે જળ ટપકે છે, જે ત્યાં રહેલા એક કુંડમાં એકઠું થાય છે.

જ્યોર્તિલિંગની વિશેષતાઃ-
અહીં શિવલિંગ પર અરધા એટલે કે શાળુંકા નથી, જે જગ્યા પર ઓખલી જેવો ખાડો દેખાય છે. આ ખાડામાં અંગૂઠાના આકારના ત્રણ લિંગ છે, જે બ્રહ્મા, વિષ્ણુ અને શિવજીના લિંગ એટલે કે ત્ર્યંબકેશ્વર મહાદેવ બિરાજમાન છે, જેમાંથી મુખ્યત્વે ભગવાન શિવજીના લિંગને વિશેષ અભિષેક કરવામાં આવે છે. શ્રદ્ધાળુઓ સામાન્ય રીતે ગર્ભગૃહમાં જઈને જ્યોર્તિલિંગ પર અભિષેક કરી શક્તા નથી. સામાન્ય શિરસ્તો એવો છે કે સ્નાન કરીને ધોતી પહેરીને આવનારા શ્રદ્ધાળુઓને જ ગર્ભગૃહમાં અભિષેક માટે પ્રવેશ આપવામાં આવે છે.

શ્રદ્ધાળુઓ સામાન્ય રીતે ગર્ભગૃહમાં જઈને જ્યોર્તિલિંગ પર અભિષેક કરી શક્તા નથી.
શ્રદ્ધાળુઓ સામાન્ય રીતે ગર્ભગૃહમાં જઈને જ્યોર્તિલિંગ પર અભિષેક કરી શક્તા નથી.

મંદિરમાં પૂજાઃ-
શ્રી ત્ર્યંબકેશ્વર મંદિરમાં દિવસમાં ત્રણવાર પૂજા થાય છે, જેમાં સવારે 7.00થી 9.00 કલાક દરમિયાન, બપોરે 1.00 કલાકે અને સાંજે 7.00 થી 9.00 કલાક દરમિયાન પૂજા-વિધિ થાય છે. રાત્રે શયનઆરતી કરવામાં આવે છે. આ ઉપરાંત દર સોમવારે ભગવાન ત્ર્યંબકેશ્વરના પાંચ મુખની છાપ ધરાવતા ત્ર્યંબકેશ્વરના મહોરને લઈને બપોરે 3.30થી 5.30 કલાક દરમિયાન પાલખી નીકળે છે અને બાજુમાં કુશાવ્રત તીર્થમાં જાય છે, જ્યાં અભિષેક કરવામાં આવે છે અને પાલખી મંદિરમાં પરત આવે છે. દર વર્ષે શિવરાત્રિ, કાર્તિક પૂર્ણિમા અને દશેરાના દિવસે આ પાલખીમાં ભગવાન ત્ર્યંબકેશ્વરના સુવર્ણ મહોરાને બેસાડવામાં આવે છે.

મંદિર સુધી કેવી રીતે પહોંચવુંઃ-
આ મંદિર સુધી પહોંચવા માટે તમારે નાસિક પહોંચવું પડશે. નાશિક વાયુ માર્ગ, રેલ માર્ગ અને સડક માર્ગથી દરેક મુખ્ય શહેર સાથે જોડાયેલું છે. નાશિકથી ત્ર્યંબકેશ્વર મંદિર લગભગ 29 કિમી દૂર છે. અહીંથી મંદિર સુધી પહોંચવા માટે અનેક સાધન મળી રહે છે.

અન્ય સમાચારો પણ છે...