આજથી શ્રાવણ મહિનો શરૂ થઈ રહ્યો છે. શ્રાવણ માસનો પ્રથમ દિવસ અને યોગાનુયોગ પ્રથમ સોમવાર છે. સુદ પક્ષનો પહેલો સોમવાર હોવાથી સાથે જ સૂર્ય, ચંદ્ર અને બુધના એક જ નક્ષત્રમાં હોવાથી આ દિવસનું મહત્ત્વ અનેક ગણું વધી ગયું છે. આ શુભ સંયોગમાં કરવામાં આવતી પૂજાનું સંપૂર્ણ ફળ મળશે. ભગવાન શિવજીએ બ્રહ્માજીના પુત્ર સનત્કુમારને સોમવારનું મહત્ત્વ જણાવ્યું હતું. કાશી અને પુરીના વિદ્વાનોના જણાવ્યા પ્રમાણે શ્રાવણ સોમવારનું વ્રત સૌથી પહેલાં ભગવાન કૃષ્ણએ કર્યું હતું.
સોમવાર ભગવાન શિવનું જ સ્વરૂપ છેઃ-
ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય અને ધર્મગ્રંથોના જાણકાર પં. પ્રવીણ દ્વિવેદીના જણાવ્યા પ્રમાણે ભગવાન શિવજીએ સ્વયં સનત્કુમારને જણાવ્યું કે સોમવાર મારું જ સ્વરૂપ છે. એટલે તેને સોમ કહેવામાં આવે છે. સોમવારે બધા શ્રેષ્ઠ વ્રતમાંથી એક છે. આ દિવસે વ્રત કરવાથી દરેક પ્રકારનું સુખ મળે છે. સાથે જ શિવજી કહે છે કે 12 મહિનામાં સોમવાર શ્રેષ્ઠ છે. જો કોઈપણ મહિનામાં સોમવારનું વ્રત કરી શકો નહીં તો શ્રાવણ સોમવારે વ્રત જરૂર કરવું જોઈએ. તેનાથી વર્ષભરના બધા જ સોમવારના વ્રતનું ફળ મળી શકે છે.
શ્રાવણ સોમવારે શિવપૂજાનું મહત્ત્વઃ-
માત્ર સોમવારે જ ભગવાન શંકરની પૂજા કરવાથી દરેક પ્રકારનું પુણ્ય મળે છે. સોમવારે ઉપવાસ કરીને સંયમ સાથે વૈદિક કે લૌકિક મંત્રોથી વિધિ વિધાનથી ભગવાન શિવની પૂજા કરવી જોઈએ. બ્રહ્મચારી, ગૃહસ્થ, કન્યા કે પરિણીતા સ્ત્રી કોઈપણ ભગવાન શિવની પૂજા કરીને મનોવાંછિત ફળ મેળવી શકે છે. શ્રાવણ મહિનાના સોમવારે રૂદ્રાભિષેક કરીને બ્રાહ્મણોને ભોજન અને વસ્ત્ર, દક્ષિણા દાન કરવાથી સુખ અને સંપત્તિ વધી જાય છે.
શ્રાવણ સોમવારે પૂજાનો સમયઃ-
પુરીના જ્યોતિષાચાર્ય ડો. ગણેશ મિશ્ર અને કાશીના ડો. રામનારાયણ દ્વિવેદીના જણાવ્યા પ્રમાણે સોમવારે શિવજીની પૂજા સવારે અને સાંજે એટલે બંને સમય કરવી જોઈએ. પરંતુ શ્રાવણ સોમવારના વ્રતમાં પૂજાનો સૌથી સારો સમય સાંજનો એટલે પ્રદોષ કાળનો માનવામાં આવે છે. ભગવાન શિવજીએ જ આ સમય જણાવ્યો છે. જેનો ઉલ્લેખ સ્કંદપુરાણમાં થયો છે.
પ્રદોષ કાળમાં શિવપૂજાનું ફળઃ-
સાંજે સૂર્યાસ્ત પછી શિવજીની પૂજા કરવાનું વિશેષ મહત્ત્વ છે. કેમ કે સૂર્ય અસ્ત થતાં જ પ્રદોષ કાળ શરૂ થઈ જાય છે અને રાત શરૂ થવા સુધી આ સમય રહે છે. આ પ્રકારે દિવસ અને રાતની વચ્ચેનો સમય જે લગભગ 2 કલાક 24 મિનિટનો માનવામાં આવે છે. શિવ મહાપુરાણમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે આ સમય શિવજી પ્રસન્ન મુદ્દામાં રહે છે. એટલે પ્રદોષ કાળમાં ખાસ પૂજામાં ભગવાન જલ્દી જ પ્રસન્ન થઈ જાય છે.
શ્રાવણ સોમવારની વિશેષ પૂજાઃ-
શિવ મંદિરમાં જઈને દીવો અને ધૂપબત્તી કરો. ઘરમાં પણ પૂજા કરી શકો છો. નદી કે કુવાથી શુદ્ધ જળ ભરવું. બોરવેલનું પાણી પણ લઈ શકો છો. તેમાં ગંગાજળ અને કાચુ દૂધ મિક્સ કરી લો. પછી શિવજી ઉપર ચઢાવો. જળ ચઢાવતી સમયે ઓમ નમઃ શિવાય મંત્ર બોલો. તે પછી ભગવાનને ચંદન લગાવો. પછી બીલીપાન, ધતૂરો અને મદારના ફૂલ ચઢાવો. તેની સાથે જ જે પણ પૂજા સામગ્રી હોય, તે બધી જ ભગવાન શિવજી ઉપર ચઢાવો અને ઓમ નમઃ શિવાય મંત્રનો 108વાર જાપ કરો. પછી ભગવાનને મીઠાઈનો પ્રસાદ ચઢાવીને વહેંચો.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.