રક્ષાબંધન:આજે બ્લૂ મૂનની રાત, પરંતુ બ્લૂ મૂન વાદળી નહીં પીળો જોવા મળે છે, હવે 2024માં આવો ચંદ્ર જોવા મળશે

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

રવિવાર, 22 ઓગસ્ટ એટલે આજે રક્ષાબંધન છે. આજે શ્રાવણ મહિનાની પૂનમ તિથિ પણ છે. આ પૂર્ણિમાએ જોવા મળતો ચંદ્ર બ્લૂ મૂન કહેવાય છે. આ અંગે ખગોળ વિજ્ઞાનની બ્રોડકાસ્ટર સારિકા ધારૂએ જણાવ્યુ કે જ્યારે ત્રણ મહિનાની એક સિઝનમાં ચાર પૂનમ આવે છે ત્યારે ત્રીજી પૂનમના ચંદ્રને બ્લૂ મૂન કહેવામાં આવે છે. તેને બ્લૂ મૂન તો કહેવાય જ છે, પરંતુ ચંદ્ર વાદળી નહીં પીળો જોવા મળે છે.

આજથી પહેલાં 18 મે 2019ની રાતે પણ બ્લૂ મૂન જોવા મળ્યો હતો. સૌથી લાંબા દિવસ એટલે 21 જૂનથી દિવસ-રાત બરાબર થવાની તારીખથી 22 સપ્ટેમ્બર સુધીના સમયગાળો ખગોળ વિજ્ઞાનમાં એક સીઝન છે. આ ખગોળીય સીઝનમાં ચાર પૂનમમાંથી શ્રાવણ મહિનાની પૂનમ ત્રીજી છે. મોટાભાગે વર્ષની દરેક સીઝનમાં માત્ર ત્રણ પૂનમ આવે છે, પરંતુ ક્યારેક એક સીઝનમાં 4 પૂનમ પણ આવી જાય છે.

એક અન્ય ખગોળીય વિચારધારા પ્રમાણે જો કોઈ એક અંગ્રેજી મહિનામાં બે પૂનમ આવી જાય છે ત્યારે બીજી પૂનમના ચંદ્રને બ્લૂ મૂન કહેવામાં આવે છે. આવું 2020માં થયું હતું જ્યારે 1 ઓક્ટોબરની પૂનમ પછી 31 ઓક્ટોબરના રોજ પણ પૂનમ આવી હતી.

આ પૂનમના દિવસે ચંદ્રી પીળાશ પડતો જોવા મળશે, બ્લૂ મૂન નામ છે પરંતુ વાદળી જોવા મળશે નહીં. આ વખતે ચંદ્ર સાથે સૌરમંડળનો સૌથી મોટો ગ્રહ જૂપિટર એટલે ગુરુ ગ્રહ પણ જોવા મળશે. બ્લૂમૂનની છેલ્લી ઘટના 18 મે 2019ના રોજ બની હતી. હવે 19 ઓગસ્ટ 2024ના રોજ બ્લૂ મૂન જોવા મળશે.