આજે પુષ્ય નક્ષત્રનો યોગ બની રહ્યો છે. સોમવાર હોવાથી તેને સોમ પુષ્ય કહેવામાં આવશે. આજે સાંજે 06:49 સુધી ચોથ તિથિ રહેશે, પછી પાંચમ તિથિ શરૂ થશે. આજે આખો દિવસ પુષ્ય નક્ષત્રનો યોગ બનશે. સોમવારે પુષ્ય નક્ષત્ર રહેવાથી પ્રજાપતિ નામનો શુભ યોગ પણ આખો દિવસ રહેશે. આ સિવાય આજે સર્વાર્થસિદ્ધિ, સોમપુષ્ય, ઇન્દ્ર અને વૈધૃતિ નામના 4 અન્ય શુભ યોગ પણ બની રહ્યા છે. આજનો દિવસ ખરીદદારી માટે ખૂબ જ શુભ માનવમાં આવે છે. આજે દાન અને પૂજા-પાઠ કરવા જોઈએ. પુષ્ય નક્ષત્રના સંયોગમાં કરવામાં આવતા દાનથી અનેક ગણું શુભ ફળ મળી શકે છે. સાથે જ આ યોગમાં કરવામાં આવતા પૂજા-પાઠથી ખરાબ સમય પણ દૂર થવા લાગે છે.
શિવજીનો અભિષેક કરો
સોમ પુષ્યના શુભ યોગમાં શિવજીની પૂજા કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ દિવસે સવારે સ્નાન વગેરે કાર્યો કર્યા પછી શિવજીની પૂજા કરો અને ગાયના દૂધથી શિવલિંગનો અભિષેક કરો. અભિષેક કરતી સમયે ૐ નમઃ શિવાય મંત્રનો જાપ પણ કરતાં રહો. શિવજીને બીલીપત્ર પણ ચઢાવો. તેનાથી તમારી પરેશાનીઓ દૂર થઈ શકે છે.
ધનલાભ માટે ઉપાય કરો
જો તમે ધનની ઇચ્છા રાખતાં હોવ તો સોમ પુષ્યના શુભ યોગમાં હળદરની 7 ગાંઠ એક પીળા કપડાંમાં બાંધીને પોતાના ધન સ્થાન એટલે તિજોરીમાં કે ગલ્લામાં રાખો. મનમાં જ દેવી લક્ષ્મીનું સ્મરણ કરો. તેનાથી ધનલાભના યોગ બની શકે છે અને જીવનમાં સુખ-સમૃદ્ધિ પણ બની રહેશે.
પુષ્ય નક્ષત્રથી અક્ષય ફળ મળી શકે છે
પુષ્ય નક્ષત્રમાં કરવામા આવતા કાર્યોનું અક્ષય ફળ મળી શકે છે. આ નક્ષત્રનો સ્વામી શનિ હોય છે. શનિ વૃદ્ધિ કરનાર અને લાંબા સમય સુધી ફળ આપનાર ગ્રહ છે. એટલે આ નક્ષત્રમાં શિવપૂજાથી શનિદોષ પણ દૂર થશે અને લાંબા સમય સુધી શુભફળ મળી શકે છે.
ગુરુ ગ્રહ પાસેથી શુભ ફળ મેળવવા માટે આ ઉપાય કરો
પુષ્ય નક્ષત્રમાં ગુરુ ગ્રહનો પણ પ્રભાવ હોય છે. જે લોકોની કુંડળીમાં ગુરુ અશુભ સ્થિતિમાં હોય, તેમણે સોમ પુષ્યના શુભ યોગમાં કેળાના ઝાડની પૂજા કરવી જોઈએ અને હળદર મિશ્રિત જળ ચઢાવવું જોઈએ. કોઈ યોગ્ય બ્રાહ્મણને પીળા કપડાં, હળદર અને કેળાનું દાન કરો. તેનાથી ગુરુ ગ્રહ શુભફળ આપવા લાગે છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.