ભડલી વાક્ય મુજબ,
હોળી દિન કરો વિચાર, શુભ અને અશુભ ફળ સાર;
પશ્ચિમનો વાયુ જો વાય, સમય એ જ સારો કહેવાય.
વાયુ જો પુરવનો વાય, કોરો ને કઈ ભીની જાય;
દક્ષિણ વાયુ ધનનો નાશ, એ સમય ન ઉપજે ઘાસ.
ઉત્તરનો વાયુ બહુ હોય, પૃથ્વી પીઆર પાણી બહુ જોય;
જો વંટોળ ચારે વાય, પૃથ્વી રણસંગ્રામ બતાય;
ફાગણની પૂનમે દિન, હોળી સમયે પારખ કિન.
આ વર્ષે હોળી પ્રાગટ્યના સમયે જ ગુજરાતના અનેક વિસ્તારોમાં વાવાઝોડૂ, વંટોળ અને વરસાદ સાથે ચોમાસા જેવો માહોલ જામ્યો હતો. હોળીના દિવસે અને ફાગણમાં આ પ્રમાણેની ઘટના અનેક વર્ષો પછી બની છે, હોળી પ્રાગટ્યના સમયે જ વડવાઓ અને જ્યોતિષીના જાણકારો આવનારા ચોમાસાની આગાહી કરતાં હોય છે. તે પ્રમાણે આ વર્ષે વિચિત્ર સંકેતો મળી રહ્યા હોવાથી 'દિવ્ય ભાસ્કરે' કેટલાક જ્યોતિષીઓ સાથે વાત કરી અને તેમનાં મંતવ્યોને જાણ્યાં હતાં...સામાન્ય રીતે હોળી પ્રાગટ્ય વખતે જે દિશામાં પવન વાય તે દિશા પ્રમાણે ચોમાસમાં વરસાદ, રાજકીય આગાહીઓ કરવામાં આવતી હોય છે. તે પ્રમાણે ભડલી વાક્ય પ્રમાણે- જો વંટોળ ચારે વાય, પૃથ્વી રણસંગ્રામ બતાય, તે પ્રમાણે વિચિત્ર સંકેતો મળી રહ્યા છે.
હોળીના દિવસે જ વરસાદ પડતાં આ વખતે ચોમાસું અણધાર્યું રહેશે તેવી જ્યોતિષીઓ દ્વારા આગાહી કરવામાં આવી છે. શાસ્ત્રવિદોના મતે એવો કંઈ સ્પષ્ટ ઉલ્લેખ મળતો નથી કે હોળીના દિવસે વરસાદ આવે તો કંઈ મોટું ભયંકર અશુભ થાય. પરંતુ હોળી પ્રાગટ્યના તહેવારમાં હોળીની પ્રદક્ષિણા કરી વર્ષ સુધી નિરોગી રહેવા માટે ભગવાન વિષ્ણુના આશીર્વાદ મેળવવામાં આવે છે. તેમાં કંઈક વિક્ષેપ પડ્યો હોય તેવું જરૂર માની શકાય. આગામી સમય આમ જનતા માટે સામાજિક, આર્થિક, રાજકીય મહાનુભવો માટે તેમજ વર્ષાઋતુ કેવી રહેશે ? ધન-ધાન્ય કેવા પાકશે ? કુદરતી કે અકુદરતી ઘટનાઓ કેવી બનશે ?
જ્યોતિષ શાસ્ત્રીઓનો મત:-
જ્યોતિષચાર્ય દુર્ગા પ્રસાદે જણાવ્યું તે અનુસાર હોળીનું પર્વ હોય તેમાં પણ જો ભદ્રા જેવી સ્થિતિ હોય જેનું લોકોએ અનુસરણ કર્યું નથી તે ખરેખર અશુભ માનવામાં આવે છે, ભદ્રામાં જો હોળી પ્રગટાવવામાં આવે તો નિયમ મુજબ રાષ્ટ્રમાં આગની અને વાવાઝોડાની ઘટનાઓ સાથે ખંડ વૃષ્ટિ (દુષ્કાળ) જેવી સ્થિતિ વર્તાય છે પરંતુ આ વખતે જ્યારે હોળી પ્રગટાવવામાં આવી તેની જાણ તેની જ્વાળા આકાશ તરફ ગઈ ન હતી એની જગ્યાએ પવનની દિશા એકંદરે પશ્ચિમ વાયવ્ય અને નૈઋત્યને મળતી હતી. ખંડ વૃષ્ટિ અવશ્ય રહેશે વાવાઝોડું કે વધારે પવન સાથે વરસાદ આવે વૃક્ષોનો નાશ થાય છે, આ વખતે હોળીના નિર્ધારિત સમયમાં વધારે પડતું વાવાઝોડું પવન આકાશમાં ડમરીઓ જોવા હતી જે ખરેખર ખેતી અને ઉદ્યોગો માટે સારા સમાચાર ન કહી શકાય. સામાન્ય રીતે રાજ્ય કે દેશમાં ઘણી કપરી પરિસ્થિતિનો સામનો કરવો પડી શકે છે, જે હોળિકા દહન ભદ્રામાં થયું છે તેના પ્રભાવના ભાગ રૂપે દુષ્કર્મો બેરોજગારી મોંઘવારી જોવા મળશે, સમગ્ર વર્ષ દરમિયાન નાની મોટી કુદરતી આફતોનો સામનો કરવો પડશે.
ભાવનગરના શ્રીધર પંચાંગના જ્યોતિષ કિશન ગિરિશભાઈ જોષીના જણાવ્યા પ્રમાણે આ વખતે હોળીના દિવસે વાવાઝોડાની પરિસ્થિતિ રણસંગ્રામનો સંકેત આપી રહી છે. ચોમાસનો અનિશ્ચિત સંકેત આપી રહ્યું છે. વરસાદ સારો થાય કે પૂરની સ્થિતિ રહે, ઉનાળો મોડો બેસે કે ગરમી વધશે તે અનિશ્ચિત મનાઈ રહ્યું છે. ભારતના ઈતિહાસમાં ફાગણમાં હોળીના દિવસે વરસાદી માહોલ પેદા થયાનું અનેક વર્ષો પછી બન્યું છે. આવું થાય ત્યારે અઘટિત ઘટના બનવાના સંકેત મળે છે, આર્થિક સ્થિતિ મંદ પડી શકે છે, રાજકીય રીતે મોટા નેતાનું સ્થાન પરિવર્તન કે નિધન થઈ શકે છે. સત્તામાં પરિવર્તન થઈ શકે છે. સત્તાનું બળ ઓછું થઈ શકે, પ્રજાનો સત્તા પ્રત્યેનો રોષ વધે, અનાજનો ભાવ વધે, મોંઘવારી વધે, સરહદ પર યુદ્ધની સ્થિતિ રહે. વિદેશ સાથેના મતભેદ વધી શકે, ઋતુભંગ થવાનો સંકેત હોવાથી ચોમાસુ વહેલું કે મોડું રહે, વારંવાર વરસાદી માહોલ રહે, અનાજના પાક ખરાબ થઈ શકે. પશુ-પક્ષીઓનાં મોત વધી શકે.
વિક્રમ સંવત ૨૦૭૯ની હોળી પ્રગટાવવાની સાથે અગ્નિજ્વાળા વાયવ્ય દિશા બાજુ ભભૂકવા માંડી હતી, અને ત્યાર પછી વરસાદની શરૂઆત થઇ હતી.જ્યોતિષાચાર્ય આશિષ રાવલે ભડલી વાક્યોના અવલોકનના આધારે જણાવ્યું હતું કે હોળીના પ્રાગટ્ય પછી ગણતરીની મિનિટોમાં દક્ષિણ અને નૈઋત્ય દિશામાં પવન ફૂંકાવાની શરૂઆત થઇ હતી. જેથી નજીકના સમયમાં યુદ્ધની પરિસ્થિતીનું નિર્માણ સંભવિત છે, ખેતીજન્ય પાક મોટા પ્રમાણમાં બગડી શકે છે સાથે જ રાજ્યમાં મંદી અને મોંઘવારી જેવા પ્રશ્નો માઝા મૂકશે સાથે આતંકવાદનો પ્રશ્ન ગહન બનશે. પાછળના ભાગમાં વરસાદ મબલક વધે. હિંસક પશુઓ સાથે નાના જીવ જંતુનો ઉપદ્રવ વધે તેવી સંભાવના વર્તાઈ રહી છે. જ્વાળાની શરૂઆતની ગણતરીની મિનિટોમાં જ્વાળા ચારેબાજુ ધુમાડા જેવી જોવાથી રાજકીય ક્ષેત્રે મહાનુભાવનું ભાવિ વધારે અશાંતિ, ઉદ્વેગ અને અંધાધૂંધીવાળું જોવા મળી શકે છે, આકસ્મિક દુર્ઘટના જેવી અશુભ શક્યતા નકારી શકાતી નથી
જ્યોતિષાચાર્ય વિપુલ દવેના જણાવ્યા પ્રમાણે ‘હોળીની જ્વાળા ઉત્તરથી ઈશાન તરફ ગઈ હતી અને ત્યારબાદ વંટોળને કારણે જ્વાળા દક્ષિણ દિશા તરફ જોવા મળી હતી. જેને પરિણામે દેશના કેટલાક પ્રદેશોમાં રાજકીય વંટોળ સર્જાવાની શક્યતા જણાય છે, હોળીના દિવસે વાયવ્ય તરફનો પવન હોવાને કારણે મુહૂર્તની દૃષ્ટિએ આ નિશાની સારી નથી. ભારે પવન અને વાવાઝોડાને કારણે ચોમાસામાં ખેડૂતો પર અસર પડી શકે છે. જો વાવાઝોડાનું પ્રમાણ વધે તો ખેડૂતોના પાકને નુકસાન થવાની સંભાવના જોવા મળી રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.