• Gujarati News
  • Dharm darshan
  • Dharm
  • This Time Norta Will Be Nine nine Days, Early Monday Morning To Establish The Shrine Of Mataji, Know The Pooja Rituals And Muhurat. Navratri 2022

અખંડ નવરાત્રિ:સોમવારે 6 રાજયોગમાં નોરતાંની શરૂઆત થશે, વહેલી સવારે માતાજીનું ઘટ સ્થાપના કરવું, પૂજાવિધિ અને મુહૂર્ત જાણી લો

2 મહિનો પહેલા
  • શક્તિ અને ભક્તિથી અનાશક્તિ કેળવવાનો શુભ અને પાવન અવસર...
  • નવરાત્રિમાં દેવીનું આવાહન, પૂજન અને વિસર્જન, આ ત્રણેય શુભ કામ સવારે જ કરવા જોઈએ
  • “વિકૃતિના નાશ માટેની શક્તિ અમોને પ્રાપ્ત થાઓ.” એવી પ્રાર્થના કરી રસ-ગરબા કરવા

આસો સુદ એકમ સોમવાર તા. 26-9-2022થી માતાજીની ઉપાસના, ભક્તિ અને સાધના માટેના નવરાત્રિની શુભ શરૂઆત થશે. આ વખતે આ ઉત્સવ 9 દિવસનો રહેશે અને 4 ઓક્ટોબરના રોજ દુર્ગા નોમ સાથે પૂર્ણ થશે. આ નોરતાને શારદીય નવરાત્રિ પણ કહેવામાં આવે છે. આ દિવસોમાં દેવીનું આવાહન, પૂજન અને વિસર્જન, આ ત્રણેય શુભ કામ સવારે જ કરવા જોઈએ. નવરાત્રિની શરૂઆત જે વારથી થાય છે, તે વાર પ્રમાણે દેવી માતા વિવિધ વાહનો ઉપર સવાર થઈને ધરતી લોક આવે છે. આ વર્ષે સોમવારથી નવરાત્રિ શરૂ થઈ રહી છે એટલે દેવી દુર્ગા હાથી ઉપર સવાર થઈને આવશે.

આ વર્ષે અખંડ નવરાત્રિ છે. એક પણ નોરતું ઓછું નથી. અખંડ નવરાત્રિ સંસાર માટે ખુબ સારી ગણાય છે. આ વર્ષે સપ્તાહના પ્રથમ દિવસે સોમવારથી નવરાત્રિ પર્વની શરૂઆત થાય છે. આ નવરાત્રિમાં કરવામાં આવતી માતાજીની ભક્તિ પોતાના આંતરિક વિકાસમાં મહત્ત્વનો ભાગ રહેશે. વાસ્તવિકમાં માનવ ઇન્દ્રિયોની વૃત્તિ મહિષ અર્થાત પાડા જેવી જ લગામરહિત અને સંયમહીન છે. તે કેવળ માતા દુર્ગાની શક્તિથી જ જીતી શકાય છે. તે આ ઉપાસનાનું મર્મ છે.

6 રાજયોગમાં નવરાત્રિ શરૂ
આ શક્તિ પર્વ દરમિયાન તિથિ, વાર, નક્ષત્ર અને ગ્રહો મળીને બે સર્વાર્થસિદ્ધિ, એક દ્વિપુષ્કર અને ત્રણ રવિયોગ બનશે. આ દિવસોમાં ખરીદી માટે 8 શુભ મુહૂર્ત રહેશે. જેમાં પ્રોપર્ટીમાં રોકાણ માટે બે અને વાહન ખરીદી માટે ત્રણ દિવસ શુભ રહેશે. આ દિવસે કેદાર, ભદ્ર, હંસ, ગજકેસરી, શંખ અને પર્વત નામના શુભ યોગ બની રહ્યા છે. આ 6 રાજયોગમાં નવરાત્રિની શરૂ થઈ રહી છે. સૂર્ય, બુધ, ગુરુ અને શનિ દ્વારા બનતાં આ શુભયોગમાં કળશ સ્થાપના થવી શુભ સંકેત છે.

ભગવાનની શક્તિ મનુષ્યમાં બુદ્ધિરૂપે, શ્રદ્ધારૂપે અને શક્તિ, બળ, પરાક્રમ રૂપે રહી છે. પણ સંયમ અને પ્રભુકૃપા વગર તે પ્રગટ થતી નથી. માણસમાત્રમાં રહેલી આ શક્તિઓને આવર્તીત કરવાનું પર્વ એટલે નવરાત્રિ.

ઘટ સ્થાપના વિધિ
આ તહેવારની ઉજવણીમાં મંદિરોમાં અને ઘરોમાં મા આદ્યશક્તિની ઘટસ્થાપના કરવામાં આવે છે. ઘટ સ્થાપના વખતે માટીમાં અગિયાર ધાન્યની વાવણી કરીને જવારા ઉગાડવામાં આવે છે અને દસમા દિવસે માતાજીની વિદાય સાથે આ જવારાનું પણ વિસર્જન થાય છે. કેટલાંક લોકો શુકન સ્વરૂપે જવારા પોતાની તિજોરી કે કબાટમાં આખા વર્ષ સુધી રાખે છે. નવા વર્ષે બીજા નવા જવારા મૂકીને પછી જ જૂનાં જવારા વિસર્જિત કરે છે. નવરાત્રિના પહેલાં દિવસે માતાજીનું સ્થાપન કરવામાં આવે છે. આ સ્થાપન માટે લાલ રંગનાં કપડાંનો પ્રયોગ કરો. માતાજીની સ્થાપના વખતે કળશની સ્થાપના ઈશાન ખૂણામાં કરવામાં આવે છે. માતાજીનાં સ્થાપનમાં અખંડ દીપક પ્રજ્વલિત કરો. તેના માટે ઘીનો દીવો પ્રગટાવો અને ધ્યાન રાખો કે અંતિમ દિવસ સુધી એ દીવો ઓલવાય નહીં.

ઘટ સ્થાપના વખતે માટીમાં અગિયાર ધાન્યની વાવણી કરીને જવારા ઉગાડવામાં આવે છે અને દસમા દિવસે માતાજીની વિદાય સાથે આ જવારાનું પણ વિસર્જન થાય છે.

સૌપ્રથમ જમીનને શુદ્ધ કરવા માટે ગૌ મૂત્ર અને ગંગાજળ છાટવું. ત્યારપછી બાજોઠ ઉપર લાલ રેશમી વસ્ત્ર પાથરી તાંબાનો ગરબો, માટીનો ગરબો, માતાજીની મુર્તિ અથવા છબીની સ્થાપના કરવી, ત્યારપછી તેને શુદ્ધ જળથી સ્નાન કરાવી ચંદન અથવા કંકુનો ચાંદલો કરી, ગરબાને સાથિયો કરી, ફૂલનો હાર ચઢાવવો. ઘીનો દીવો અને અગરબત્તીનો અથવા ગૂગળનો ધૂપ કરવો. માતાજીને નૈવેધ સ્વરૂપે સાકર મિશ્રિત દૂધ અને ફળ ધરવા. ચંડીપાઠનું વાંચન કરવું. આ ઉપરાંત માતાજીની સ્તુતિ, મંત્ર બોલવા. માતાજીની આરતી કરવી અને પછી પ્રસાદ સૌને વહેચવો.

આ વર્ષે નવે-નવ નોરતા છે. એકપણ તિથિનો ક્ષય થશે નહીં. “વિકૃતિના નાશ માટેની શક્તિ અમોને પ્રાપ્ત થાઓ.” એવી પ્રાર્થના કરી રસ-ગરબા કરવા.

પ્રથમ દિવસે માં દુર્ગાનું સ્વરૂપ ‘શૈલપુત્રી’ તરીકે ઓળખાય છે. નવ સ્વરૂપમાં પ્રથમ સ્વરૂપ છે. પર્વતરાજ હિમાલયના ત્યાં પુત્રી તરીકે જન્મ લીધો હીવાથી તે ‘શૈલપુત્રી’ તરીકે ઓળખાય છે. પ્રથમ દિવસની ઉપાસનામાં યોગીઓ પોતાના મનને ‘મુલાધાર ચક્ર’ માં સ્થિર કરે છે. સાધનાનો આરંભ અહીથી થાય છે. માતા પાર્વતિએ યોગગ્નિ દ્વારા પોતાના શરીરને ભસ્મ કર્યું અને પછી પર્વતરાજ હિમાલયને ત્યાં જન્મ ધારણ કર્યો. અને એટલે એનું નામ ‘શૈલપુત્રી’ તરીકે ખ્યાત થયું. એમનું વાહન વૃષભ(બળદ) છે. દેવાધિદેવ ભગવાન શિવ એમના પતિ છે..

  • આસો સુદ આઠમ (મહાઅષ્ટમી) સોમવાર તા. 3-10-2022ના દિવસે અષ્ટમીનો હવન તથા અષ્ટમીના નૈવેદ્ય કરવા.
  • આસો સુદ નોમ (મહાનવમી) મંગળવાર તા.4-10-2022ના દિવસે નોમનો હવન તથા નોમના નૈવેધ કરવા.
  • આસો સુદ દશમ (વિજયા દશમી) બુધવાર તા. 5-10-2022ના દિવસે દશમનો હવન તથા દશમના નૈવેધ કરવા. અસ્ત્ર-શસ્ત્રનું પૂજન કરવું.

આ સંપૂર્ણ માહિતી ભાવનગરના શ્રીધર પંચાંગવાળા કિશન ગિરીશભાઈ જોશી દ્વારા આપવામાં આવી છે

અન્ય સમાચારો પણ છે...