શ્રીમદ્દ દેવીભાગવતમાં કહ્યું છે ‘ના અતઃપરંસ્તોત્રં ના અતઃપરતરં વ્રતંઅક્ષયયેષુ ચ દાનેષુ રુદ્રાક્ષસ્તુ વિશિષ્યતે’ અર્થાત રુદ્રાક્ષથી વધીને કોઈ સ્તોત્ર નથી કે નથી કોઈ વ્રત. અક્ષયદાન કરતાં પણ રુદ્રાક્ષ વધુ વિશિષ્ટ છે. જેવી રીતે પુરુષોમાં વિષ્ણુ, ગ્રહોમાં સૂર્ય, નદીઓમાં ગંગા, મુનિઓમાં કશ્યપ, દેવીઓમાં ગૌરી શ્રેષ્ઠ છે તેવી રીતે માળાઓમાં રુદ્રાક્ષની શ્રેષ્ઠતા છે. ભગવાન શિવજીની આરાધનામાં રુદ્રાક્ષનું વિશેષ મહત્ત્વ છે. રુદ્રાક્ષને શ્રાવણ માસમાં ધારણ કરવો તે શ્રેષ્ઠ છે. આખા શ્રાવણ માસ દરમિયાન અને અમાવસ્યાના દિવસે રુદ્રાક્ષ ધારણ કરવાથી યાચકને ઇષ્ટ સિદ્ધિ પ્રાપ્ત થાય છે. ભગવાન શિવની આરાધનાનું પ્રતીક હોવાને કારણે તેને વિવિધ સ્વરૂપે ધારણ કરવામાં આવે છે. શિવપુરાણમાં સ્ત્રીઓને રુદ્રાક્ષ, રુદ્રાક્ષમાળા ધારણ કરવાની સંમતિ આપવામાં આવી છે. એટલું જ નહીં, પરંતુ કોઈપણ જાતિ, જ્ઞાતિના વ્યક્તિ રુદ્રાક્ષ કે રુદ્રાક્ષની માળા ધારણ કરી શકે છે. રુદ્રાક્ષ એકથી ચૌદ મુખી સુધી ઉપલબ્ધ છે. 29 જુલાઈ, શુક્રવારથી શ્રાવણ મહિનો શરૂ થઈ રહ્યો છે. આ દિવસોમાં રુદ્રાક્ષને કેવી રીતે ધારણ કરવો અને તેનો મહિમા તથા મહત્ત્વ શું છે તે આ લેખમાં જાણો.
રુદ્રાક્ષ શું છે?
રુદ્રાક્ષ એક ઝાડના બીજ છે, જે દક્ષિણ પૂર્વ એશિયાના અમુક સ્થાને ઊગે છે- જેને વનસ્પતિ વિજ્ઞાનમાં એલીઓકાર્પસ ગ્રાન્ટ્રસ તરીકે ઓળખવામાં આવે છે. જેને ‘શિવજીના આંસુ’ પણ કહેવામાં આવે છે અને ભગવાન શિવ સાથે જોડાયેલી અનેક વાર્તાઓ છે જે રુદ્રાક્ષના મૂળ અંગે જણાવે છે. રુદ્રાક્ષ શબ્દ ‘રુદ્ર’ અને ‘અક્ષ’થી બને છે. ‘રુદ્ર’ શિવનું નામ છે અને ‘અક્ષ’નો અર્થ આંસુ થાય છે. શાસ્ત્રો પ્રમાણે, એક વખત પરમપિતા ભગવાન શિવે જગતના કલ્યાણ માટે હજારો વર્ષ તપ કર્યું અને એક વખત તેમનું મન દુઃખી થયું અને જ્યારે તેમણે આંખો ખોલી તો આંસુની બુંદ નીકળી અને જમીન પર પડી. એમાંથી એક વૃક્ષની ઉત્પત્તિ થઇ જે વૃક્ષ રુદ્રાક્ષનું હતું.
રુદ્રાક્ષને કેવી રીતે ધારણ કરી શકાય?
નવા રુદ્રાક્ષ મણકાની કંડિશનિંગ(સાફ કરવાની પ્રક્રિયા) કરવા માટે તેને શુદ્ધ ઘીમાં 24 કલાક માટે રાખો અને પછી 24 કલાક માટે દૂધમાં પલાળી રાખો. ત્યાર બાદ તેને કપડાથી સાફ કરી લો. રુદ્રાક્ષને સાબુ કે કોઈ અન્ય સામગ્રી દ્વારા સાફ કરવો નહીં. આ કંડિશનિંગના કારણે રુદ્રાક્ષનો રંગ બદલાઈ શકે છે. જે સંપૂર્ણ રીતે સામાન્ય છે કેમ કે આ એક પ્રાકૃતિક મણકા હોય છે. રુદ્રાક્ષની કંડિશનિંગ દર છ મહિને કરવી જોઈએ.
રુદ્રાક્ષ પહેરવાથી શું લાભ મળે છે?
રુદ્રાક્ષ શારીરિક અને માનસિક સંતુલન જાળવી રાખવામાં ખૂબ જ મદદગાર રહે છે. આધ્યાત્મિક સાધકો માટે, તે આધ્યાત્મિક વિકાસને વધારવામાં મદદ કરે છે. દુનિયાભરમાં અનેક શારીરિક, માનસિક અને મનોદૈહિક રોગ(મનના વિકારોની શરીર પર પડતી અસરને લગતું)ના ઇલાજમાં તેનો ઉપયોગ કરવામાં આવે છે.
રુદ્રાક્ષ કોણ પહેરી શકે છે?
કોઈપણ લિંગ, સાંસ્કૃતિક, જાતીય, ભૌગોલિક અથવા ધાર્મિક બૅકગ્રાઉન્ડની વ્યક્તિ રુદ્રાક્ષ પહેરી શકે છે. કોઈપણ માનસિક અને શારીરિક સ્થિતિમાં અને જીવનના કોઈપણ ચરણમાં લોકો રુદ્રાક્ષ પહેરી શકે છે. રુદ્રાક્ષ બાળકો, વિદ્યાર્થીઓ, વડીલો અને બીમાર લોકો દ્વારા પહેરી શકાય છે અને તેમને અનેક લાભ પણ મળી શકે છે.
વિવિધ પ્રકારના રુદ્રાક્ષથી શું લાભ મળે છે?
રુદ્રાક્ષ ધારણ કરવાના નિયમ
શાસ્ત્રોમાં રુદ્રાક્ષના શુભ ફળ અને પ્રભાવ માટે ખાન-પાન અને વ્યવહાર સાથે જોડાયેલી કેટલીક બાબતોનું પાલન કરવું પણ જરૂરી માનવામાં આવ્યું છે નહીંતર તે શુભફળ આપવાની બદલે અદૃશ્ય દોષ આપવા લાગે છે. આથી રુદ્રાક્ષ ધારણ કર્યા બાદ માંસ-મદિરાનો ત્યાગ કરવો, લસણ-ડુંગળીનો ત્યાગ કરવો, સત્યનું આચરણ કરવું, ખોટી સોબતથી બચવું.
સાચો રુદ્રાક્ષ હોય તે પાણીમાં ડૂબી જાય છે
સાચો રુદ્રાક્ષ છે તે પાણીમાં ડૂબી જાય છે આ ઉપરાંત બે ત્રાંબાના પૈસા વચ્ચે રુદ્રાક્ષ રાખી અને દબાવવાથી તે વચ્ચે ફરે છે. આમ બંનેમાંથી એક પરીક્ષણ કરીને જ રુદ્રાક્ષની ખરીદી કરવી. રુદ્રાક્ષને નીચે જમીન પર ક્યારેય ન મૂકવો અને અપવિત્ર જગ્યાએ ન મૂકવો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.