• Gujarati News
  • Dharm darshan
  • Dharm
  • The Tradition Of Worshiping The Sun On Tula Sankranti 17 When The Sun Enters Libra, It Removes Diseases And There Is No Shortage Of Food.

તુલા સંક્રાંતિ:17 ઓક્ટોબરે સૂર્ય તુલા રાશિમાં પ્રવેશ કરશે, આ દિવસે પૂજા કરવાથી બીમારી દૂર થાય છે અને અન્નની ખોટ નથી રહેતી

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કન્યા રાશિમાંથી તુલા રાશિમાં સૂર્યના પ્રવેશને 'તુલા સંક્રાંતિ' કહેવાય છે
  • સંક્રાંતિ પર પિતૃ તર્પણ, દાન, ધર્મ અને સ્નાનનું મહત્ત્વ હોય છે

કન્યા રાશિમાંથી તુલા રાશિમાં સૂર્યના પ્રવેશને 'તુલા સંક્રાંતિ' કહેવાય છે. આ વર્ષે તુલા સંક્રાંતિ 17 ઓક્ટોબરે છે. 17 તારીખથી સૂર્ય 16 નવેમ્બર સુધી તુલા રાશિમાં રહેશે. આ રાશિ પરિવર્તન પર સવારે વહેલા ઉઠી સૂર્યને અર્ધ્ય આપી સારાં સ્વાસ્થ્યની પ્રાર્થના કરવામાં આવે છે.

તુલા સંક્રાંતિ
પૂરીના જ્યોતિષાચાર્ય ડૉ. ગણેશ મિશ્ર જણાવે છે કે, સૂર્ય તુલા રાશિમાં પ્રવેશ કરે ત્યારે તેને તુલા સંક્રાંતિ કહેવાય છે. આસો અથવા કારતક મહિનામાં આ સંક્રાંતિ આવે છે. ઓડિશા અને કર્ણાટક રાજ્યમાં તેની ઉજવણી ઉત્સવ તરીકે કરવામાં આવે છે. આ રાજ્યોના ખેડૂતો સંક્રાંતિએ ચોખાના પાકમાં દાણા આવવાની ખુશી મનાવે છે. કાવેરી નદીના કિનારે મેળો લાગે છે. લોકો તટે આવી સ્નાન અને દાન-પુણ્ય કરે છે.

તાજો પાક અર્પણ થાય છે

  • તુલા સંક્રાંતિ પર અને આખો 1 મહિનો પવિત્ર નદી અને તળાવમાં સ્નાન કરવું શુભ કાર્ય ગણાય છે.
  • તુલા સંક્રાંતિમાં પાકમાં દાણા આવવાની શરૂઆત થાય છે. આ ખુશીમાં લક્ષ્મી માતાનો આભાર માની તેમને આ દાણા અર્પણ કરાય છે.
  • ઘણા લોકો પૌંક ચઢાવે છે. માતા લક્ષ્મીને પ્રાર્થના કરવામાં આવે છે કે તેમનો પાક પૂર, દુકાળ અને બીમારીઓથી બચીને રહે.
  • આ દિવસે લક્ષ્મી દેવીની વિશેષ પૂજા કરવામાં આવે છે. આ દિવસે પરિવાર સાથે પૂજા કરી ચોખા વધાવવાથી ઘરમાં ક્યારેય અનાજની ખોટ થતી નથી.

આખા વર્ષમાં 12 સંક્રાંતિ
સૂર્ય એક રાશિમાંથી બીજી રાશિમાં પ્રવેશ કરે ત્યારે તેને સંક્રાંતિ કહેવાય છે. હિન્દુ કેલેન્ડર પ્રમાણે આખા વર્ષમાં 12 સંક્રાંતિ હોય છે. દરેક રાશિમાં સૂર્ય પ્રવેશ કરે ત્યારે તેની સંક્રાંતિ ગણાય છે. દરેક સંક્રાંતિનું અલગ મહત્ત્વ હોય છે. સંક્રાંતિ પર પિતૃ તર્પણ, દાન, ધર્મ અને સ્નાનનું મહત્ત્વ હોય છે.