શ્રાવણ મહિનામાં શિવજીનો રૂદ્રાભિષેક વિશેષ રૂપથી કરવામાં આવે છે. રૂદ્ર અભિષેક એટલે રૂદ્રને સ્નાન કરાવવું. શિવજીનું એક નામ રૂદ્ર પણ છે. તાંબાના લોટાથી શિવલિંગ ઉપર જળની ધારા અર્પણ કરવામાં આવે છે. શિવલિંગ ઉપર જળ કેમ ચઢાવવામાં આવે છે, આ અંગે સમુદ્ર મંથનમાં કથા પ્રચલિત છે. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માએ જણાવ્યું કે, શિવજીને એવી વસ્તુઓ ખાસ અર્પણ કરવામાં આવે છે જે શીતળતા આપતી હોય. જેમ કે, જળ, મધ, દૂધ, દહીં વગેરે. ઠંડક માટે શિવજી ચંદ્રદેવને પોતાના મસ્તક ઉપર ધારણ કરે છે.
પ્રાચીન સમયમાં જ્યારે દેવતા અને દાનવો મળીને સમુદ્ર મંથન કરી રહ્યા હતાં, ત્યારે હલાહલ વિષ બહાર આવ્યું હતું. આ વિષના કારણે સંપૂર્ણ સૃષ્ટિના જીવોના પ્રાણ સંકટમાં પડી ગયા હતાં. ત્યારે ભગવાન શિવે આ વિષ ગ્રહણ કર્યું, પરંતુ તેને ગળાની નીચે જવા દીધું નહીં. જેના કારણે શિવજીનું ગળું વાદળી રંગનું થઇ ગયું અને તેમને નીલકંઠ કહેવામાં આવ્યાં.
વિષ પીવાના કારણે શિવજીના શરીરમાં બળતરા થવા લાગી, ગરમી વધવા લાગી. આ ગરમીથી મુક્તિ મેળવવા માટે શિવજીને ઠંડું જળ ચઢાવવાની પરંપરા શરૂ થઇ છે. ભોળાનાથને ઠંડક આપનારી વસ્તુઓ વિશેષ રૂપથી ચઢાવવામાં આવે છે, જેના કારણે વિષની ગરમી શાંત રહે.
તાંબાના લોટાથી જળ ચઢાવોઃ-
શિવલિંગ ઉપર તાંબાના લોટાથી જળ ચઢાવવું જોઇએ. જળ ચઢાવતી સમયે શિવજીના મંત્રનો જાપ કરવો જોઇએ. જળ સાથે જ શિવલિંગ ઉપર દૂધ, દહીં, મધ પણ ચઢાવવું જોઇએ. અભિષેક બાદ ભગવાનને બીલીપાન, ધતૂરો, આંકડાના ફૂલ, ભોગ વગેરે વસ્તુઓ અર્પણ કરો. ધૂપ-દીપ પ્રગટાવીને આરતી કરો.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.