જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે ધન અને મીન રાશિના સ્વામી બૃહસ્પતિ છે. તેમાં ગ્રહ રાજ સૂર્યના આવતા જ ખરમાસ દોષ લાગે છે. એટલે કોઈપણ પ્રકારના શુભ કામ આ સમયગાળા દરમિયાન કરવામાં આવતા નથી. જેને કમુરતાં કહેવામાં આવે છે. ખરમાસ આ વર્ષે ગુરુવાર 16 ડિસેમ્બરના રોજ સવારે સૂર્યોદય સાથે જ શરૂ થઈ જાય છે. એટલે 16 ડિસેમ્બરથી 14 જાન્યુઆરી સુધી ધન સંક્રાંતિ સાથે ખરમાસ દોષ રહેશે.
આ એક મહિનાના સમયમાં ભગવાનની આરાધના કરવાનું ખાસ મહત્ત્વ છે. ધર્મગ્રંથો પ્રમાણે આ મહિનામાં સવારે સૂર્યોદય પહેલાં જાગીને ઉગતા સૂર્યને જળ ચઢાવો અને ભગવાનનું સ્મરણ કરવું જોઈએ. તેથી ભગવાનની કૃપા બની રહે છે.
ખરમાસમાં ભગવાન વિષ્ણુ અને સૂર્યપૂજા
આ મહિનામાં તીર્થ સ્નાન, દાન સાથે ઘર અને મંદિરમાં ભગવાનની કથા કરવાનું વિધાન છે. ખરમાસ દરમિયાન ભગવાન વિષ્ણુની ખાસ પૂજા કરવી જોઈએ. પુરાણોમાં ઉલ્લેખવામાં આવે છે કે ખરમાસ દરમિયાન ગૌદાન અને બ્રાહ્મણ ભોજન કરાવવાથી દરેક પ્રકારના પાપ નષ્ટ થાય છે. ખરમાસમાં સૂર્ય પૂજા કરવાની પણ પરંપરા છે. આ મહિનામાં જ્યારે સૂર્ય ધન રાશિમાં હોય છે ત્યારે સૂર્યને અર્ઘ્ય આપવું અને પ્રણામ કરવાથી બીમારીઓ દૂર થાય છે અને ઉંમર પણ વધે છે. ખરમાસમાં ભગવાન શ્રીકૃષ્ણનો પણ અભિષેક કરવામાં આવે છે.
ખરમાસમાં મંત્રનો જાપ
ધર્મગ્રંથોમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે ખરમાસ દરમિયાન ભગવાન વિષ્ણુ, શ્રીકૃષ્ણ અને સૂર્યદેવના મંત્રનો જાપ કરવાનું પણ વિધાન છે. આ મહિને ભગવાન વિષ્ણુ માટે ૐ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરવો જોઈએ. ૐ ક્લીં કૃષ્ણાય નમઃ મંત્રનો જાપ શ્રીકૃષ્ણ માટે કરવો જોઈએ. આ બંને મંત્રો માટે તુલસી કે કમળગટ્ટાની માળાનો ઉપયોગ કરવો જોઈએ. ભગવાન સૂર્ય માટે સૂર્યોદય સમયે સૂરજને પ્રણામ કરીને ૐ ધૃણિ સૂર્યાય નમઃ મંત્રનો જાપ કરવો જોઈએ.
ખરમાસમા દાન
જ્યારે સૂર્ય ધન રાશિમાં રહે છે ત્યારે ઊનના કપડાનું દાન કરવું જોઈએ. સૂર્યના ધન રાશિમાં રહેતી સમયે હેમંત અને શિશિર ઋતુ હોય છે. આ સમયે ગરમ કપડા સાથે જ અનાજ, બૂટ-ચપ્પલ, ગોળ, તલ અને બાજરાનું દાન કરવાની પણ પરંપરા છે. આ મહિને તમારી કમાણીનો થોડો ભાગ દાન પણ કરવો જોઈએ. ગૌ, જમીન, સોનુ, ઘી, વસ્ત્ર, ધાન્ય, ગોળ, ચાંદી, મીઠું કે મધનું દાન કરવાથી દરેક પ્રકારના પાપ નષ્ટ પામે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.